૨૦૨૧માં રેલવેએ ૧૫,૦૦૦થી વધુ ગેરકાયદે ટિકિટ જપ્ત કરીને ૭૩૪ લોકોની કરી ધરપકડ

19 January, 2022 11:28 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

અધિકૃત આઇઆરસીટીસી એજન્ટ્સ પણ ટિકિટ જારી કરવા માટે બનાવટી આઇડી અને ગેરકાયદે સૉફ્ટવેરનો ઉપયોગ કરતા હતા અને નિર્દોષ પૅસેન્જરો પાસેથી વધુ પૈસા પડાવતા હતા

અંધેરી સ્ટેશન પર ટિકિટ ખરીદવા રાહ જોઈ રહેલા પૅસેન્જરો

ગેરકાયદે સૉફ્ટવેર, બનાવટી આઇડી અને બિનઅધિકૃત દલાલી થકી ૨૦૨૧માં ૨.૧૫ કરોડ રૂપિયાની ૧૫,૨૬૩ કરતાં વધુ રેલવે-ટિકિટના ગોટાળાના મામલે ૬૮૪ કેસ નોંધાયા હતા, જેને પગલે ૭૩૪ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે જણાવ્યું હતું કે ‘રેલવે પોલીસ દળે બિનઅધિકૃત દલાલો સામે તપાસ આદરવા માટે પોતાના ડિવિઝન, સાઇબર સેલ અને આરપીએફ ક્રાઇમ બ્રાન્ચની ડિટેક્ટિવ વિંગના સમર્પિત સ્ટાફ સાથે સ્પેશ્યલ ટીમની રચના કરી હતી. દલાલો બનાવટી ઓળખપત્રોથી ટિકિટ બુક કરાવતા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. કેટલાક અધિકૃત આઇઆરસીટીસી એજન્ટ્સ પણ ટિકિટ જારી કરવા માટે બનાવટી આઇડી અને ગેરકાયદે સૉફ્ટવેરનો ઉપયોગ કરતા હતા અને નિર્દોષ પૅસેન્જરો પાસેથી વધુ પૈસા પડાવતા હતા.’
તેમણે વધુમાં ઉમેર્યું હતું, ‘મેક, એનજીઈટી, રેડ બુલ, એએનએમએસ, ડેલ્ટા અને આધાર સહિતનાં ઘણાં ગેરકાયદે સૉફ્ટવેર અને ટર્બો એક્સટેન્શન જેવાં ગેરકાયદે એક્સટેન્શન્સ ટ્રૅક કરીને સાઇબર પૅટ્રોલિંગ દ્વારા તેમનો નાશ કરવામાં આવ્યો હતો. આ સૉફ્ટવેર અને એક્સટેન્શન્સનો ઉપયોગ કરનારા દલાલોની ધરપકડ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.’
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ કાર્યવાહીમાં ઈ-ટિકિટ્સ તથા પ્રવાસની રિઝર્વ ટિકિટો જપ્ત કરવામાં આવી છે. ૨૦૨૧માં વેસ્ટર્ન રેલવેના આરપીએફે દલાલીના ૬૮૪ કેસમાં ૭૩૪ વ્યક્તિની ધરપકડ કરીને આશરે ૨.૧૫ કરોડ રૂપિયાની કુલ ૧૫,૨૬૩ ટિકિટો જપ્ત કરી હતી. દલાલો સામેની કાર્યવાહીની આવી નિયમિત ઝુંબેશ ઉપરાંત વેસ્ટર્ન રેલવેના આરપીએફે લોકોને ગેરકાનૂની દલાલોથી ચેતવવા માટે ઘણાં જાગૃતિ અભિયાનો પણ હાથ ધર્યાં છે.’ 
અંતમાં તેમણે જણાવ્યું હતું કે ‘આવા કૅમ્પેનનો હેતુ લોકોને રેલવે ઍક્ટની કલમ ૧૪૩ની કાનૂની જોગવાઈઓ વિશે સમજૂતી આપવાનો અને દલાલો પાસેથી ટિકિટ કે ઈ-ટિકિટ ખરીદવાના પરિણામની જાણકારી આપવાનો છે.’

mumbai mumbai news mumbai local train indian railways mumbai trains rajendra aklekar