મારા પર બે દિવસથી નજર રખાઈ રહી છે

28 November, 2021 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનિલ દેશમુખની જેમ પોતાની સામે પણ કાવતરું ઘડાઈ રહ્યું હોવાની શંકા વ્યક્ત કરીને એનસીપીના નેતા નવાબ મલિકે વ્યંગ કર્યો કે નરેન્દ્ર મોદી તો છે અમારા ગુરુ

મારા પર બે દિવસથી નજર રખાઈ રહી છે

કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) પર સતત હુમલા કરી રહેલા એનસીપીના નેતા અને મહાવિકાસ આઘાડીના કૅબિનેટ પ્રધાન નવાબ મલિકે અચાનક યુ-ટર્ન લીધો છે. શુક્રવારે એનસીપીના ચીફ શરદ પવારે દિલ્હીની મુલાકાત લીધા બાદ ગઈ કાલે નવાબ મલિકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમારા ગુરુ હોવાનું વ્યંગાત્મક ભાષામાં કહ્યું હતું. પોતાના પર બે દિવસથી નજર રખાઈ હોવાથી અનિલ દેશમુખની જેમ પોતાની સામે કાવતરું ઘડાઈ રહ્યું હોવાની શંકા પણ તેમણે વ્યક્ત કરી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં ગઈ કાલે નવાબ મલિકે કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયાનો કેવી રીતે અસરકારક ઉપયોગ કરી શકાય એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમને શીખવ્યું છે. હવે આ જ સોશ્યલ મીડિયાનો ઉપયોગ વિરોધ પક્ષના કાર્યકરો કરી રહ્યા છે. બીજેપીએ સોશ્યલ મીડિયા પર એકાધિકાર મેળવ્યો હતો, જેને પડકારાઈ રહ્યો છે. તેમણે ૨૦૧૪માં સોશ્યલ મીડિયાના આધારે કેન્દ્રમાં સરકાર બનાવી હતી. હવે એ જ સોશ્યલ મીડિયાનો ઉપયોગ વિરોધ પક્ષો કરી રહ્યા છે.’
એનસીબીના મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડે અને તેમના પરિવાર પાછળ હાથ ધોઈને પડી ગયેલા નવાબ મલિકે વધુમાં કહ્યું હતું કે ‘મારી વિરુદ્ધ અનેક કાવતરાં ઘડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અનિલ દેશમુખની જેમ મારા પર નજર રાખવામાં આવી રહી છે. અનિલ દેશમુખ સાથે જે રમત રમાઈ હતી એ હવે મારી સાથે રમવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. 
કેટલાક અધિકારી લોકોને મારી સામે મુસદ્દો તૈયાર કરીને ઈ-મેઇલ કરી રહ્યા છે અને તેમને મારી વિરુદ્ધ ફરિયાદ કરવાનું કહી રહ્યા છે. આથી આવા અધિકારી અને લોકોની સામે હું પોલીસ કમિશનર અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને ફરિયાદ કરીશ અને મારી સામે કરાઈ રહેલી ફરિયાદની તપાસ કરાવીશ.’

Mumbai mumbai news nawab malik narendra modi