૨૧ કલાકની ભારે જહેમત બાદ ઘાયલ દીપડાને બચાવી લેવામાં આવ્યો

01 June, 2026 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેની મામા ભાંજા હિલ્સની ગીચ ઝાડીમાં છુપાયેલા દીપડાને બચાવીને નૅશનલ પાર્કમાં સારવાર માટે મોકલવામાં આવ્યો

દીપડો

સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)ની યેઉર રેન્જ હેઠળ આવતી થાણેની મામા ભાંજા હિલ્સ પરથી રવિવારે બપોરે એક ઘાયલ નર દીપડાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. વનવિભાગ અને વન્યજીવપ્રેમી સંસ્થાઓ દ્વારા સતત ૨૧ કલાક સુધી ચલાવવામાં આવેલા અત્યંત જટિલ અને કપરા રેસ્ક્યુ ઑપરેશન બાદ આ સફળતા મળી હતી.

શનિવારે ઇન્દિરાનગરના સ્થાનિક રહેવાસીઓ અને આ વિસ્તારમાં પૅટ્રોલિંગ કરી રહેલા મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યૉરિટી કૉર્પોરેશન (MSSC)ના જવાનોએ એક દીપડાને જોયો હતો, જે સરખી રીતે ચાલી શકતો નહોતો. બાદમાં એ એક ઝાડ પર જઈને બેસી ગયો હતો. દીપડાને બચાવવા માટે SGNPની રેસ્ક્યુ ટીમ, થાણે ટેરિટોરિયલ વિંગ અને પ્રાણીપ્રેમી સંસ્થાઓના સ્વયંસેવકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે ટીમ ઑપરેશન શરૂ કરે એ પહેલાં જ દીપડો ઝાડ પરથી ઊતરીને ગીચ ઝાડીઓમાં ગાયબ થઈ ગયો હતો. ત્યાર બાદ ટીમે એને એક એવા દુર્ગમ વિસ્તારમાં છુપાયેલો શોધી કાઢ્યો જ્યાં પહોંચવું અત્યંત મુશ્કેલ હતું.

અંધારું વધી જતાં શનિવારે મધરાતે રેસ્ક્યુ ઑપરેશનને થોડી વાર માટે સ્થગિત કરવું પડ્યું હતું, પરંતુ વનવિભાગની ટીમો આખી રાત એ સ્થળ પર તહેનાત રહીને દીપડાની હિલચાલ પર નજર રાખી રહી હતી. રવિવારે સવારે ફરીથી ઑપરેશન હાથ ધરાયું હતું અને આખરે બપોરે એટલે કે લગભગ ૨૧ કલાકની ભારે જહેમત બાદ દીપડાને સુરક્ષિત રીતે ટ્રૅન્ક્યુલાઇઝ (બેભાન) કરીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. ત્યાર બાદ એને તાત્કાલિક SGNPના લેપર્ડ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.

પંજા અને પગમાં ગંભીર ઈજાઓ
નૅશનલ પાર્કના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર પકડાયેલો દીપડો પુખ્ત વયનો નર છે. એના પંજા પર અને જમણા પગમાં ખૂબ જ ઊંડો અને ગંભીર ઘા થયેલો છે જેને કારણે એ બરાબર ચાલી શકતો નહોતો. વેટરિનરી ડૉક્ટરોની દેખરેખ હેઠળ દીપડાની સારવાર શરૂ કરવામાં આવી છે.

mumbai news mumbai thane wildlife maharashtra forest department sanjay gandhi national park