વિક્રોલીમાં ગેરકાયદે પેટ્રોલ અને ડીઝલની ચોરી પકડાઈ

18 November, 2025 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓઇલ-ટૅન્કરનો ડ્રાઇવર ને અન્ય બે આરોપીઓ ભેગા મળીને ટૅન્કરનાં સીલ તોડી નાખતા હતા: રૅશન વિભાગ અને વિક્રોલી પોલીસે જૉઇન્ટ કાર્યવાહી કરીને ૧૪,૭૯૫ લિટર પેટ્રોલ-ડીઝલનો જથ્થો જપ્ત કર્યો

પ્રતીકાત્મક તસવીર

વિક્રોલી-ઈસ્ટના ટાગોરનગરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમના ટૅન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં સપ્લાય માટે મોકલવામાં આવતાં પેટ્રોલ-ડીઝલનાં ટૅન્કરો ડ્રાઇવર વિક્રોલી લાવતો હતો. આ ટૅન્કરોનાં સીલ તોડીને પેટ્રોલ-ડીઝલ ચોરવામાં આવતું હોવાની માહિતી પોલીસને મળી હતી. આ ચોરાયેલું પેટ્રોલ-ડીઝલ વિક્રોલી અને ઘાટકોપરના ગૅરેજના માલિકોને ૬૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચી દેવામાં આવતું હોવાની જાણકારી પ્રાથમિક તપાસમાં મળી હતી. આરોપીઓની ધરપકડ પછી આ કેસમાં પોલીસે ૧૪,૭૯૫ લીટર પેટ્રોલ-ડીઝલનો જથ્થો અને ચોરી માટે વાપરવામાં આવેલું ટૅન્કર જપ્ત કર્યું હતું.

કઈ રીતે પકડાઈ ચોરી

રૅશન-ઑફિસર નાગનાથ હંગાર્ગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈના વિવિધ પેટ્રોલ પમ્પ પર સાયનના સેન્ટરમાંથી પેટ્રોલ-ડીઝલ મોકલવામાં આવે છે. અમને માહિતી મળી હતી કે સાયનના સેન્ટરમાંથી ડિલિવરી માટે નીકળેલાં ટૅન્કર પહેલાં વિક્રોલી લાવવામાં આવતાં હતાં. ત્યાં ગૅરેજ-માલિકો ટૅન્કરનાં સીલ તોડીને અંદરથી પેટ્રોલ-ડીઝલ કાઢી લેતા હતા. ટૅન્કરનો ડ્રાઇવર પણ આ ચોરીમાં સંડોવાયેલો હતો. એ માહિતીના આધારે થોડા દિવસ પહેલાં ચેમ્બુરના તિલકનગરના પેટ્રોલ પમ્પ પર પેટ્રોલની ડિલિવરી કરવા નીકળેલા ટૅન્કર પર નજર રાખવામાં આવી હતી. એ ટૅન્કર ચેમ્બુરને બદલે પહેલાં વિક્રોલી જતું હોવાનું જોવા મળ્યું હતું. અમને ચોરીની ખાતરી થતાં તાત્કાલિક આ ઘટનાની જાણ વિક્રોલી પોલીસને કરવામાં આવી હતી. ડ્રાઇવર વિક્રોલી-ઈસ્ટના ટાગોરનગરની એક ગૅરેજમાં આ ટૅન્કર લઈ ગયો હતો, જ્યાં ત્રણ જણ પ્લાસ્ટિકના ડબ્બામાં પેટ્રોલ કાઢી રહ્યા હતા ત્યારે પોલીસ સાથે અમે છાપો માર્યો હતો. ગૅરેજમાલિક લાલબહાદુર હરિજન, સુખવિન્દર સૈની અને ટૅન્કર-ડ્રાઇવર પિન્ટુ ગોતમને પોલીસે તાબામાં લીધા હતા. આરોપીએ ભેગું કરેલું ૭૦૦ લીટર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ટૅન્કરમાં રહેલા પેટ્રોલ સાથે કુલ ૧૪,૭૯૫ લીટર જેટલું પેટ્રોલ-ડીઝલ પોલીસે જપ્ત કર્યું હતું તેમ જ ટૅન્કર પણ તાબામાં લીધું હતું.’

mumbai news mumbai vikhroli Crime News mumbai crime news maharashtra news