30 March, 2026 08:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૩૦ માર્ચથી મહારાષ્ટ્રના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે એવા અહેવાલ છે. રાજ્યના અનેક ભાગોમાં વજળીના કડાકા, ભારે પવન અને કરા સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરમિયાન, મુંબઈ અને તેની આસપાસના ઉપનગરના વિસ્તારોના રહેવાસીઓને આગામી બે દિવસમાં પડતાં હળવા વરસાદ અને છૂટાછવાયા વરસાદને કારણે ગરમીથી થોડી રાહત મેળવી શકે છે. જોકે તેને લીધે પાકને નુકસાન થશે એવી પણ શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન મુંબઈ, થાણે અને પાલઘરમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો થવાની પણ શક્યતા છે. 31 માર્ચ માટે થાણે માટે `યલો ઍલર્ટ` જાહેર કરવામાં આવ્યું છે. રહેવાસીઓને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, વીજળી પડશે અને હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO) અનુસાર, આગામી પાંચ દિવસ માટે સમગ્ર રાજ્ય માટે હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ હવામાન પ્રણાલીની અસર ખાસ કરીને ખાનદેશ, મરાઠવાડા, પશ્ચિમ વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પ્રદેશોમાં ગંભીર રહેવાની ધારણા છે. પુણે, નાસિક, જલગાંવ, અહિલ્યાનગર, સોલાપુર અને સતારા સહિત અનેક જિલ્લાઓ માટે ‘ઑરેન્જ ઍલર્ટ` જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે, સાથે જ વરસાદ અને વીજળી પણ પડી શકે છે.
હવામાન વિભાગ જણાવે છે કે 31 માર્ચે વરસાદની તીવ્રતા થોડી ઓછી થઈ શકે છે, પરંતુ સંપૂર્ણ રાહત મળશે નહીં. પહેલી એપ્રિલથી ચાર એપ્રિલ દરમિયાન વરસાદ અને વાવાઝોડાની અસર ફરી એકવાર તીવ્ર બનવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન અનેક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે.
CMO એ નાગરિકો અને ખેડૂતોને સાવધાની રાખવાની અપીલ કરી છે. વાવાઝોડા અને વીજળી પડતાં લોકોને ઝાડ નીચે, ટીન શેડ નીચે અથવા ઇલેક્ટ્રિક થાંભલા અને ટ્રાન્સફોર્મર પાસે ઊભા રહેવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં રવિ પાકની લણણી ચાલી રહી હોવાથી, ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત સ્થળોએ સંગ્રહિત કરવા અથવા ઢાંકીને રાખવાની સૂચના આપવામાં આવી છે, જેથી ભારે પવન, વરસાદ અને કરાથી થતા નુકસાનને ઓછું કરી શકાય. સરકારે જણાવ્યું છે કે હવામાન પરિસ્થિતિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જનતાને સતર્ક રહેવાની અપીલ કરી છે.