07 October, 2026 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્વાનના ગળામાં દોરડું બાંધીને, ખેંચીને એને ફાંસી આપી હતી.
ડોમ્બિવલી-ઈસ્ટના સાંગલી ચોક વિસ્તારમાં વર્ષોથી ફરતા એક રખડતા શ્વાનને સોસાયટીના બે રહેવાસીઓએ અને વૉચમૅને ભેગા મળીને બૅટ-દંડા વડે માર માર્યો હતો અને ત્યાર બાદ એના ગળામાં દોરડું બાંધી, ફાંસી આપીને જાનથી મારી નાખ્યો હતો. આ સમગ્ર નિર્દય ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર પ્રાણીપ્રેમી સમુદાયમાં જબરદસ્ત રોષ અને આક્રોશનો માહોલ સર્જાયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઍનિમલ-ઍક્ટિવિસ્ટ હીર રાજપૂતે માનપાડા પોલીસ-સ્ટેશનમાં સોમવારે ફરિયાદ નોંધાવી છે અને જો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનમોરચો કાઢવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે.
આ બનાવ વિશે વિગતવાર માહિતી આપતાં હી૨ રાજપૂતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩ ઑક્ટોબરે સાંજે શ્વાન પર અત્યાચારનો વિડિયો સામે આવ્યો હતો. ત્યાર બાદ ઘટનાની તપાસ કરતાં પ્રત્યક્ષદર્શી પ્રિન્સ મૌર્ય નામના યુવકે મારો સંપર્ક કરીને આખી ઘટના જણાવી હતી. પ્રિન્સના જણાવ્યા અનુસાર ૩ ઑક્ટોબરે મોડી રાતે સુરેશ કૉમ્પ્લેક્સ બિલ્ડિંગ પાસે શ્વાનના જોર-જોરથી રડવાનો અવાજ આવતાં તેણે તથા તેના મિત્રોએ નીચે જઈને જોયું તો સોસાયટીના બે રહેવાસીઓ શ્વાનને જાળીમાં પૂરીને માર મારી રહ્યા હતા. પ્રિન્સ અને તેના મિત્રો કલ્પેશ, સુજલ અને અથર્વે રહેવાસીઓને શ્વાનને ન મારવા વિનંતી કરી હતી; પરંતુ રહેવાસીઓએ તેમની વાત નકારી કાઢી હતી. ત્યાર બાદ સોસાયટીના રહેવાસીઓ ઓમકાર અને તુષાર કેન્દ્રેએ શ્વાનને દંડા વડે ક્રૂરતાપૂર્વક ફટકાર્યો હતો, જ્યારે સોસાયટીના વૉચમૅન પ્રકાશે શ્વાનના ગળામાં દોરડું બાંધીને, ખેંચીને એને ફાંસી આપી દીધી હતી. શ્વાનનું મૃત્યુ થયા બાદ ત્રણેય લોકોએ એના મૃતદેહને દોરડા વડે ખેંચીને લઈ જઈને સાંગલી ચોકની કચરાપેટીમાં ફેંકીને એનો નિકાલ કરી દીધો હતો. આ આખી ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. આ નિર્દયી ઘટનાની સત્યતા તપાસ્યા બાદ મેં પ્રત્યક્ષદર્શીઓને સાથે રાખીને માનપાડા પોલીસ-સ્ટેશનમાં પહોંચીને સોમવારે ફરિયાદ નોંધાવી હતી. શ્વાન પર અત્યાચાર કરનાર સામે કકડ કાર્યવાહી નહીં કરવામાં આવો અમે ડોમ્બિવલીમાં વિશાળ વિરોધ મોરચો કાઢીશું.’
શું કહેવું છે પોલીસનું?
માનપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે શ્વાનને દંડાથી માર મારનાર ઓમકાર, તુષાર કેન્દ્રે તથા ફાંસી આપનાર વૉચમૅન પ્રકાશ સામે પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધક કાયદા હેઠળ કાનૂની ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. CCTV કૅમેરાના ફુટેજના આધારે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’