સમીર વાનખેડે વિરુદ્ધ બોલવાનું જો બંધ નહીં કરો તો ભારે પડશે

23 October, 2021 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનથી ધમકીનો કૉલ આવ્યો હોવાનો દાવો માઇનૉરિટી મિનિસ્ટર નવાબ મલિકે કર્યો

સમીર વાનખેડે વિરુદ્ધ બોલવાનું જો બંધ નહીં કરો તો ભારે પડશે

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈ ઝોનના ઇન્ચાર્જ સમીર વાનખેડે ક્રૂઝ રેવ પાર્ટીની તપાસ કરી રહ્યા છે. તેમના પર અને તેમના પરિવારજનો પર રાજ્યના માઇનૉરિટી મિનિસ્ટર અને એનસીપીના પ્રવક્તા નવાબ મલિક છેલ્લા કેટલાક સમયથી  જાત જાતના આરોપ લગાવી રહ્યા છે ત્યારે ગઈ કાલે નવાબ મલિકને આમ ન કરવાની ચેતવણી આપવાની સાથે જો સમીર વાનખેડે વિશે વધુ બોલશો તો ભારે પડશે એવી ધમકીના કૉલ આવી રહ્યા હોવાનું નવાબ મલિકે કહ્યું હતું. આવા કૉલને પગલે નવાબ મલિકની સિક્યૉરિટી વધારી દેવામાં આવી છે.
નવાબ મલિકે એનસીબીના મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડે પર એક પછી એક આરોપ મૂકવાથી ખળભળાટ મચી ગયો છે ત્યારે સમીર વાનખેડેએ ગુરુવારે તમામ આરોપ પાયા વિનાના હોવાનું કહ્યું હતું. જોકે આ મામલો આગળ વધ્યો છે. નવાબ મલિકે દાવો કર્યો છે કે તેમને જુદાં-જુદાં રાજ્યોમાંથી ધમકીના ફોન આવી રહ્યા છે. શુક્રવારે એટલે કે ગઈ કાલે સવારે સાત વાગ્યે રાજસ્થાનથી ધમકીનો ફોન આવ્યો હતો, જે તેમના સિક્યૉરિટી ગાર્ડે રિસીવ કર્યો હતો.
દાવા મુજબ ગઈ કાલે સવારે રાજસ્થાનથી નવાબ મલિકના નંબર પર આવેલા કૉલમાં કહેવામાં આવ્યું હતું કે ‘સમીર વાનખેડે સારું કામ કરી રહ્યા છે. તેમની વિરુદ્ધ બોલવાનું બંધ કરો, નહીં તો મોંઘું પડશે.’ નવાબ મલિકે ગઈ કાલે એવો દાવો પણ કર્યો હતો કે તેમને છેલ્લા કેટલાક દિવસથી આવા ધમકી આપતા ફોન આવી રહ્યા છે.

પોલીસ સમીર વાનખેડેની તપાસ નહીં કરે

સમીર વાનખેડે ખોટી રીતે તપાસ કરી રહ્યા હોવાથી તેમની તપાસ કરવાનું ગુરુવારે નવાબ મલિકે કહ્યું હતું. એક વર્ષમાં તેની નોકરી જશે અને બાદમાં જેલમાં પણ જવું પડશે એવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. આ બાબતે રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘સમીર વાનખેડે કેન્દ્ર સરકારની સેવામાં છે. આથી રાજ્ય સરકાર તેમની તપાસ કરે એવો પ્રશ્ન જ નથી આવતો. નવાબ મલિકે શું કહ્યું છે એની મને માહિતી નથી. આ સિવાય તેમણે મને કોઈ પુરાવા પણ આપ્યા નથી. હું તેમની પાસેથી માહિતી લઈશ. અત્યારે મારી પાસે સમીર વાનખેડેની તપાસ કરવા બાબતની કોઈ માહિતી નથી.’

Mumbai mumbai news