પહેલાં તો શિંદે જૂથની શિવસેના કહેવું પડતું હતું, હવે તો એક જ શિવસેના બચી છે

21 June, 2026 08:28 AM IST  |  Kolhapur | Gujarati Mid-day Correspondent

ગૃહપ્રધાન અમિત શાહે કોલ્હાપુરમાં છોડ્યાં ઉદ્ધવ ઠાકરે પર વાગ્બાણ, ઉદ્ધવ ઠાકરે કૉન્ગ્રેસના ખોળામાં બેસી ગયા હોવાનો માર્યો ટોણો

અમિત શાહ

મહાલક્ષ્મી માતાના મંદિરમાં વિકાસકામોના લોકાર્પણ માટે તથા રાજકીય રૅલીને સંબોધવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ શનિવારે કોલ્હાપુરમાં હાજર રહ્યા હતા. એ દરમ્યાન તેમણે ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લઈને મહારાષ્ટ્રમાં હવે ફક્ત એક જ શિવસેના બચી હોવાનું કહ્યું હતું. તેમણે સભાને સંબોધતી વખતે ઉદ્ધવ ઠાકરે કૉન્ગ્રેસના ખોળામાં બેસી ગયા હોવાનું જણાવીને કહ્યું હતું કે ‘પહેલાં શિંદે જૂથની શિવસેના એવું કહેવું પડતું હતું, પરંતુ હવે એક જ શિવસેના બચી છે જે આપણા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની છે. બીજી કોઈ શિવસેના બચી જ નથી.’

હાલમાં જ શિવસેના (UBT)ના છ સંસદસભ્યોએ વિદ્રોહ કરીને અલગ જૂથ સ્થાપવા માટે દિલ્હીમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર આપ્યો છે એ સંદર્ભમાં બોલતાં અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લીધા હતા. કોલ્હાપુરમાં યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઉપરાંત મહારાષ્ટ્ર કૅબિનેટના અન્ય પ્રધાનો અને નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ દરમ્યાન તેમણે ‘શ્રી અંબાબાઈ મંદિર પરિસર અને કૉરિડોર’ માટે ૧૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ જાહેર કર્યું હતું.

mumbai news mumbai maharashtra political crisis political news amit shah shiv sena uddhav thackeray