24 September, 2026 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાહિલ વાકોડે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના બાવીસ વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યાના મામલે મુંબઈ પોલીસે ઘટનાક્રમની કડીઓ જોડવાની કામગીરી તેજ કરી છે. પોલીસનું મુખ્ય ધ્યાન શુક્રવારે સાંજે સાહિલ પોતાની હૉસ્ટેલની રૂમમાં પ્રવેશ્યો ત્યારથી લઈને તેણે અંતિમ પગલું ભર્યું એ વચ્ચેના ગાળામાં શું બન્યું હતું એ જાણવા પર છે.
તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે ૧૮ સપ્ટેમ્બરે મિડ-સેમેસ્ટર પરીક્ષામાં ChatGPTની મદદથી ગેરરીતિ આચરતાં પકડાયા બાદ સાહિલે બપોરે ૨.૩૦ વાગ્યે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમ્યાન તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભારે માનસિક તનાવમાં હોવાનું જણાયું હતું.
સાહિલે ફોન પર કહ્યું હતું કે ‘મુઝસે ગલતી હો ગયી હૈ.’ અગાઉની પરીક્ષામાં પણ તેનાથી સારો પર્ફોર્મન્સ ન અપાતાં તે હતાશ હોવાનું જણાયું હતું. તેણે ફોન પર કહ્યું હતું કે મારું અગાઉનું થર્મોડાયનેમિક્સનું પેપર પણ સારું નહોતું ગયું અને હવે આ બની ગયું. ગર્લફ્રેન્ડે તેને શાંત રહેવા, ધીરજ રાખવા અને આગળનાં પેપર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા સમજાવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ગર્લફ્રેન્ડ સાથેની આ વાતચીતમાં સાહિલે જાતિગત ભેદભાવ કે હૅરૅસમેન્ટ જેવી કોઈ બાબતનો ઉલ્લેખ કર્યો નહોતો. તપાસકર્તા માને છે કે આ તેનો છેલ્લો ફોન-કૉલ હતો, એ પછી તેણે અન્ય કૉલ્સ રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું અને આ અંતિમ પગલું ભરી લીધું હતું.
IIT બૉમ્બેના પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલ્લાને રજા પર ઉતારી દેવાયા, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું
સાહિલ વાકોડે કેસની તપાસ ચાલી રહી છે ત્યારે કેસમાં કથિત રીતે સંડોવાયેલા પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલ્લાને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીના અંતિમ પગલા બાદ પરિવાર દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અને કૅમ્પસમાં ઊભા થયેલા ભારે વિરોધ વચ્ચે આ મહત્ત્વનો વહીવટી નિર્ણય લેવાયો છે.
બીજી તરફ આ મામલે કાયદેસરની તપાસ ચલાવી રહેલી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલ્લાને પૂછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ સાહિલના અંતિમ કલાકો અને પરીક્ષા દરમ્યાન બનેલી ઘટનાઓ સંદર્ભે પ્રોફેસરની વિસ્તૃત પૂછપરછ કરશે.
આઇફોન લૉક હોવાથી તપાસ અટકી, ડિવાઇસ અનલૉક કરવા ક્રાઇમ બ્રાન્ચે માગી ટેક્નિકલ મદદ
સાહિલ વાકોડેનો આઇફોન લૉક હોવાને કારણે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની તપાસ આગળ વધી શકતી નથી અને હાલ તપાસ થંભી ગઈ છે. આ સંજોગોમાં પોલીસે ફોનને અનલૉક કરવા માટે વિશેષ ટેક્નિકલ મદદ માગી છે. પોલીસનું માનવું છે કે આ મોબાઇલનો ડેટા આ કેસમાં સૌથી નિર્ણાયક અને મહત્ત્વનો પુરાવો સાબિત થઈ શકે છે, કારણ કે એમાં મૃત્યુ પહેલાંના અંતિમ કલાકો અને ઘટનાક્રમની વિગતો છુપાયેલી છે.
પરીક્ષા દરમ્યાન ChatGPTના કથિત ઉપયોગ અને એ પછી બનેલી તમામ ઘટનાઓની કડીઓ મેળવવા માટે આ ડિવાઇસની ચકાસણી અનિવાર્ય બની ગઈ છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ફોનનો ડેટા ઍક્સેસ થયા બાદ જ અંતિમ વાતચીત અને મેસેજિસનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે.
દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં વધુ માહિતી મેળવવા અને કડીઓ જોડવા માટે સંસ્થાના વધુ કેટલાક વિદ્યાર્થીઓનાં નિવેદનો પણ નોંધવાની તૈયારી કરી રહી છે.
સાહિલ વાકોડેના પેરન્ટ્સ ભૂખહડતાળ પર ઊતરે એ પહેલાં મુંબઈ બહાર મોકલી દેવાયાં
સાહિલ વાકોડેનાં મમ્મી-પપ્પાએ ન્યાય મેળવવા માટે પવઈમાં IIT-બૉમ્બેના કૅમ્પસ બહાર ગઈ કાલે સવારથી ભૂખહડતાળ પર ઊતરવાની જાહેરાત કરી હતી. જોકે ગઈ કાલે ભૂખહડતાળ શરૂ થાય એ પહેલાં જ સવારે તેમને બળજબરીપૂર્વક મુંબઈની બહાર મોકલી દેવાયાં હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમના કહેવા મુજબ બુધવારે વહેલી સવારે તેમને એક પ્રાઇવેટ કારમાં બેસાડીને મુંબઈની બહાર લઈ જવામાં આવ્યાં હતાં. વાકોડે પરિવાર અને તેમના વકીલના દાવા મુજબ તેઓ પવઈમાં IIT-બૉમ્બેના ગેટ પાસેથી નીકળ્યાં ત્યારે સાદા વસ્ત્રોમાં રહેલા કેટલાક અધિકારીઓએ તેમને પોતાની કાર બદલીને અન્ય એક પ્રાઇવેટ વ્હીકલમાં બેસવાનું કહ્યું. સાહિલના પપ્પા રવિન્દ્ર વાકોડેના કહેવા મુજબ તેમણે ડ્રાઇવરને પૂછતાં ખબર પડી કે તેમને ઘરે લઈ જવાઈ રહ્યાં છે. જોકે સમૃદ્ધિ એક્સપ્રેસવે પર પ્રવેશ્યા બાદ કારની પાછળ ચાલી રહેલાં અન્ય વાહનો દેખાતાં બંધ થઈ ગયાં હતાં. એટલે તેઓ વોશરૂમ જવાના બહાને નીચે ઊતરી ગયાં હતાં. વાકોડે પરિવારના વકીલના જણાવવા મુજબ તેઓ પાછાં મુંબઈ આવીને ન્યાય માટે લડત ચાલુ રાખશે.
રવિન્દ્ર વાકોડેએ મંગળવારે મીડિયાને કહ્યું હતું કે ‘મારો દીકરો હતાશ હતો, પણ મેં જ તેને થોડું સહન કરી લેવાની શિખામણ આપી હતી. આજે ખ્યાલ આવ્યો કે એ મારી ભૂલ હતી. જ્યાં સુધી ગુનેગારો નહીં ઝડપાય ત્યાં સુધી અમે શાંત નહીં બેસીએ.’
IIT-બૉમ્બેએ બનાવી ૧૦ સભ્યોની તપાસ-સમિતિ સાહિલ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના BTechના વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યાના મામલે સંસ્થાના બોર્ડ દ્વારા બુધવારે ૧૦ સભ્યોની એક ઉચ્ચ સ્તરીય તપાસ-સમિતિની રચના કરવામાં આવી છે. આ પૅનલ વિદ્યાર્થીના આત્મહત્યા સુધીના અંતિમ પગલા પાછળના તમામ સંજોગો અને પરિબળોની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ વિશેષ પૅનલ દ્વારા કેસમાં જેમનું નામ સામે આવ્યું છે એ પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલ્લાની પણ પૂછપરછ કરવામાં આવે એવી પૂરી શક્યતા છે.