દિવા પાસે ટ્રેનમાંથી ધક્કો મારીને કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશના યુવાનનું ઑનર કિલિંગ

26 July, 2021 02:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુપીથી ગર્લફ્રેન્ડ સાથે ભાગીને આવેલો સાહિલ હાશ્મી પોતાની જાતિનો ન હોવાથી સગીરાના પરિવારજનોએ તેને ચાલુ ટ્રેનમાંથી ધક્કો માર્યો

સાહિલ હાશ્મી

ઉત્તર પ્રદેશથી સગીર વયની ગર્લફ્રેન્ડ સાથે ભાગીને મુંબઈ આવેલા યુવકનું કોપર અને દિવાની વચ્ચે એક્સપ્રેસ ટ્રેનમાંથી પડી જતાં મૃત્યુ થયું હોવાની ઘટના જૂનમાં બની હતી. એમાં પ્રાથમિક માહિતીમાં પોલીસ સામે આવ્યું હતું કે યુવકનો પગ લપસી જતાં તે નીચે પડ્યો હતો. જોકે આ બાબતે પોલીસે વધુ તપાસ કરતાં જે ગર્લફ્રેન્ડ સાથે તે ભાગીને મુંબઈ આવ્યો હતો તેના પરિવારજનોએ જ તેને ટ્રેનમાંથી ધકલી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. ડોમ્બિવલી રેલવે પોલીસે એ પરિવારના ૧૧ લોકોની મર્ડરના ગુનામાં ધરપકડ કરી છે.

૧૯ જૂને કોપર-દિવા રેલવે સ્ટેશનની વચ્ચે સાહિલ હાશ્મીની ડેડ-બૉડી મળી આવી હતી. પ્રાથમિક માહિતીમાં એવું સામે આવ્યું હતું કે તેનો પગ લપસી જતાં તે ટ્રેનમાંથી પડ્યો હશે. આ સંબંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી જેમાં જાણવા મળ્યું હતું કે ઉત્તર પ્રદેશના ભદોઈ ગામનો વતની સાહિલ હાશ્મી તેના ગામની સગીર વયની પ્રેમિકા સાથે મુંબઈ માટે રવાના થયો હતો. એટલે સગીરાના પરિવારજનોએ સાહિલ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસમાં કિડનૅપિંગની ફરિયાદ નોંધાવી હતી. સાહિલ અને તેની ગર્લફ્રેન્ડ કઈ ટ્રેનમાં છે અને તેઓ ક્યાં જઈ રહ્યાં છે એની યુવતીના પરિવારને ખબર પડી હતી. ૧૯ જૂને યુવતીના પરિવારજનો કલ્યાણ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. સાહિલ જે ટ્રેનમાં મુંબઈ આવી રહ્યો હતો એમાં તેઓ કલ્યાણથી ચડ્યા હતા. બન્નેને સાથે જોઈને યુવતીના પરિવારજનો રોષે ભરાયા હતા. સાહિલ અને યુવતીના પરિવારજનો વચ્ચે ચાલુ ટ્રેનમાં દલીલો પણ થઈ હતી. આ દરમિયાન સાહિલને ચાલુ ટ્રેનમાંથી ધકેલી દેવામાં આવ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ડોમ્બિવલી જીઆરપીએ આ કેસમાં શબ્બીર હાશ્મી, કાસિમ હાશ્મી, ગુલામ અલી હાશ્મી, શાહિદ હાશ્મી, રુસ્તમ અલી હાશ્મી, તસલીમ હાશ્મી, અબદુલ્લા હાશ્મી, ફિરોઝ હાશ્મી, રિયાઝ મન્સૂરી, ઇબ્રાહિમ હાશ્મી અને એક સગીરની ધરપકડ કરી છે.

ડોમ્બિવલી જીઆરપીના સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીમાં અમારી સામે આવ્યું હતું કે સાહિલનો ટ્રેનમાંથી પગ લપસ્યો હતો. આમ છતાં આ કેસની અમે તપાસ શરૂ કરતાં સીસીટીવી

કૅમેરાનાં ફૂટેજમાં અમને કલ્યાણથી ટ્રેનમાં અમુક લોકો ચડતા દેખાયા હતા. એને લીધે અમને શંકા ગઈ હતી કે આ ટ્રેનમાંથી પડી જવાનો કેસ નથી. વધુ તપાસમાં અમને ખબર પડી કે સાહિલ અને ટ્રેનમાં ચડેલા લોકો એક જ ગામના છે. ત્યાર બાદ વધુ તપાસ માટે અમે તેમની અટક કરતાં તેમણે ગુનો કબૂલ્યો હતો. સાહિલ હાશ્મી તેમની કાસ્ટનો ન હોવાથી તેમણે તેને સગીરાથી દૂર રહેવાનું કહ્યું હતું.’

mumbai mumbai news uttar pradesh diva