લંપટ જ્યોતિષી અશોક ખરાતનો પર્દાફાશ તેની નજીકની વ્યક્તિએ કેવી રીતે કર્યો?

24 March, 2026 12:00 PM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

અશોક ખરાત વિરુદ્ધ વધુ બે કેસ દાખલ, તપાસમાં છેતરપિંડીની તેની વિસ્તૃત રીત શોધી કાઢવામાં આવી

અશોક ખેરાત

પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે અશોક ખરાતની લંપટગીરીનો તેની જ નજીકની વ્યક્તિએ પર્દાફાશ કર્યો હતો. ૨૦૨૩માં તે વ્યક્તિ તેની ગર્ભવતી પત્નીને અશોક ખરાત પાસે લઈ ગયો હતો. પ્રસૂતિ સુરક્ષિત થાય અને બાળક તંદુરસ્ત મળે એ માટે પૂજા કરાવવાનું કહીને અશોક ખરાતે તેને કૅબિન બહાર બેસાડ્યો હતો. તેમના પ્રભાવ હેઠળ હોવાથી તે વ્યક્તિ કૅબિનની બહાર જ બેઠો હતો. એ પછી અશોક ખરાતે લાઇટ બંધ કરી તેની ગર્ભવતી પત્ની પર જ બળાત્કાર ગુજાર્યો હતો. બહાર આવીને પત્નીએ એ વિશે પતિને કહ્યું, પણ પતિનો વિશ્વાસ જ ન બેઠો. એ પછી તેણે બાબા (અશોક ખરાત)ની હિલચાલ પર ધ્યાન આપ્યું અને તક મળતાં જ તેની કેબિનમાં છુપા કૅમેરા લગાડી દીધા. ત્યાર બાદ કૅબિનની અંદર થતા મહિલાઓ પરના જાતીય અત્યાચારના વિડિયો રેકૉર્ડ કર્યા, પેન ડ્રાઇવમાં કૉપી કરી લીધા અને પછી પોલીસને પુરાવારૂપે આપ્યા હતા. વિડિયો જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ હતી. એ પછી તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.   

અશોક ખરાત વિરુદ્ધ વધુ બે કેસ દાખલ, તપાસમાં છેતરપિંડીની તેની વિસ્તૃત રીત શોધી કાઢવામાં આવી

મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં સ્વયંઘોષિત ગૉડમૅન અશોક ખરાત વિરુદ્ધ વધુ બે કેસ નોંધાયા છે. નવા કેસ ૭ મહિનાની ગર્ભવતી મહિલા અને બીજી મહિલાનાં પુનર્લગ્ન કરાવવાના બહાને તેના જાતીય શોષણના સંદર્ભમાં છે એમ અધિકારીએ જણાવ્યું હતું. આ કેસની વિગતો આપતાં અધિકારીએ જણાવ્યું હતું કે ‘નવેમ્બર ૨૦૨૩ અને ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચે અશોક ખરાતે તેની કૅનેડા કૉર્નર ઑફિસમાં ગર્ભવતી મહિલા પર બળાત્કાર કર્યો હતો અને તેને સ્વસ્થ બાળકો પેદા થાય એ માટે ધાર્મિક વિધિઓ કરવાનું વચન આપ્યું હતું.’

બીજો કેસ એક મહિલાની ફરિયાદ પર છે, જેણે કહ્યું હતું કે તે અને તેના સગા ૨૦૧૩માં અશોક ખરાતને લગ્ન નક્કી કરવા માટે મળ્યાં હતાં એમ જણાવતાં અધિકારીએ કહ્યું હતું કે ‘ફરિયાદીનાં લગ્ન થયા પછી પણ અશોક ખરાતે તેનું શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું અને તેનાં લગ્ન તૂટી ગયાં એ પછી પણ અશોક ખરાતે તેનો સંપર્ક કરીને દાવો કર્યો કે તે તેનાં લગ્ન ફરી કરાવી શકે છે. તેણે તેની સાથે બળાત્કાર કરવાનું ચાલુ રાખ્યું હતું. એ મહિલાએ ૨૧ માર્ચે ફરિયાદ નોંધાવી હતી. સરકારવાડા પોલીસ-સ્ટેશનમાં ખરાત વિરુદ્ધ કુલ ત્રણ કેસ નોંધાયા છે,’

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અશોક ખરાત ૨૦ ફુટ લાંબા રિમોટ-કન્ટ્રોલ્ડ નકલી સાપ અને નકલી વાઘની ચામડીથી લોકોને ડરાવતો હતો અને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે આમલીનાં બીજ ખરીદીને અને એને પૉલિશ કર્યા પછી ૧૦,૦૦૦ રૂપિયામાં રત્ન તરીકે વેચીને તેમની સાથે છેતરપિંડી કરતો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ‘અશોક ખરાતના એક કર્મચારીએ તેને રંગેહાથ પકડવા માટે તેની ઑફિસમાં CCTV કૅમેરા ગોઠવ્યા હતા અને ભેગા કરેલા પુરાવા પોલીસને સોંપ્યા હતા. આ કેસની તપાસના ભાગરૂપે પોલીસે અશોક ખરાતના મીરગાવ ફાર્મહાઉસ, ટિકડે કૉલોની બંગલા અને કૅનેડા કૉર્નર ઓફિસમાંથી CCTVનાં ડિજિટલ વિડિયો રેકૉર્ડર જપ્ત કર્યાં છે.’

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે પોલીસે અશોક ખરાતની ધરપકડ કરવામાં સક્રિયતાથી કામ કર્યું છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તપાસમાં વિશ્વાસ વધતાં વધુ પીડિતો આગળ આવશે એવી અપેક્ષા છે.

અશોક ખરાતને જે-જે લોકો મળ્યા છે એ બધાની HIV ટેસ્ટ થવી જોઈએ, નહીં તો બધા સંસર્ગથી મરશે: કૉન્ગ્રેસ

અશોક ખરાતનો પ્રશ્ન વિધાનસભામાં પણ ચર્ચાઈ રહ્યો છે. ગઈ કાલે વિધાનસભામાં કૉન્ગ્રેસે આ સંદર્ભે સરકારને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો હતો. કૉન્ગ્રેસના નેતા નાના પટોલે અને વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘આ ભોંદુ બાબા (અશોક ખરાત)ને જે પણ લોકો મળ્યા છે, જે લોકો વિડિયો-ક્લિપમાં છે એ બધાના મોબાઇલ કૉલ ડિટેઇલ રિપોર્ટ ચેક કરવા જોઈએ. એ સિવાય જે પણ લોકો તેમને મળ્યા છે એ બધાની HIV ટેસ્ટ કરવી જોઈએ. સરકારે જ આ ટેસ્ટ કરાવવી જોઈએ, નહીં તો બધા સંસર્ગને કારણે મરશે. આ ભોંદુ બાબા સાથે જેના-જેના પણ ફોટો છે તેમણે રાજીનામાં આપવાં જોઈએ.’

અશોક ખરાતના ફાર્મહાઉસ પર શું ચાલતું હતું એનું ઇન-આઉટ બધું જ પોલીસ જાણશે

ભોંદુબાબા અશોક ખરાતના અનેક મોટા લોકો રાજકરણીઓ સાથે સારા સંબંધ હતા એટલે આ કેસની તપાસ બહુ જ ચોકસાઈ સાથે કરવામાં આવી રહી છે. ઑફિસર તેજસ્વી સાતપુતેની દોરવણી હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે. ખાસ કરીને અશોક ખરાતના મીરગાવમાં આવેલા વૈભવી ફાર્મહાઉસ પર અનેક વગદાર લોકોની આવનજાવન રહેતી હતી. એથી એ ફાર્મહાઉસના કર્મચારી, મૅનેજર, વૉચમૅન અને સાથે જ મીરગાવમાં આવેલા તેમના ઈશાનેશ્વર મહાદેવ મંદિરના પૂજારી સહિત અન્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. રવિવારે ૮ કલાક સુધી તેમની અને અશોક ખરાતની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી હતી. એ ફાર્મહાઉસ પર અશોક ખરાત ક્યારે આવતા, કેટલો વખત રહેતા અને એ દરમ્યાન તેમને મળવા કોણ-કોણ આવતું, કેટલા વખતથી આ બધું ચાલુ હતું એ વિશે નાનામાં નાની વિગતો ભેગી કરવામાં આવી રહી છે. એમાંથી આગળ જતાં ઘણી ચોંકાવનારી વિગતો મળે એવી શક્યતા છે. પોલીસ હાલ એ તમામ વિગતોની યાદી બનાવી રહી છે. 

nashik ashok kharat case sexual crime maharashtra news maharashtra