23 August, 2026 06:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે પોલીસ કમિશનરેટ વિસ્તારમાં વાહનવ્યવહારને શિસ્તબદ્ધ બનાવવા માટે થાણેની ટ્રાફિક-પોલીસે એક મહત્ત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લીધો છે. આ નવી સિસ્ટમ હેઠળ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા બેદરકાર વાહનચાલકો સામે નાગરિકો વૉટ્સઍપ પર ફરિયાદ કરી શકશે. પોલીસ-પ્રશાસન દ્વારા વિવિધ ટ્રાફિક-વિભાગો માટે કુલ ૧૮ ઑફિશ્યલ વૉટ્સઍપ-નંબર જાહેર કરવામાં આવ્યા છે. રૉન્ગ-સાઇડ ડ્રાઇવિંગ, ટૂ-વ્હીલર પર ટ્રિપલ રાઇડિંગ, ફૅન્સી કે નિયમ બહારની નંબરપ્લેટ, ગેરકાયદે પાર્કિંગ કે વાહનવ્યવહારમાં અડચણ ઊભી કરવા જેવા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનની માહિતી નાગરિકો વૉટ્સઍપ દ્વારા પોલીસ સુધી પહોંચાડી શકશે.
થાણે ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) પંકજ શિરસાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાપ્ત થયેલી ફરિયાદો વિશે મળેલા ફોટોગ્રાફ્સ અને માહિતીના આધારે સંબંધિત ટ્રાફિક-અધિકારી દ્વારા તાત્કાલિક સ્થળ-ચકાસણી કરવામાં આવશે. જો નિયમભંગ સ્પષ્ટપણે સાબિત થશે તો સંબંધિત વાહનચાલક સામે ઈ-ચલાન દ્વારા દંડનીય મોટર વાહન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ફરિયાદ કરનાર નાગરિકને પણ તેણે કરેલી ફરિયાદ પર શું કાર્યવાહી કરવામાં આવી એની માહિતી મોકલી આપવામાં આવશે. અમે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે ફરિયાદ કરતી વખતે ઓછામાં ઓછા ૩ સ્પષ્ટ ફોટોગ્રાફ્સ મોકલવા, જેમાં વાહનનો રજિસ્ટ્રેશન-નંબર સ્પષ્ટ દેખાતો હોય. આ સાથે જ ઘટનાસ્થળ, સમય અને ચોક્કસ કયા નિયમનો ભંગ થયો છે એની ટૂંકી વિગત આપવી પણ અનિવાર્ય રહેશે.’
આટલા નંબર નોંધી લો
થાણે શહેર 8655654171
રાબોડી 8655654172
નૌપાડા 8655654173
કળવા 8655654174
મુંબ્રા 8655654175
કોપરી 8655654176
વાગળે 8655654177
કાપુરબાવડી 8655654178
કાસારવડવલી 8655654180
કલ્યાણ 8655654183
ડોમ્બિવલી 8655654184