ઘાટકોપરમાં કેફી પદાર્થો વેચતો પાનનો ગેરકાયદે સ્ટૉલ જમીનદોસ્ત

19 April, 2026 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નગરસેવિકા રાખી જાધવની ફરિયાદ બાદ BMC અને પોલીસનો પ્રહાર

પાનના સ્ટૉલ પર પહોંચેલાં રાખી જાધવ અને સ્ટૉલ પર થયેલી કાર્યવાહી.

ઘાટકોપર-ઈસ્ટમાં રેલવે-સ્ટેશન નજીક આવેલા જવાહર રોડ ખાતે કેફી પદાર્થોનું વેચાણ કરતા એક પાનના સ્ટૉલ સામે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પાનના સ્ટૉલને તોડી પાડવામાં આવ્યો હતો. ગુરુવારે BMCના વૉર્ડ-નંબર ૧૩૧નાં નગરસેવિકા રાખી જાધવે સ્થળની મુલાકાત લઈને સમગ્ર હકીકત જાણી હતી એના પગલે સક્રિય બનેલી પોલીસે ગુરુવારે રાતે પાનના સ્ટૉલના માલિકની ધરપકડ કરીને તમામ નશીલા પદાર્થ જપ્ત કર્યા હતા. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે સ્ટૉલ પર ગાંજો, ભાંગ તથા નશા માટે વપરાતાં વિવિધ ચૂરણ જેવા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું. એ ઉપરાંત એ સ્ટૉલ ગેરકાયદે હોવાને કારણે BMCના N વૉર્ડના અતિક્રમણ વિભાગે એને તોડી પાડ્યો હતો. નોંધનીય છે કે એ જ દિવસે રાખી જાધવે એક વાઇન-શૉપની બહાર ખુલ્લેઆમ દારૂ પીનારા લોકો સામે પણ વિરોધ નોંધાવ્યો હતો. હાલ પાન-સ્ટૉલ પર થયેલી આ કાર્યવાહી સમગ્ર ઘાટકોપરમાં ચર્ચાનો વિષય બની છે.

રાખી જાધવે જણાવ્યું હતું કે ‘આ પાનના સ્ટૉલ પરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેફી પદાર્થો ખરીદતા હતા જેને કારણે યુવા પેઢી પર ગંભીર નકારાત્મક અસર પડી રહી હતી. આ માહિતીના આધારે મેં પોલીસ-ફરિયાદ નોંધાવી હતી જેના પગલે તાત્કાલિક કાર્યવાહી કરીને કેફી પદાર્થ જેવો સામાન જપ્ત કરવામાં આવ્યો અને સ્ટૉલના માલિક સામે પગલાં લેવામાં આવ્યાં હતાં. એ ઉપરાંત સ્ટૉલ ગેરકાયદે હોવાને કારણે BMCના N વૉર્ડ વિભાગે એને તોડી પાડ્યો હતો. આ પગલું માત્ર એક દુકાન વિરુદ્ધ નથી, સમગ્ર વિસ્તારમાં ફેલાઈ રહેલી નશાની સમસ્યા સામે કડક સંદેશ આપવા માટે લેવામાં આવ્યું છે. સ્થાનિક લોકોમાં આ કાર્યવાહીનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ભવિષ્યમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત અભિયાન ચાલુ રહેશે તેમ જ લોકોને પણ આવી બાબતોની જાણ કરવા અપીલ કરવામાં આવી છે.’

વાઇન-શૉપ સામે ફરિયાદ અને તપાસ
નગરસેવિકા રાખી જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપર સ્ટેશન નજીક આવેલી એક વાઇન-શૉપની બહાર કેટલાક લોકો ખુલ્લેઆમ દારૂ પીતા હોવાની તેમ જ નશામાં મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણીઓ કરતા હોવાની ફરિયાદ મળી હતી. સ્થળ પર પહોંચીને મેં જાતે એ બધું જોયું હતું. દુકાનની આસપાસ લોકો બિન્દાસ દારૂ પી રહ્યા હતા. ત્યાર બાદ મેં વાઇન-શૉપના માલિકને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એની કાળજી રાખવાની સૂચના આપી છે. એ દરમ્યાન સ્થાનિક લોકોએ મને નજીકના પાન-સ્ટૉલ વિશે માહિતી આપી હતી. ત્યાં તપાસ કરતાં મોટા પ્રમાણમાં કેફી પદાર્થો મળી આવ્યા હતા.’

mumbai news mumbai ghatkopar Crime News mumbai crime news brihanmumbai municipal corporation