જો આવો અનુભવ થશે તો પોલીસને મદદ કરવા કોણ આગળ આવશે?

01 December, 2021 08:30 AM IST  |  Mumbai | Rohit Parikh

ટ્રેનમાં ભુલાઈ ગયેલી એક ગુજરાતી યુવાનની બૅગ સોંપવા કેમિકલના બ્રોકરે ચર્ચગેટથી ગ્રાન્ટ રોડ સુધી પોલીસને શોધવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસ મળી નહીં : આખરે બૅગ બુકિંગ સુપરવાઇઝરને સોંપવામાં આવી

ચર્ચગેટમાં લોકલ ટ્રેનમાં મળેલી બૅગને ગ્રાન્ટ રોડમાં બુકિંગ સુપરવાઇઝર અનિલ ઉદાસીને સોંપી રહેલા મસ્જિદ બંદરના કેમિકલના બ્રોકર પીયૂષ દાસ.

મસ્જિદ બંદરના કેમિકલના બ્રોકર પીયૂષ દાસ ગઈ કાલે બપોરે ૧.૫૮ વાગ્યાની બોરીવલી લોકલમાં ચર્ચગેટથી ગ્રાન્ટ રોડ જઈ રહ્યા હતા ત્યારે તેમને લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં એક બૅગ મળી હતી. પીયૂષ દાસ એ બૅગ એના માલિકને મળે એ માટે ચર્ચગેટથી ગ્રાન્ટ રોડ સુધી પ્લૅટફૉર્મ પર રેલવે પોલીસને શોધતા રહ્યા, પણ તેમને સહાય કરવા માટે પ્લૅટફૉર્મ પર એક પણ પોલીસ કર્મચારી હાજર નહોતો. આથી તેમણે ટ્રેનમાંથી મળેલી બૅગને ગ્રાન્ટ રોડના બુકિંગ સુપરવાઇઝરને સોંપીને સંતોષ માન્યો હતો. 
આ બાબતની માહિતી આપતાં પીયૂષ દાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે અર્જન્ટ કામ હોવાથી હું ગ્રાન્ટ રોડ જઈ રહ્યો હતો. ટ્રેનમાં બેસતાં પહેલાં મારી આદત મુજબ મેં ડબ્બામાં બધે નજર કરી હતી. ડબ્બામાં એક પુરુષ અને એક મહિલા જ ફર્સ્ટ ક્લાસમાં બેઠાં હતાં. ત્યાં મારી નજર એક બૅગ પર પડી હતી. મેં તરત જ એને ચેક કરી તો એમાં બોરીવલીના એક ગુજરાતી યુવાનની અમુક દસ્તાવેજોની ઝેરોક્ષ હતી અને ખમણ ઢોકળાંનો ડબ્બો હતો. મેં તરત જ ચર્ચગેટ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર કોઈ આ બૅગ ગોતતું નજરમાં આવે એની તપાસ કરી. સાથે પ્લૅટફૉર્મ પર ફરજ બજાવતો કોઈ પોલીસ કર્મચારી મળી જાય એ શોધવાની કોશિશ કરી, પણ એકેય પોલીસ દેખાતી નહોતી. ટ્રેન શરૂ થયા પછી મેં મરીન લાઇન્સ અને ચર્ની રોડ સ્ટેશન પર પણ ટ્રેનમાંથી ઊતરીને પોલીસને શોધવા મહેનત કરી, પણ ત્યાંય મને કોઈ પોલીસ દેખાઈ નહોતી.’
ગ્રાન્ટ રોડ પર ટ્રેનમાંથી ઊતરતાં જ એક લેડી પોલીસ દેખાઈ હતી એમ જણાવતાં પીયૂષ દાસે કહ્યું હતું કે ‘મેં તેને બૅગ સોંપવાની કોશિશ કરી, પણ તેણે ઇનકાર કરી દીધો હતો. ત્યાર પછી તે લેડી પોલીસ જ મને ગ્રાન્ટ રોડ સ્ટેશનના બુકિંગ સુપરવાઇઝર અનિલ ઉદાસી પાસે લઈ ગઈ હતી. મેં તેમને બૅગ સોંપી દીધી હતી. જોકે ગઈ કાલે સાંજના સાડાસાત વાગ્યા સુધી અનિલ ઉદાસીએ બોરીવલીના યુવાનને બૅગની જાણકારી આપ્યા પછી પણ તે બૅગ લેવા આવ્યો નહોતો. નવાઈની વાત એ છે કે એક સામાન્ય રેલવે મુસાફરને અચાનક કોઈ સહાય જોઈતી હોય તો રેલવે પ્લૅટફૉર્મ પર પોલીસ જ ન હોય તો તે કોની સહાય લેવા જાય?’ 

Mumbai mumbai news rohit parikh