જો મંગતા હૈ વો મિલેગા

16 November, 2022 09:20 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

લાંબા અંતરની ટ્રેનોમાં પ્રાદેશિક, તહેવારની અને સીઝનલ વિશિષ્ટતા ધરાવતી વાનગીઓને કસ્ટમાઇઝ્‍‍ડ મેનુમાં આવરી લેવાશે : ટૂંકમાં, ટ્રેન સાઉથ ઇન્ડિયા જતી હશે તો ત્યાંની વાનગીઓ મળશે, જબરદસ્તી નૉર્થ ઇન્ડિયન ફૂડ નહીં પીરસાય

સીએસએમટી પર આઇઆરસીટીસીનું બેઝ કિચન, જે કોરોનાની મહામારી વખતે બંધ કરી દેવાયું હતું

ટૂંક સમયમાં ભારતની લાંબા અંતરની ટ્રેનોમાં તમામ પ્રકારના ભોજનની સુવિધા પ્રાપ્ત થશે, એટલું જ નહીં, એમાં ડાયાબિટીઝના દરદીઓ, બાળકો તથા ડાયટિંગ કરી રહેલી વ્યક્તિઓ સહિતના તમામ લોકોને તેમની જરૂરિયાત પ્રમાણેનો આહાર મળી રહેશે. તેમને બાજરીમાંથી બનેલી સ્થાનિક પ્રોડક્ટ્સ આપવામાં આવશે. ભારતીય રેલવેએ મંગળવારે ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (આઇઆરસીટીસી)ને પૅસેન્જર્સની પ્રાથમિકતા અનુસાર જે-તે પ્રદેશનાં સ્થાનિક વ્યંજનો, સીઝનલ તથા તહેવારો દરમ્યાનની વિશિષ્ટ વાનગીઓ ઉમેરવા માટે મંજૂરી આપી છે.

મંગળવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં રેલવેએ તમામ કૅટેગરીની ટ્રેનને આ માટેની મંજૂરી આપી છે. જે ટ્રેનમાં પૅસેન્જરના ભાડામાં કેટરિંગ ચાર્જિસ સામેલ હોય એવી ટ્રેનોમાં આઇઆરસીટીસી ભાડાની અંદર મેન્યુ નક્કી કરશે. વધુમાં, આ લા કાર્ટ મીલ અને એમઆરપી પર બ્રૅન્ડેડ ફૂડ આઇટમ્સની પણ પરવાનગી આપવામાં આવશે. અન્ય મેઇલ કે એક્સપ્રેસ ટ્રેન માટે સ્ટાન્ડર્ડ મિલ જેવી બજેટ સેગમેન્ટ આઇટમ્સનું મેનુ ફિક્સ ભાડાંમાં નક્કી થશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

રેલવે અધિકારીઓએ કહ્યું હતું કે ‘આ પગલાથી અમને ઘણી મદદ મળશે, કારણ કે ઘણી વખત પૅસેન્જર્સ ફરિયાદ કરે છે કે ડાયાબિટીઝથી પીડાતા દરદીઓને તેમના ડાયટ પ્રમાણેનું ભોજન નથી મળતું. આ નારાજગી તેઓ કેટરિંગ સ્ટાફ સમક્ષ વ્યક્ત કરે છે. ટૂંક સમયમાં કસ્ટમાઇઝ્‍‍‍ડ ભોજનનો ઉમેરો થવાથી ટૂંક સમયમાં પ્રવાસીઓને ભોજનના વિવિધ વિકલ્પ પૂરા પાડી શકાશે.’

આ નિર્ણયને વધાવતાં મુંબઈ મોબિલિટી ફોરમ અને મુંબઈ વિકાસ સમિતિના સિનિયર ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ એ. વી. શેણોયે જણાવ્યું હતું કે ‘નૅશનલ જ્યૉગ્રાફિક સિરીઝમાં મેગા કિચન્સનો એક એપિસોડ આઇઆરસીટીસી કિચન પર હતો. તેમની પાસે ઘણાં મોટાં અને સરસ કિચન્સ છે, પણ ડૉક્યુમેન્ટરીમાં જણાવાયું હતું કે તેઓ ફક્ત બે ટ્રેનને કેટરિંગની સુવિધા પૂરી પાડે છે. તેજસ ટ્રેન માટેનું કેટરિંગ હલ્દીરામ સંભાળે છે. મને એક વાર માલૂમ પડ્યું કે સૂપ સાથે અપાતી બ્રેડસ્ટિક્સ પથ્થર જેવી કઠણ હતી. આમલેટ બેસ્વાદ હતી. લન્ચ પણ નૉર્થ ઇન્ડિયન હતું. મને નવાઈ લાગી હતી કે રેલવે દક્ષિણ ભારત જનારી ટ્રેનોમાં દક્ષિણ ભારતીય વાનગીઓ શા માટે નથી પીરસતું? તેઓ પસંદગી માટેના વિકલ્પ આપી શકે છે. ત્યાં તો આ સમાચાર મળ્યા, જાણે તેઓ મારા મનમાં ચાલતો વિચાર પામી ગયા હતા. આવા બહેતર ફેરફાર થતા રહેશે એવી આશા છે.’

mumbai mumbai news indian railways rajendra aklekar