27 August, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટના સિક્સ્ટી ફીટ રોડ પરની એક સોસાયટીમાં રહેતા સિનિયર સિટિઝન દંપતીના ઘરમાંથી સાડાપાંચ લાખ રૂપિયાના દાગીના ચોરી કરવાના આરોપસર પંતનગર પોલીસે ૧૯ વર્ષની હાઉસહેલ્પ સામે ગઈ કાલે ફરિયાદ નોંધી હતી. આ મામલે ગુજરાતી દંપતીના ૩૨ વર્ષના જમાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં દંપતીએ મુલુંડના એક પ્રોગ્રામમાં જવા માટે દાગીના લૉકરમાંથી પહેરવા માટે કાઢ્યા હતા. પ્રોગ્રામથી પાછા આવીને બેડરૂમમાં દાગીના રાખતાં અંદર સાફસફાઈ માટે ગયેલી હાઉસહેલ્પે દાગીના સેરવી લીધા હોવાની શંકા જણાવવામાં આવી હતી.
પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે ફરિયાદીનાં સાસુ-સસરા મુલુંડ ખાતે એક કાર્યક્રમમાં ગયાં હતાં. બપોરે બે વાગ્યે ઘરે પાછા ફરીને તેમણે પહેરેલા દાગીના બેડરૂમના કબાટમાં મૂક્યા હતા. સાંજે છ વાગ્યે ઘરમાં રસોઈકામ માટે રાખેલી ૧૯ વર્ષની હાઉસહેલ્પ કબાટમાં કપડાં મૂકતી જોવા મળી હતી. સામાન્ય રીતે આ કામ ઘરનો અન્ય નોકર કરતો હોવાથી ફરિયાદીનાં સાસુને ત્યારે જ શંકા ગઈ હતી. જોકે એ સમયે વધુ ધ્યાન ન આપતાં સાંજે કબાટમાં દાગીના તપાસતાં અંદર મૂકેલા સોના-હીરાના દાગીના ગાયબ હતા. દાગીના ન મળતાં પરિવારે હાઉસહેલ્પની પૂછપરછ કરી હતી, પરંતુ તે કોઈ જાણકારી ન હોવાનું કહી ઝઘડો કરીને ત્યાંથી જતી રહી હતી. આથી પરિવારને હાઉસહેલ્પે દાગીનાની ચોરી કરી હોવાની ખાતરી થઈ હતી. અંતે તેમણે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અમે હાઉસહેલ્પ યુવતીને શોધી રહ્યા છીએ. આરોપી યુવતીએ ઘરમાંથી પચીસ ગ્રામની સોનાની બે બંગડીઓ અને ૧૦ ગ્રામની ડાયમન્ડ-જડિત સોનાની ચેઇન પેન્ડન્ટ સાથે ચોરી છે જેની કુલ અંદાજિત કિંમત ૫,૫૦,૦૦૦ રૂપિયા છે.’