૨૫૦૦ કિલોમીટર પહોળું વાદળ ભારત તરફ આવી રહ્યું છે

29 May, 2026 08:23 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઉત્તર ભારત તરફ લગભગ ૨૫૦૦ કિલોમીટરથી વધુ ક્ષેત્રમાં વાદળાંનો વિશાળ પટ્ટો આગળ ધપી રહ્યો છે. 

થર્મલ ઇન્ફ્રારેડ તસવીર

INSAT-3DS નામની સૅટેલાઇટ દ્વારા લીધેલી થર્મલ ઇન્ફ્રારેડ તસવીરોમાં ઉત્તર અને મધ્ય ભારતના મોટા હિસ્સામાં વિશાળ વાદળાંની પટ્ટી દેખાય છે. વેધર સાયન્ટિસ્ટોનું કહેવું છે કે પશ્ચિમી દબાવ અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીથી આવતા ભીના પવનોના સંયોજનથી વાદળોની ચાદર બની રહી છે. ઉત્તર ભારત તરફ લગભગ ૨૫૦૦ કિલોમીટરથી વધુ ક્ષેત્રમાં વાદળાંનો વિશાળ પટ્ટો આગળ ધપી રહ્યો છે. 

વિદર્ભમાં નવતપામાં કાળઝાળ ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે, વર્ધા ૪૬.૮ ડિગ્રી: વીક-એન્ડ સુધી મુંબઈમાં ગરમી વધશે નહીં, બફારો ઓછો થવાથી રાહત

રાજ્યમાં ભારે ગરમીથી લોકો અકળાઈ રહ્યા છે. જોકે સૌથી વધુ ગરમી વિદર્ભમાં પડી રહી છે. એમાં પણ પચીસ તારીખથી નવતપા (ભારે ગરમીના ૯ દિવસ) શરૂ થયું છે જેને કારણે હાલ તો ગરમીથી છુટકારો મળે એવા કોઈ આસાર નથી. આખા વિદર્ભમાં મોટા ભાગે પારો ૪૦ ડિગ્રીની ઉપર જ રહે છે. ગઈ કાલે વિદર્ભના વર્ધામાં મૅક્સિમમ ટેમ્પરેચર ૪૬.૮ ડિગ્રી નોંધાયું હતું. અકોલામાં ૪૫, અમરાવતી ૪૫.૨, બુલઢાણામાં ૪૧.૨, બ્રહ્મપુરીમાં ૪૫.૨, ચંદ્રપુરમાં ૪૫.૪, ગડચિરોલીમાં ૪૫. ગોંદિયામાં ૪૬.૧, નાગપુરમાં ૪૬.૪, વાશિમમાં ૪૪ અને યવતમાલમાં ૪૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.  

મુંબઈમાં જોકે ગઈ કાલે વાદળાં છવાયેલાં રહ્યાં હતાં. ભેજનું પ્રમાણ ૯૧ ટકાથી ઘટીને ૭૧ ટકા થતાં મુંબઈગરાઓને બફારાથી અમુક અંશે રાહત મળી હતી. હવે વીક-એન્ડ સુધી મુંબઈમાં ગરમી વધે એવી શક્યતા ન હોવાની હવામાન ખાતાની આગાહી છે. કોલાબામાં ૩૫.૨ અને સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૪.૯ ડિગ્રી નોંધાયું હતું. આજે પણ મુંબઈ સિટી અને સબર્બ્સમાં વાદળાં છવાયેલાં રહેશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે. કોકણના રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં વરસાદનાં હળવાં ઝાપટાં પડી શકે એવી શક્યતા દર્શાવવામાં આવી છે.

mumbai news mumbai indian meteorological department Weather Update north india mumbai weather