હું પૅકેજ જાહેર કરનારો નહીં, મદદ કરનારો મુખ્ય પ્રધાન : ઉદ્ધવ ઠાકરે

31 July, 2021 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોલ્હાપુરમાં પૂરપીડિતો માટે રાહતપૅકેજની માગણી કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસને આડકતરી રીતે સીએમએ સંભળાવ્યું

હું પૅકેજ જાહેર કરનારો નહીં, મદદ કરનારો મુખ્ય પ્રધાન : ઉદ્ધવ ઠાકરે

રાજ્યના કોલ્હાપુર સહિત પશ્ચિમ મહારાષ્ટ્ર ઉપરાંત કોંકણમાં આવેલા કેટલાક જિલ્લામાં અતિવૃષ્ટિથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આથી આ વિસ્તારો માટે સરકારે મદદનું મોટું પૅકેજ જાહેર કરવાની માગણી વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સવારે કરી હતી. તેમણે કોલ્હાપુરની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘પૂરની પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવાની જરૂર છે અને એના માટે કદાચ કડક પગલાં પણ લેવામાં આવે. હું એમાં વિરોધીઓના સહયોગની અપેક્ષા રાખું છું.’
ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે ‘વરસાદ અને પૂરને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે સરકારે પૅકેજ જાહેર કરવું જોઈએ એવી માગણી દેવેન્દ્ર ફડણવીસે કરી હોવાનો મુદ્દો પત્રકારો ઉપસ્થિત કરે છે. તેમને હું કહું છું કે હું પૅકેજ જાહેર કરનારો નહીં પણ મદદ કરનારો મુખ્ય પ્રધાન છે. મારા સહકારી પ્રધાનો પણ મદદ કરનારા પ્રધાનો છે. હું માત્ર લોકપ્રિયતા મેળવવા માટે કંઈ પણ નહીં કરું એવું મેં પહેલાં પણ કહ્યું છે. હજી પણ સાંગલી અને કોલ્હાપુરમાં પૂરનાં પાણી ઓસર્યાં નથી. આ સંકટનો પૂરો અંદાજ મેળવ્યા બાદ મદદ કરવાનો વિચાર સરકાર કરી રહી છે. તાત્કાલિક મદદ અમે જાહેર કરી જ છે. એનડીઆરએફના નિયમ બદલવાની જરૂર બાબતે મેં વડા પ્રધાન સાથે કરેલી વાતચીતમાં રજૂઆત કરી છે. ૨૦૧૫ના નિયમમાં ફેરફાર કરવાની જરૂર છે. ગયા વર્ષે અમે એનડીઆરએફના નિયમોથી આગળ જઈને લોકોને મદદ કરી હતી.’
ઉદ્ધવ ઠાકરેએ એ પહેલાં સવારે કોલ્હાપુરના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લાની શિંરોલ તહસીલમાં તાત્પૂરતાં ઊભાં કરાયેલાં મકાનોમાં રહેતા લોકો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘જો આખું ગામ વિસ્થાપિત થવા માગતું હોય તો રાજ્ય સરકાર તેમને તમામ પ્રકારની મદદ કરશે. પૂરની પરિસ્થિતિમાં સ્થળાંતર જ મુશ્કેલીમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે. પૂરથી પ્રભાવિત થયેલા તમે નક્કી કરો કે સ્થળાંતરિત થવું છે કે નહીં. આ માટે જરૂરી તમામ મદદ સરકાર કરશે.’

કોલ્હાપુરમાં સીએમ અને ભૂતપૂર્વ સીએમની મુલાકાત

કોલ્હાપુરમાં થયેલી અતિવૃષ્ટિની ચકાસણી કરવા માટે ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે એક સમયે ભેગા થઈ ગયા હતા. ઉદ્ધવ ઠાકરે સામે ચાલીને દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. તેમણે દર વર્ષે ચોમાસામાં ઊભી થતી પૂરની સ્થિતિનો કાયમી ઉપાય લાવવા બાબતે વાતચીત કરી હતી. રાહતપૅકેજ બાબતે બન્ને નેતાઓ વચ્ચે સામસામે નિવેદન આવી રહ્યાં છે ત્યારે તેમની અચાનક મુલાકાત થઈ હતી. ઉદ્ધવ ઠાકરેએ મુલાકાત બાદ કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસ પાસે કેટલીક સારી સૂચના હોઈ શકે છે એનું સ્વાગત કરીશું. ત્યાં અમે બંધ દરવાજામાં કોઈ વાત નહોતી કરી. હકીકત એ છે કે ત્યાં કોઈ દરવાજો જ નહોતો. મેં તેમને કહ્યું હતું કે હું તમને બોલાવીશ. મુંબઈમાં આપણે મળીશું. જે સૂચના હશે એના પર એકમત થઈશું. અમારી ત્રણ પક્ષની સરકાર તો છે જ. જો રાજ્યનો ચોથો મુખ્ય પક્ષ પણ સાથે આવશે તો સાર્વત્રિક નિર્ણય લેવાશે એનાથી સૌને ફાયદો થશે.’

Mumbai mumbai news