બીએમસી v/s વેપારીઓ : ભુલેશ્વરમાં જામ્યો જંગ

31 July, 2021 08:20 AM IST  |  Mumbai | Rohit Parikh

ભોઈવાડાની મુલાકાતે આવેલા અસિસ્ટન્ટ કમિશનરે ગેરકાયદે વાહનો અને માલ ભરેલી હાથગાડીઓ જપ્ત કરીને ફાઇન કરતાં ઉશ્કેરાઈ ગયેલા વેપારીઓ અને હાથગાડીવાળાઓએ તેમના કાફલાને અટકાવી દીધો

મહાનગરપાલિકા ઍક્શનમાં આવતાં ભોઈવાડામાં અસિસ્ટન્ટ કમિશનરના કાફલાને અટકાવી દેવામાં આવ્યો હતો. આશિષ ગાંધી

સાઉથ મુંબઈના ‘બી’ અને ‘સી’ વૉર્ડમાં અનેક જથ્થાબંધ બજારો આવેલી છે જેને કારણે આ વિસ્તારો વર્ષોથી ટેમ્પો અને હાથગાડીઓથી ભરચક રહે છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓની સાથે રાહદારીઓ પણ આ વિસ્તારોની ટ્રાફિક-સમસ્યાઓથી ટેવાઈ ગયા છે. આગ લાગવા કે બિલ્ડિંગ ધરાશાયી થવા જેવી મોટી દુર્ઘટના બને ત્યારે થોડા દિવસ ટ્રાફિક-વ્યવસ્થાના વિરોધમાં ઊહાપોહ મચે છે અને પછી મામલો શાંત થઈ જાય છે. 
જોકે ગઈ કાલે સવારે ‘બી’ અને ‘સી’ વૉર્ડનો ચાર્જ સંભાળી રહેલા અસિસ્ટન્ટ કમિશનર એલી ચક્રવર્તી ભુલેશ્વર પાસે આવેલા ભોઈવાડાની મુલાકાતે આવ્યા ત્યારે તેમના કાફલાને આ વિસ્તારમાં ગેરકાયદે પાર્ક થયેલાં વાહનો, ટેમ્પો અને માલથી ભરેલી હાથગાડીઓ અવરોધક બનતાં મહાનગરપાલિકાનો અતિક્રમણ વિભાગ અને પોલીસનો ટ્રાફિક વિભાગ આ વિસ્તારમાં ઍક્શનમાં આવી ગયો હતો. આ વિભાગો તરફથી ગેરકાયદે વાહનો અને રસ્તામાં માલ ભરેલી હાથગાડીઓ જપ્ત કરીને એમના પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતાં વેપારીઓ અને હાથગાડીવાળાઓ રોષમાં આવી ગયા હતા. આ વિસ્તારમાં સૌથી વધારે ઇમિટેશન જ્વેલરીના વેપારીઓની દુકાનો આવેલી છે. 
આ બાબતની માહિતી આપતાં ભોઈવાડાના દુકાનદારોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે અસિસ્ટન્ટ કમિશનર તેમની કારમાં અમારા વિસ્તારમાં કોઈ મકાનની મુલાકાતે આવ્યા હતા. હમણાં કોરાનાના સમયમાં સમયની પાબંધી હોવાથી ચાર વાગ્યા પહેલાં માલની ડિલિવરી કરવાની હોવાથી હાથગાડીવાળા તેમના વેપારીઓનો માલ ભરીને રસ્તા પર ઊભા હતા. એને પરિણામે અસિસ્ટન્ટ કમિશનરની કાર અને તેમની સાથે અન્ય અધિકારીઓની કાર ભોઈવાડામાં અટકી ગઈ હતી. આથી ઉશ્કેરાયેલા અસિસ્ટન્ટ કમિશનરે તરત જ તેમના અતિક્રમણ વિભાગને અને પોલીસને બોલાવીને હાથગાડીવાળાઓ પર દંડાત્મક કાર્યવાહી શરૂ કરી દીધી હતી.’ 
અસિસ્ટન્ટ કમિશનરના આ આદેશથી વેપારીઓ અને હાથગાડીવાળાઓ ઉશ્કેરાઈ ગયા હતા એમ જણાવતાં ભોઈવાડાના વેપારીઓએ કહ્યું હતું કે ‘બધાએ ભેગા મળીને અસિસ્ટન્ટ કમિશનરને તેમનો આદેશ પાછો ખેંચવા દબાણ કર્યું હતું. આમ છતાં તેઓ ટસના મસ નહોતા થયા. તેમણે કાર્યવાહી રોકી દીધી હતી, પરંતુ અનેક હાથગાડીઓ પર પડેલા માલને જપ્ત કરીને સાંજના દંડ ભરીને છોડાવવા જણાવ્યું હતું.’ 
આ અગાઉ બે વર્ષ પહેલાં પણ મહાનગરપાલિકાએ હાથગાડી અને ટેમ્પો માટે સમયનાં નિયંત્રણો મૂક્યાં હતાં એમ જણાવતાં આ દુકાનદારોએ કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાએ મૂકેલાં સમયનાં નિયંત્રણો વ્યાવહારિક ન હોવાથી અમે વેપારીઓએ એનો વિરોધ કર્યો હતો. ત્યાર પછી આ નિયંત્રણો હટાવી લેવામાં આવ્યાં હતાં.’ 

અસિસ્ટન્ટ કમિશનરે શું સ્પષ્ટતા કરી?
આખા મામલાની સ્પષ્ટતા કરતાં બીએમસીના અસિસ્ટન્ટ કમિશનર એલી ચક્રવર્તીએ ‘મિડ-ડેને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે મારી ભોઈવાડામાં રૂટીન વિઝિટ હતી. હું મારા અધિકારીઓ સાથે ત્યાં પહોંચ્યો ત્યારે જોયું તો આ વિસ્તારમાં બન્ને બાજુ કાર પાર્ક થયેલી હતી તેમ જ સામાન ભરેલી હાથગાડીઓ હતી. મારી કાર પાર્ક કરવા માટે પણ જગ્યા નહોતી. આ એક બિહામણું દૃશ્ય હતું. અચાનક કોઈ ઇમારત ધરાશાયી થવાની કે આગ લાગવાની દુર્ઘટના બને તો ઇમર્જન્સીમાં ફાયર બ્રિગેડ કે ઍમ્બ્યુલન્સ પ્રવેશી શકે એટલી પણ રસ્તા પર જગ્યા નહોતી. એટલે તરત જ મહાનગરપાલિકાના અતિક્રમણ વિભાગને અને પોલીસના ટ્રાફિક વિભાગને આ જાણકારી આપીને ગેરકાયદે રીતે ઊભેલાં વાહનો પર કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. મારી આ કાર્યવાહીથી વેપારીઓએ અને હાથગાડીવાળાઓએ ઉશ્કેરાઈને અમારા કાફલાને રોકી દીધો હતો. એને હટાવવા માટે મારે લોકલ પોલીસ સ્ટેશનની સહાય લેવી પડી હતી.’ 

 આ એક બિહામણું દૃશ્ય હતું. અચાનક કોઈ ઇમારત ધરાશાયી થવાની કે આગ લાગવાની દુર્ઘટના બને તો ઇમર્જન્સીમાં ફાયરબ્રિગેડ કે ઍમ્બ્યુલન્સ પ્રવેશી શકે એટલી પણ રસ્તા પર જગ્યા નહોતી. એલી ચક્રવર્તી, બીએમસીના અસિસ્ટન્ટ કમિશનર 

mumbai news Mumbai rohit parikh