ઍડ્વાન્ટેજ એચએસસી સ્ટુડન્ટ્સ?

21 June, 2021 08:40 AM IST  |  Mumbai | Viral Shah

એચએસસીના વિદ્યાર્થીઓને બીજા બોર્ડની સરખામણીમાં ફાયદો થવાની શક્યતા

ફાઈલ તસવીર

સીબીએસઈ અને સીઆઇએસસીઈ બોર્ડે બારમા ધોરણનાં પરિણામો કયા આધારે તૈયાર કરવામાં આવશે એની જાહેરાત કર્યા બાદ હવે એચએસસી બોર્ડ પર બધાની નજર છે. ગઈ કાલે રાજ્યનાં સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે આ બાબતે મીટિંગ કરી હતી અને આ અઠવાડિયામાં એની જાહેરાત કરવામાં આવે એવી ભારોભાર શક્યતા છે. આમ તો ગયા મહિને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોના એજ્યુકેશન મિનિસ્ટર સાથે યોજેલી મીટિંગમાં વર્ષા ગાયકવાડે યુનિફૉર્મ માર્કિંગ પૅટર્નની વકીલાત કરી હોવાથી રાજ્યનું બોર્ડ પણ સીબીએસઈની જેમ ૩૦ : ૩૦ : ૪૦ની ફૉર્મ્યુલા જ અપનાવે એવી શક્યતા છે. જોકે સીબીએસઈ, સીઆઇએસસીઈ અને એચએસસી બોર્ડની માર્કિંગ પૅટર્નમાં એક ફરક આવી શકે છે. એ બાબતે રાજ્યના એજ્યુકેશન બોર્ડ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સીબીએસઈ અને સીઆઇએસસીઈ બોર્ડ બારમા ધોરણના વિદ્યાર્થીઓના રિઝલ્ટનું મૂલ્યાંકન કરતી વખતે છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ પર્ફોર્મન્સને ધ્યાનમાં લેવાનું છે, જ્યારે એચએસસી બોર્ડ એવું કરે એની શક્યતા બહુ ઓછી છે. આનો મતલબ સમજાવતાં તેમણે કહ્યું હતું કે ‘જો સીબીએસઈની કોઈ સ્કૂલનું છેલ્લાં ત્રણ વર્ષનું સરેરાશ પરિણામ ૯૦ ટકા આવ્યું હશે તો તેઓ એનાથી બે ટકા વધારે અથવા ઓછું પરિણામ જાહેર કરી શકશે, જ્યારે એચએસસી બોર્ડ દરેકેદરેક વિદ્યાર્થીને પાસ કરવાનું છે અને એ આવી કોઈ કૅપ રાખે એવું લાગતું નથી. આને લીધે બીજા બે બોર્ડ કરતાં એચએસસીના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું આવે એવી ભારોભાર શક્યતા છે.’

બીજી બાજુ બારમાના રિઝલ્ટ બાદ સીઈટી, નીટ જેવી પ્રોફેશનલ પરીક્ષાઓ ઑનલાઇન લેવાની પૂરી તૈયારી રાજ્યના હાયર ઍન્ડ ટેક્નિકલ ખાતાના પ્રધાન ઉદય સામંતે કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આમ છતાં જો કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં રહેશે તો ઑફલાઇન પરીક્ષા લેવાની પણ તેમની તૈયારી છે.

mumbai mumbai news 12th exam result viral shah