બીએમસી ચૅટ બૉટમાં નકરાં ગરબડ-ગોટાળા

15 January, 2022 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેએ શરૂ કરેલા ‘વૉટ્સઍપ ચૅટ બૉટ’ની મદદથી ૮૦ જેટલી સર્વિસની માહિતીનો દાવો, પણ ફૅક્ટ ચેક કરતાં ફોન નંબર, માહિતી ખોટી નીકળી

ઉદ્ધવ ઠાકરે દ્વારા બીએમસી વૉટ્સઍપ ચૅટ બૉટની શરૂઆત કરવામાં આવી હતી

મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રની વિવિધ સેવાઓ સામાન્ય નાગરિકો, બિઝનેસમેન અને ટૂરિસ્ટો સરળતાથી મેળવી શકે એ માટે ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન અને મુંબઈ મહાનગરપાલિકામાં છેલ્લાં ૨૫ વર્ષથી સત્તાધારી પક્ષ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ‘વૉટ્સઍપ ચૅટ બૉટ’ નંબર લૉન્ચ કર્યો હતો. આ સમયે પરા વિસ્તારના પાલકપ્રધાન આદિત્ય ઠાકરેએ ઈઝ ઑફ લિવિંગમાં મુંબઈ ઘણું આગળ વધશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે નવાઈની વાત એ છે કે આ સર્વિસ કેવી છે એ જોવાની ‘મિડ-ડે’એ કોશિશ કરી તો વૉર્ડ લેવલની સર્વિસ માટે જે નંબર આપ્યા છે એમાં ઘણાં એક વર્ષ જૂનાં છે એટલે કે એવા અધિકારીઓના જેની વર્ષ પહેલાં બદલી થઈ ગઈ હોય. અમુક વૉર્ડ ઑફિસરની માહિતી પણ ખોટી છે. એટલું જ નહીં, કોલાબા ફાયર સ્ટેશનના ઑફિસર સંતોષ ભોંસલેનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે હું છેલ્લાં છ મહિનાથી રજા પર છું. ત્યાર બાદ આર વૉર્ડના કમ્પલેન્ટ ઑફિસરને ફોન કરતાં તેણે પણ રૉન્ગ નંબર કહીને ફોન મૂકી દીધો હતો.
મકરસંક્રાંતિના પવિત્ર તહેવારના દિવસે મુંબઈગરાઓને ટેક્નૉલૉજીના માધ્યમથી વિવિધ પ્રકારની મદદ કે માહિતી મેળવી શકાય એવી લોકેશન આધારિત ‘વૉટ્સઍપ ચૅટ બૉટ’ની સુવિધા મળી છે. એના માટે 8999228999 નંબર શરૂ કરવામાં આવ્યો છે. એમાં મેસેજ કરીને તમે શહેરની ૮૦ જેટલી સર્વિસની માહિતી મેળવી શકો છો. 
આ ચૅટ બૉટમાં મુંબઈગરાઓ કે કોઈને પણ કેવી અને કેટલી સુવિધા કે માહિતી મળશે એ વિશે મુંબઈ મહાનગરપાલિકાના આઇટી વિભાગના ડિરેક્ટર અને જી નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શરદ ઉઘાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં રહેતી કોઈ પણ વ્યક્તિ, બિઝનેસમૅન કે ટૂરિસ્ટ તેના મોબાઇલમાં ચૅટ બૉટનો નંબર સેવ કરીને તે જે વિસ્તારમાં હોય ત્યાંની માહિતી મેળવી શકશે. લોકેશન આધારિત આ નંબરની મદદથી જે-તે વ્યક્તિ જે સ્થળે હશે ત્યાંના વૉર્ડથી લઈને હૉસ્પિટલ, કોવિડ સેન્ટર, ગાર્ડન, ટૂરિસ્ટ સ્પૉટ, ફાયર બ્રિગેડ વગેરેની માહિતી તરત જ મેળવી શકશે. એટલું જ નહીં, આ સુવિધામાં ફરિયાદ અને સૂચન પણ કરી શકાશે. ઉપરાંત મહાનગરપાલિકાની વિવિધ ઑનલાઇન સેવા-સુવિધા સંબંધિત અરજી પણ કરી શકાશે. આ નંબરમાં વિવિધ ફી, ટૅક્સ ભરવા માટે યુપીઆઇ આધારિત ઑનલાઇન સર્વિસ પણ સામેલ છે. ચૅટ બૉટ ૨૪ કલાક ચાલુ રહેશે એટલે મુંબઈ સુધરાઈની સેવા-સુવિધા સંબંધિત સર્ટિફિકેટ અને લાઇસન્સ બાબતની ઇન્ફર્મેશન પણ મેળવી શકાશે. સૌથી મહત્ત્વનું એ છે કે કોવિડના સમયમાં સુધરાઈની ઑફિસમાં માહિતી મેળવવા જવાનું શક્ય નથી ત્યારે ઘેરબેઠાં ૨૪ કલાક ચૅટ બૉટ મદદરૂપ બનશે. આ સુવિધા માટે કોઈ પણ પ્રકારની નોંધણી કરવાની જરૂર નથી એટલે માત્ર 8999228999 નંબરમાં વૉટ્સઍપ મેસેજ મોકલીને જે માહિતી જોઈતી હોય એ મેળવી શકાશે.’

mumbai mumbai news brihanmumbai municipal corporation uddhav thackeray