15 November, 2025 12:29 PM IST | Mumbai | Sanjeev Shivadekar
વિનોદ તાવડે
બિહારમાં BJPના નેતૃત્વમાં NDAને ભવ્ય વિજય મળ્યો છે. એ સાથે જ બિહારમાં આ વખતનો ચૂંટણીપ્રચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે પોતે ફ્રન્ટ પર રહીને કર્યો હોવાની વાતો ચર્ચામાં છે. એને લીધે વિપક્ષો માટે તેમનો મુકાબલો કરવો મુશ્કેલ બન્યો હતો. જોકે બિહારની આ ભવ્ય જીતમાં મહારાષ્ટ્રના એક નેતાની પણ બહુ મહત્ત્વની ભૂમિકા રહી છે. BJPના નૅશનલ જનરલ સેક્રેટરી અને બિહારના ઇન્ચાર્જ વિનોદ તાવડે.
વિનોદ તાવડેએ સ્પૉટલાઇટથી દૂર રહીને બિહારમાં પાર્ટીની કૅમ્પેન-સ્ટ્રૅટેજી ઘડી હતી. પ્લાનિંગ, કોઑર્ડિનેશન અને ગ્રાઉન્ડ પર પાર્ટી સારી રીતે કામ કરી શકે એ બાબતો પર તેમણે વધારે ધ્યાન આપ્યું હતું.
બિહારથી ફોન પર ‘મિડ-ડે’ સાથે વાત કરતાં વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે ‘આ ભવ્ય વિજય એ માત્ર નવાં વચનોને લીધે નથી મળ્યો. પાછલાં ૧૦ વર્ષમાં થયેલાં વિકાસનાં કામોનું આ પરિણામ છે.’
મહારાષ્ટ્ર સરકારમાં ૨૦૧૪માં કૅબિનેટ મિનિસ્ટર રહેલા વિનોદ તાવડેને ૨૦૧૯ના ઇલેક્શનમાં બોરીવલી વિધાનસભા બેઠક પરથી ટિકિટ નહોતી મળી. ત્યારે ઘણાને લાગતું હતું કે તેમને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે. જોકે એ પછી પાર્ટીએ તેમને કેન્દ્રીય નેતૃત્વમાં મોટી જવાબદારી સોંપી હતી. ૨૦૨૨માં પાર્ટીએ તેમને બિહારમાં પાર્ટી ઍક્ટિવિટીનું નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપી હતી. ત્યારથી વિનોદ તાવડે સતત બિહારમાં આવ-જા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તો વિનોદ તાવડે અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ બિહારમાં રહેતા હતા. બિહાર પહેલાં તેમને હરિયાણાના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા.
બિહાર જેવા મહત્ત્વના રાજ્યની જવાબદારી સોંપવા માટે BJPનો આભાર માનતાં વિનોદ તાવડેએ કહ્યું હતું કે ‘બિહારના લોકોએ લાગણીશીલ થઈને મત નથી આપ્યા, પણ વિકાસ માટે મત આપ્યા છે. BJP અને અમારા સાથી-પક્ષોએ એવું માનીને એકસાથે કામ કર્યું છે કે તમામ ૨૪૩ ઉમેદવારો અમારા જ છે.’