11 December, 2025 07:29 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પાર્થ પવાર
પુણેના મુંઢવામાં આશરે ૩૦૦ કરોડ રૂપિયાની ૪૦ એકર જમીનના ગોટાળાના કેસમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને તેમના દીકરા પાર્થ પવાર સતત ટીકાનો સામનો કરી રહ્યા છે. મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટે આ ગોટાળાને લગતા કેસની સુનાવણીમાં રાજ્ય સરકાર અને પુણે પોલીસ બન્ને પર નિશાન સાધ્યું હતું. ફરિયાદમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારના દીકરા પાર્થ પવારનું નામ કેમ નથી એવો તીખો સવાલ બોમ્બે હાઈ કોર્ટે પુણે પોલીસને પૂછ્યો હતો.
પુણે પોલીસે આ જમીન-ગોટાળામાં આરોપી શીતલ તેજવાનીની ધરપકડ કરી છે. આ જમીન પાર્થ પવારની કંપની માટે ખરીદવામાં આવી હતી. શીતલ તેજવાનીની ધરપકડ થઈ એ પછી તેમણે જામીન માટે પુણે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, પણ ત્યાંથી રાહત ન મળતાં તેમના વકીલોએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
હાઈ કોર્ટમાં આ જામીન-અરજીની સુનાવણી કરતી વખતે જજે પોલીસ અને રાજ્ય સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે ‘પાર્થ પવારનું નામ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં કેમ નથી? તમે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના દીકરાને બચાવી રહ્યા છો અને બીજા બધાની તપાસ કરી રહ્યા છો.’
પુણે પોલીસે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે આ કેસમાં હજી અમારી તપાસ ચાલી રહી છે. હાઈ કોર્ટે શીતલ તેજવાનીની જામીન-અરજીને એન્ટરટેઇન કરવાની મનાઈ કરી દીધા પછી અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.