થર્ડ વેવ કેવી ને વાત કેવી: થાણેમાં લગાવાશે વિશ્વવિક્રમી દહીહંડી

22 July, 2021 08:25 AM IST  |  Mumbai | Viral Shah

જાહેરમાં તહેવાર મનાવવા પર પ્રતિબંધ હોવા છતાં રાજ ઠાકરેની પાર્ટીએ જન્માષ્ટમીની જોરદાર ઉજવણી કરવાની જાહેરાત કરી છે : કોરોનાની થર્ડ વેવનો જાણે ભય જ નથી રહ્યો એવું લાગે છે

દહીહંડી કરતાં વધારે ગીચ ભીડ તો આજે પણ ધસારાના સમયે લોકલ ટ્રેનોમાં હોય છે અને એ પણ રોજ. અમે તો એક જ દિવસ ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરવાનું કહીએ છીએ. અભિજિત પાનસે, એમએનએસના નેતા

કોરોનાને કારણે ગયા વર્ષના માર્ચ મહિના બાદ તમામ તહેવારોની ઉજવણી પર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે હજી પણ ચાલુ હોવા છતાં હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ની ધીરજ ખૂટી ગઈ છે અને એણે આ વર્ષે ૩૧ ઑગસ્ટે આવી રહેલી જન્માષ્ટમીની ઉજવણી જોરદાર કરવાની જાહેરાત કરી દીધી છે. એમએનએસે આ વર્ષે દહીહંડીની વિક્રમી ઉજવણી કરવાની જાહેરાત કરતાં એને લઈને જોરદાર ચર્ચાઓ થવા લાગી છે. 
કોરોનાની ત્રીજી લહેર ઑગસ્ટ મહિનાના અંતમાં અથવા તો સપ્ટેમ્બરની શરૂઆતમાં આવે એવી શક્યતા જાણકારો વર્તાવી રહ્યા છે એવામાં આવી જાહેરાતે સરકારની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો હોવાનું કહેવાય છે. એમએનએસનું કહેવું છે કે અમે એવા જ ગોવિંદા પથકોને એન્ટ્રી આપીશું જેમના મેમ્બરોએ વૅક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હોય. રાજ ઠાકરેની પાર્ટીએ તો મોટી સંખ્યામાં ગોવિંદા પથકોને આ વર્ષે થાણેમાં વિશ્વવિક્રમ કરવા માટે આમંત્રણ આપવાનું પણ શરૂ કરી દીધું છે. તેઓ આ વખતે સૌથી ઊંચી મટકી લગાવવાના છે. 
એક બાજુ રાજ્ય સરકાર તરફથી ગણેશોત્સવ માટે પણ મૂર્તિની હાઇટને લઈને મંડળોને રાહત આપવામાં નથી આવી રહી ત્યારે એમએનએસની આ જાહેરાત બાદ સરકાર શું પગલાં લે છે એના પર બધાની નજર છે. કોરોનાની ત્રીજી લહેર માથે છે ત્યારે જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવી કેટલી યોગ્ય રહેશે એવું પૂછતાં એમએનએસના નેતા અભિજિત પાનસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક વાત બધાએ સમજી લેવાની જરૂર છે કે હવે આપણે કોરાનાની સાથે જીવવાનું શીખવું જ પડશે. ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે. ક્યાં સુધી આમ કોરોનાના નામે બેઠા રહીશું? અમે સરકાર કે કોર્ટની ખિલાફ નથી. હજી દોઢ મહિનાની વાર છે. જો એ સમયે પરિસ્થિતિ સારી નહીં હોય તો અમે એ મુજબ નિર્ણયમાં ફેરફાર જરૂર કરીશું, પણ અત્યારે ગોવિંદા પથકોનું પણ વિચારવું જોઈએ. આ લોકોમાંથી ઘણા લોકો મટકી ફોડીને પૈસા કમાતા હોય છે. અમે દરેક ગોવિંદા પથકને વૅક્સિન લેવાનું કહ્યું હોવાથી એક રીતે અમે સરકારને વૅક્સિનેશનમાં પણ મદદ જ કરી રહ્યા છીએ. દહીહંડી કરતાં વધારે ગીચ ભીડ તો આજે પણ ધસારાના સમયે લોકલ ટ્રેનોમાં હોય છે અને એ પણ રોજ. અમે તો એક જ દિવસ ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરવાનું કહીએ છીએ. આ વર્ષે અમારે ત્યાં મટકી ફોડવા આવતું જોગેશ્વરીનું જય જવાન મંડળ દસ થરની મટકી ફોડીને વિશ્વવિક્રમ સ્થાપવાની કોશિશ કરશે.’ 
એમએનએસના આ નિર્ણય બાબતે સરકાર તરફથી મુંબઈ શહેરના પાલક પ્રધાન અસલમ શેખ તેમ જ મુમ્બ્રાના વિધાનસભ્ય અને હાઉસિંગ મિનિસ્ટર જિતેન્દ્ર આવ્હાડનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરવા છતાં તેઓ નહોતા મળી શક્યા.

Mumbai mumbai news viral shah