ડાયલ ૧૯૩૦

17 June, 2022 11:36 AM IST  |  Mumbai | Mehul Jethva

જો તમારી સાથે સાઇબર ફ્રૉડ થાય તો તરત જ આ નંબર પર ફોન કરો : મુંબઈ પોલીસે શરૂ કરેલી આ સેવામાં રોજના ૬૦ લોકો ફોન કરે છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં સાઇબર ક્રાઇમના ગુનામાં છેલ્લાં બે વર્ષમાં ભારે વધારો જોવા મળ્યો છે. એમાં રિકવરી રેશિયોની વાત કરીએ તો એ માત્ર ૧૫થી ૧૭ ટકા હોવાનું સામે આવ્યું છે. આવા કેસને રોકવા માટે મુંબઈ પોલીસે હવે ૧૯૩૦ હેલ્પલાઇન માટે એક ટીમ તૈયાર કરી છે, જેણે અત્યાર સુધીમાં સાઇબર ક્રાઇમ સંબંધી આવેલી ૨૪૮૪ ફરિયાદોમાંથી ૪૧૫ ફરિયાદીઓના જે ખાતામાં પૈસા ગયા છે એ અકાઉન્ટ ફ્રીઝ કર્યાં છે. મુંબઈ પોલીસે લોકોને અપીલ કરી છે કે જો તમારી સાથે સાઇબર ફ્રૉડ થાય તો ૧૯૩૦ નંબર પર તરત સંપર્ક કરો. ગૃહમંત્રાલય દ્વારા ૧૯૩૦ હેલ્પલાઇન નૅશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ જૂન ૨૦૨૧માં શરૂ કરવામાં આવી હતી. એમાં મુંબઈ પોલીસે પણ પોતાની એક ટીમ ૧૯૩૦ હેલ્પલાઇન પરની સુવિધા માટે છેલ્લા એક મહિનાથી કાર્યરત કરી છે. નૅશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ એક વેબ પેજ છે જેમાં નાણાકીય સાઇબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની બૅન્કિંગ વ્યવહારો સંબંધિત વિગતો ફીડ કરવાની હોય છે, જેથી જે અકાઉન્ટમાં સાઇબર ગઠિયાએ પૈસા ટ્રાન્સફર કર્યા હોય એ બૅન્ક-ખાતાને ફ્રીઝ કરવામાં મદદરૂપ થાય છે.

મુંબઈ સાઇબર વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નૅશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર પહેલાં મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યથી આવતા કૉલ માટે એક ટીમ રાખવામાં આવી હતી. એમાં અનેક ફરિયાદો આવી હતી. એ જોતાં મુંબઈના પોલીસ કમિશનર તરફથી માત્ર મુંબઈના સાઇબર કેસો માટે ૧૦ લોકોની ટીમ ૧૯૩૦માં આવતી ફરિયાદોને જોવા માટે રાખવામાં આવી છે. આ ટીમમાં ૮ કૉન્સ્ટેબલ અને બે અધિકારીનો સમાવેશ છે. ૧૭ મેથી ચાલુ કરાયેલી આ સિસ્ટમમાં અત્યાર સુધીમાં ૨૪૮૪ ફરિયાદો આવી હતી, જેમાંથી ૪૧૫ ફરિયાદીઓમાં જે ખાતામાં પૈસા ગયા છે એ અકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યાં હતાં. મુંબઈમાં ૧૯૩૦ના ફોન અટેન્ડ કરતી એક મહિલા અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં અમે સવારે ૧૦થી સાંજના ૬ વાગ્યા સુધી ૧૯૩૦ પર આવતા ફોન અટેન્ડ કરીએ છીએ. આવતા સમયમાં અમે આ સર્વિસ ૨૪ કલાક કરવાના છીએ. સાઇબર ક્રાઇમમાં ગોલ્ડન કલાકોમાં જે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હોય એ અકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે તો ફરિયાદીના પૈસા બચી જતા હોય છે. અમારી પાસે આવતા કૉલની માહિતી લીધા પછી નૅશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર એ ભરી દેતા હોઈએ છીએ, જેનાથી બૅન્કના નોડલ ઑફિસર અને જે કોઈ પોર્ટલથી તેણે ખરીદી કરી હોય એના નોડલ ઑફિસરનો સંપર્ક કરીને એ પૈસા અટકાવી નાખવામાં આવે છે.

મુંબઈ સાઇબર વિભાગના ડેપ્યુટી પોલીસ કમિશનર હેમરાજ રાજપૂતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં ૧૯૩૦ હેલ્પલાઇનમાં રોજ ૫૦થી ૬૦ વધુ ફોન આવતા હોય છે. એમાં ફાઇનૅન્શિયલ ફ્રૉડના વધુ શિકાર અમારી સામે આવતા હોય છે. અમારી એટલી કોશિશ છે કે આવનારા સમયમાં અમે વધુ ને વધુ લોકો સુધી પહોંચીને સાઇબર ફ્રૉડને અટકાવી શકીએ.’

mumbai mumbai news cyber crime mumbai police mehul jethva