01 August, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના અગ્રણી હોટેલ અને રેસ્ટોરાં અસોસિએશન્સે રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ને વિનંતી કરી છે કે તપાસ પૂરી થાય એ પહેલાં જ હોટેલ કે બેકરીઓનાં નામ જાહેર કરીને એમને બદનામ કરવાની પદ્ધતિ બંધ કરવામાં આવે અને નિયમ મુજબ પહેલાં ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવાની કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવે.
હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન વેસ્ટર્ન ઇન્ડિયા (HRAWI), નૅશનલ રેસ્ટોરાં અસોસિએશન ઑઇ ઇન્ડિયા (NRAI) અને ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (AHAR) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલી રજૂઆતમાં તાજેતરમાં FDA દ્વારા કરવામાં આવતી જાહેરમાં બદનામ કરવાની પદ્ધતિ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સંસ્થાઓએ ચેતવણી આપી છે કે પૂરી તપાસ વગર કે અધૂરી માહિતી જાહેર કરવાથી દાયકાઓથી ઊભા થયેલા વ્યવસાયોની પ્રતિષ્ઠાને કાયમી અને ન પૂરી શકાય એવું નુકસાન થાય છે.
• ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ (FSS) ઍક્ટ, 2006ની કલમ 32 હેઠળ લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરતાં પહેલાં હોટેલના સંચાલકોને ત્રુટિઓ સુધારવા માટે ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવી જોઈએ.
• સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી મુખ્ય પ્રવાહના મીડિયા કે સોશ્યલ મીડિયા પર હોટેલ કે બેકરીનાં નામ, ફોટોગ્રાફ્સ કે વિડિયો જાહેર કરવાનું ટાળવું જોઈએ.
• પ્રાથમિક તપાસ સુધારાત્મક અને સલાહકારી હોવી જોઈએ. એને સીધી શિક્ષાત્મક કે બદનામીનું સાધન ન બનાવવી જોઈએ.
હૉસ્પિટૅલિટી ક્ષેત્ર લાખો લોકોની રોજીરોટી સાથે જોડાયેલું હોવાથી નાની ઑપરેશનલ ભૂલો માટે કાનૂની સુધારો કરવાની તક આપ્યા વિના ઉતાવળે કરવામાં આવતો પ્રચાર ગ્રાહકોનો વિશ્વાસ ક્ષણભરમાં તોડી નાખે છે એ વાત પર અસોસિએશને ધ્યાન દોર્યું છે.