કાંદિવલી અને ડોમ્બિવલીમાં ફુટપાથ પરથી ગેરકાયદેસર ફેરિયાઓને હટાવવામાં આવ્યા, રાહદારીઓને મોકળાશ

28 February, 2026 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશને પણ રસ્તો રોકીને બેઠેલા ગેરકાયદે ફેરિયાઓને દૂર કરવાની કવાયત હાથ ધરી છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

રસ્તા અને ફુટપાથ પર ગેરકાયદે અતિક્રમણ કરીને બેઠેલા ફેરિયાઓ પર તવાઈ આવી છે. મુંબઈમાં વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદે ફેરિયાઓને હટાવવાનું કામ ચાલુ છે. સાથે જ અતિક્રમણ કરીને ઊભા કરાયેલા બાંધકામ પર પણ બુલડોઝર ફરી રહ્યું છે. હવે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશને પણ રસ્તો રોકીને બેઠેલા ગેરકાયદે ફેરિયાઓને દૂર કરવાની કવાયત હાથ ધરી છે.

ડોમ્બિવલી-ઈસ્ટમાં ગઈ કાલે રેલવે-સ્ટેશનની આસપાસના વિસ્તારોમાંથી માલસામાન સાથે ૨૭ હાથગાડીઓ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરેલી વસ્તુઓમાં શાકભાજીની ક્રેટ, ડિસ્પ્લે યુનિટ, કામચલાઉ શેડ, પાંચ ગૅસ-સિલિન્ડર અને લાકડાના બૉક્સનો સમાવેશ થાય છે.

ગેરકાયદેસર ફેરિયાઓ અને અતિક્રમણ સામે કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં ગઈ કાલે એક મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ગેરકાયદે સ્ટૉલ દૂર કરીને ફુટપાથ સાફ કરીને રાહદારીઓ માટે મોકળાશ ઊભી કરવામાં આવી હતી. ગેરકાયદે ફેરિયાઓને હટાવાતાં તેમની આજીવિકા છીનવાઈ હોવાનો મુદ્દો પણ ઊભો થયો છે પરંતુ અનેક સરકારી યોજનાઓ માટે અરજી કરીને તેઓ આગળ વધી શકે છે એમ જણાવતાં સ્થાનિક કૉર્પોરેટરે ફુટપાથ પર ગેરકાયદેસર રીતે રહેવાનું સ્વીકારવામાં આવશે નહીં એ વાત પર ભાર મૂક્યો હતો.

mumbai news mumbai kandivli kalyan dombivali municipal corporation mumbai police