04 July, 2026 07:28 PM IST | Mumbai | Ruchita Shah
મુંબઈ મહાનગરપાલિકાના દાદર-વેસ્ટમાં આવેલા G-નૉર્થ વૉર્ડના બિલ્ડિંગમાં ત્રીજા માળે છે મ્યુનિસિપલ ઍનલિસ્ટ લૅબોરેટરી. તસવીરો : શાદાબ ખાન
૧૯૦૩માં સ્થપાયેલી દાદરમાં આવેલી મ્યુનિસિપલ ઍનલિસ્ટ લૅબોરેટરી એકમાત્ર એવી સિવિક પ્રયોગશાળા છે જે ખોરાક અને પાણી બન્ને પ્રકારના સૅમ્પલનું ટેસ્ટિંગ એક જ છત નીચે કરે છે. અદ્યતન મશીનો અને અલ્ટ્રા-મૉડર્ન ટેક્નૉલૉજીના સહારે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી આ પ્રયોગશાળાની ખાસિયતો જાણી લો
વર્ષ હતું ૨૦૧૮ અને તારીખ હતી પહેલી જૂન. એક બહુ જ મોટા કૌભાંડના પગલે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ મોટા ભાગે બરફના ગોળાથી લઈને જૂસ જેવી સામગ્રીમાં વપરાતો હોય એ ખાવાલાયક બરફ અને દવાથી લઈને ડેડબૉડીના પ્રિઝર્વેશનમાં વપરાતા ઇન્ડસ્ટ્રિયલ બરફનો કલર જુદો રાખવો એવો કાયદો બહાર પાડ્યો. ઇન્ડસ્ટ્રિયલ બરફને બ્લુ રંગ આપવો જેથી ભૂલથી એ બરફનો ઉપયોગ કોઈ ખાદ્ય સામગ્રી સાથે ન કરી બેસે. જોકે આ નિર્ણય પાછળ રહેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો દાદરની શતાબ્દી જૂની પ્રયોગશાળાએ. મુંબઈ મહાનગરપાલિકા અંતર્ગત આવતી ફૂડ ઍનલિસ્ટ લૅબોરેટરી દ્વારા બરફનાં લગભગ ૫૦,૦૦૦ સૅમ્પલ ભેગાં કરવામાં આવ્યાં હતાં. ગલી-નુક્કડના જૂસવાળાઓ, સ્કૂલની બહાર રેંકડી લઈને ઊભા રહેતા બરફના ગોળાવાળાઓ, વિવિધ હોટેલો અને રેસ્ટોરાં વગેરે પાસેથી ભેગાં કરેલાં બરફનાં સૅમ્પલનું ટેસ્ટિંગ કર્યું અને ચોંકાવનારું પરિણામ બહાર આવ્યું. ૯૦ ટકા જેટલાં સૅમ્પલ હ્યુમન કન્ઝમ્પ્શન માટે ફિટ નહોતાં બેસતાં. વિષ્ટામાં હોય એવા ઈ-કોલી બૅક્ટેરિયા એ બરફમાં હતા અને એ જ બરફને લોકો ઠંડાં પીણાંમાં અને બરફગોળામાં ખાઈ રહ્યા હતા. એ અરસામાં પેટની સમસ્યા ધરાવતા લોકોનો ડેટા પણ ચેક થયો હતો, જેમાં પણ કેટલાક ન્યુઝ-રિપોર્ટ મુજબ દરદીઓની સંખ્યામાં વધારો થયો હતો. ૯૦ ટકા બરફ જેને કોઈ પણ રોકટોક વિના ખરીદી શકાતો હતો અને ઇન્ડસ્ટ્રિયલ બરફ અને એડિબલ બરફ વચ્ચે કોઈ અંતર નહોતું દેખાતું ત્યારે આ પ્રયોગશાળાના રિપોર્ટને ધ્યાનમાં લઈને બરફને લગતો ઐતિહાસિક નિર્ણય લેવાયો. અલબત્ત, એનું પાલન કેટલી સઘનતા સાથે થયું એ પ્રશ્નનો જવાબ કોઈ પાસે નથી.
એવી જ રીતે ટી પાઉડરમાં લોહતત્ત્વના પ્રમાણમાં પણ આ પ્રયોગશાળાએ કરેલા સંશોધનના ડેટાને રાષ્ટ્રીય સ્તરના અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યો હતો. માત્ર મહારાષ્ટ્રની જ નહીં, દેશની પહેલી એવી લૅબોરેટરીની આજે આપણે વાત કરવાના છીએ જે મુંબઈકરોની ફૂડ-સેફ્ટીનું મહત્ત્વનું લૅન્ડમાર્ક છે. મુંબઈ જેવા મેગા સિટીમાં રોજિંદા રોગચાળાને અટકાવવા મુંબઈકરોના સ્વાસ્થ્યની અદૃશ્ય રહીને રક્ષા કરવા પાછળ દાદરની જી/નૉર્થ વૉર્ડમાં આવેલી મુંબઈ મહાનગરપાલિકાની મ્યુનિસિપલ ઍનલિસ્ટ લૅબોરેટરીનો બહુ જ મોટો રોલ છે. ૧૯૦૩માં સ્થપાયેલી આ પ્રયોગશાળા દેશની સૌથી જૂની પબ્લિક ઍનલિસ્ટ લૅબોરેટરી હોવાની સાથે મુંબઈની એકમાત્ર એવી સરકારી સંસ્થા છે જે ખોરાક અને પાણી બન્નેનું જટિલ પરીક્ષણ એક જ છત નીચે કરે છે. ૧૧,૭૦૦ સ્ક્વેર ફીટના વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલી, આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડથી પ્રમાણિત અને FSSAI માન્ય આ સ્ટેટ ફૂડ લૅબોરેટરી આજે દેશની કોઈ પણ હાઈ-ટેક ખાનગી પ્રયોગશાળાને ટક્કર આપે એવી આધુનિક સુવિધાઓ અને વિશિષ્ટ ડિજિટલ સૉફ્ટવેરથી સજ્જ છે.
તાજેતરમાં જ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈના સામાન્ય નાગરિકો, હાઉસિંગ સોસાયટીઓ, હોટેલ-રેસ્ટોરાં અને ખાદ્ય વ્યાપારીઓને પોતાના ઘર અથવા એસ્ટૅબ્લિશમેન્ટના પાણી અને ખોરાકની ગુણવત્તા ચકાસવા માટે આ ૧૨૩ વર્ષ જૂની લૅબોરેટરીનો લાભ લેવા આગ્રહભરી અપીલ કરવામાં આવી છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ૭ લાખથી વધુ માત્ર વૉટર-સૅમ્પલનો અભ્યાસ કરનારી આ લૅબોરેટરીની મુલાકાતે ‘મિડ-ડે’ની ટીમ પહોંચી અને એના એક-એક પાસાને નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો એનો પ્રત્યક્ષ અનુભવ માણીએ.
એક શતાબ્દીનો અનુભવ
આ પ્રયોગશાળાની સૌથી મોટી ખાસિયત છે એની ઉંમર. બ્રિટિશ શાસન દરમ્યાન પ્લેગ અને મલેરિયા જેવી બીમારીઓ વચ્ચે આ પ્રયોગશાળાની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં એનો મુખ્ય ઉદ્દેશ માત્ર ક્લિનિકલ સૅમ્પલ જેમ કે લોહી, પેશાબ, કફ, મળ વગેરે તપાસવાનો હતો. જોકે ટૂંક જ સમયમાં મુંબઈમાં દૂષિત પાણીની સમસ્યા વધતાં એની અંદર પાણીના રાસાયણિક અને બૅક્ટેરિયોલૉજિકલ પૃથક્કરણનો ઉમેરો કરવામાં આવ્યો. બ્રિટિશ ભારતમાં બૉમ્બે પ્રિવેન્શન ઑફ ફૂડ ઍડ્લ્ટરેશન ઍક્ટ, ૧૯૨૫ લાગુ કરવામાં આવ્યો જે અંતર્ગત આ લૅબને દૂધ, ઘી, માખણ અને વનસ્પતિ તેલ જેવા રોજિંદા ખાદ્ય પદાર્થોમાં થતી ઘાતક ભેળસેળને પકડવાની સત્તાવાર જવાબદારી સોંપવામાં આવી. આઝાદી પછી જ્યારે પ્રિવેન્શન ઑફ ફૂડ ઍડ્લ્ટરેશન ઍક્ટ, ૧૯૫૪ અને ૧૯૫૫ના નિયમો સમગ્ર દેશમાં કડક કરવામાં આવ્યા ત્યારે ગ્રેટર બૉમ્બેમાં ફૂડ-ઇન્સ્પેક્ટરોની ફોજ તૈયાર કરવામાં આવી. શરૂઆતમાં આ પ્રયોગશાળા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે આવેલા જૂના કૉર્પોરેશન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતી હતી, પરંતુ મુંબઈનો વ્યાપ સેન્ટ્રલ અને સબર્બન તરફ વધતાં નાગરિકો અને વિવિધ સરકારી વિભાગોની વહીવટી સાનુકૂળતા માટે એને દાદર-વેસ્ટમાં પ્લાઝા સિનેમાની પાછળ, જી/નૉર્થ વૉર્ડ ઑફિસ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતરિત કરવામાં આવી. ૧૯૭૦-’૭૧માં રાજ્ય સરકારે ખાદ્ય સુરક્ષાની જવાબદારી ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનના કમિશનરને સોંપી. આજે આ લૅબ આધુનિક FSSAIના કાયદા હેઠળ મહારાષ્ટ્રની ઑફિશ્યલી ‘સ્ટેટ ફૂડ લૅબોરેટરી’ તરીકે કાર્યરત છે. ૧૧,૭૦૦ ચોરસ ફુટના વિશાળ વિસ્તારમાં એ ફેલાયેલી છે. એને મુખ્યત્વે ૩ આધુનિક સેક્શનમાં વિભાજિત કરવામાં આવી છે : ઍડ્મિનિસ્ટ્રેટિવ, કેમિકલ ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટ અને માઇક્રોબાયોલૉજિકલ વિભાગ. મુંબઈ મહાનગરપાલિકાના ૨૬ વૉર્ડ પાસેથી દરરોજ અહીં વૉટર-સૅમ્પલ ટેસ્ટિંગ માટે આવે છે. એ સિવાય રેલવે ઑથોરિટી, વિવિધ પોલીસ-સ્ટેશનો દ્વારા, મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનના ફૂડ-ઇન્સ્પેક્ટરોથી લઈને સામાન્ય લોકો પણ અહીં પાણીથી લઈને વિવિધ ખાદ્ય સામગ્રીની ચકાસણી માટે આવે છે.
કઈ-કઈ રીતે ખાસ?
આ લૅબોરેટરીમાં જવા માટે તમે જ્યારે મુંબઈ મહાનગરપાલિકાના જી/નૉર્થ વૉર્ડના બિલ્ડિંગમાં પ્રવેશો ત્યારે તમને થોડાંક સરકારી વાઇબ્સ આવે, પરંતુ જેવા લિફ્ટથી ત્રીજા માળે પહોંચો અને તેમની ઍડ્મિન ઑફિસમાં એન્ટ્રી લેશો એટલે અદ્યતન લૅબનાં દર્શન થઈ જશે. ગ્રાઉન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોરનો લૅબોરેટરીનો એરિયા બે જુદા ગ્રહો હોય એટલો અલગ લાગશે. લૅબોરેટરીનું સંપૂર્ણ સંચાલન આંતરરાષ્ટ્રીય ધોરણો અને ક્વૉલિટી મૅનેજમેન્ટ સિસ્ટમને આધીન છે. લૅબનું પરિણામ સચોટ, ભરોસાપાત્ર અને પુનરાવર્તિત હોય એની ખાતરી ક્વૉલિટી ટીમ રાખે છે. અહીંની આધુનિક મશીનરી દંગ કરનારી છે, જેમાંની ઘણી મશીનરી મુંબઈની આવી અન્ય પ્રાઇવેટ લૅબોરેટરીમાં નહીં મળે. જેમ કે અહીં Gas Chromatography (GC), High-Performance Liquid Chromatography (HPLC), NIR ક્વૉન્ટિફિકેશન મશીન અને ઑક્સિટેસ્ટ (Oxitest) જેવાં હાઈ-એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપલબ્ધ છે જે પેસ્ટિસાઇડ રેસિડ્યુ એટલે કે જંતુનાશકોના અંશો અને ફૅટી ઍસિડ પ્રોફાઇલ જેવી જટિલ તપાસ સેકન્ડોમાં કરી આપે છે. જાન્યુઆરી ૨૦૨૩થી લૅબોરેટરીએ પોતાનું કસ્ટમાઇઝ્ડ કમ્પ્યુટરાઇઝ્ડ સૉફ્ટવેર Food and Water Quality Management System (FWQMS) શરૂ કર્યું છે. આનાથી ટેક્નિકલ ડેટા એન્ટ્રી ઝડપી બની છે અને ગ્રાહકો સીધા જ સિસ્ટમ લૉગ-ઇન દ્વારા ડિજિટલ ટેસ્ટ-રિપોર્ટ ઑનલાઇન મેળવી શકે છે. આ સૉફ્ટવેરના જ પ્રતાપે ઑટોમેટેડ ફૉર્મેટમાં ૨૪ કલાકમાં જ વૉટ્સઍપ અને ઈ-મેઇલ દ્વારા ગ્રાહકોને રિપોર્ટ મળી જાય છે. બીજી મહત્ત્વની વાત એટલે કોઈ પણ સૅમ્પલના ટેસ્ટિંગ માટે ફક્ત બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અને FSSAI મૅન્યુઅલ મેથડ્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય ગાઇડલાઇન્સ જ ફૉલો થાય છે.
આ પ્રયોગશાળામાં થતી તપાસ વિશે અહીંના એક અગ્રણી ઑફિસર કહે છે, ‘હાઇજીન ઇન્ડિકેટર અને ફૂડ સેફ્ટી ક્રાઇટેરિયા આ બે બાબતોમાં અમે તપાસ કરીએ છીએ. હાઇજીન ઇન્ડિકેટરમાં અમે ખોરાક બનાવતી વખતે અને એને રાખતી વખતે કેટલી સ્વચ્છતા જાળવવામાં આવી છે એ શોધી કાઢીએ છીએ. એમાં મુખ્યત્વે બૅક્ટેરિયાની કુલ સંખ્યા માપવા, એમાં રહેલી દૂષિતતાને પકડવા અને ગંદકીને કારણે પેદા થતા ઈ-કોલી જેવા જીવાણુઓની કડક તપાસ કરીએ છીએ. ફૂડ સેફ્ટી ક્રાઇટેરિયામાં લોકોને બીમાર પાડતા ઘાતક જીવાણુઓને શોધવા માટે પરીક્ષણ થાય છે. આમાં ટાઇફૉઇડ અને ડાયેરિયા માટે જવાબદાર સાલ્મોનેલા અને શિગેલા, કાચી માછલી કે સી-ફૂડમાં જોવા મળતા વિબ્રિઓ કૉલેરા તેમ જ પૅકેજ્ડ કે ટિનમાં બંધ ખોરાક ખરાબ નથી થયોને એ જાણવા કમર્શિયલ સ્ટેરિલિટી જેવી મહત્ત્વની ટેસ્ટ સામેલ છે.’
એટલે આપણું પાણી સેફ છે!
મુંબઈમાં કરોડો લીટર પાણી જે પાઇપલાઇન દ્વારા સપ્લાય થાય છે એ ગ્રાહકના ઘર સુધી શુદ્ધ પહોંચે છે કે નહીં એની ચકાસણી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન મુજબ આ લૅબ કરે છે. પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ અને હાઇડ્રોલિક એન્જિનિયરિંગના સ્ટાફ દ્વારા દરરોજ મુંબઈના ૨૪ વૉર્ડમાંથી સંયુક્ત રીતે પાણીનાં આશરે ૧૫૦થી ૧૮૦ સૅમ્પલ કલેક્ટ કરીને આ લૅબમાં મોકલવામાં આવે છે. આ આધુનિક પદ્ધતિ પાણીમાં રોગ ફેલાવતા મુખ્ય બૅક્ટેરિયા જેવા કે ટોટલ કોલિફૉર્મ અને ઈ-કોલીની હાજરી માત્ર ૧૮થી ૨૪ કલાકમાં શોધી કાઢે છે, જેથી પાઇપલાઇન લીકેજ કે દૂષિત પાણીની ફરિયાદ પર મુંબઈ મહાનગરપાલિકા તરત જ ઍક્શન લઈ શકે છે. એટલું જ નહીં, લૅબ દ્વારા જળાશયો, કૂવાઓ, બોરવેલ અને ઉત્સવો દરમ્યાન તળાવોના પાણીનું નિયમિત ટેસ્ટિંગ થાય છે.
હાલમાં આ લૅબોરેટરીનું વૈશ્વિક સ્તરે અપગ્રેડેશન થઈ રહ્યું છે. આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટનાં એક્ઝિક્યુટિવ હેલ્થ-ઑફિસર ડૉ. દક્ષા શાહ કહે છે, ‘બહુ જલદી આ લૅબોરેટરીમાં મેનપાવર વધારવાથી લઈને અહીંની મશીનરીઓને પણ વધુ અપગ્રેડ કરવાની અને એને વધુ આધુનિક અને વ્યાપક બનાવવાની દિશામાં અમે કામ શરૂ કરવાના છીએ. મુંબઈને સેફ આહાર અને સેફ પાણી મળે એ માટે અમારા તો પ્રયાસો રહેશે, પરંતુ લોકોએ પોતે પણ સભાન થવાની જરૂર છે. બહાર મળતા ભોજનમાં ક્વૉલિટી સાથે કૉમ્પ્રોમાઇઝ થતું જ હોય છે. અત્યાર સુધીની અમારી ટેસ્ટનો ઓવરઑલ ડેટા એ જ દિશા તરફનો રહ્યો છે ત્યારે સૌથી શ્રેષ્ઠ એ છે કે ટેસ્ટ અને કૉસ્ટ પર ફોકસ કરીને રસ્તાનું સસ્તું અને સ્વાદિષ્ટ ભોજન અવૉઇડ કરો. એને બદલે ઘરનું તાજું અને પૌષ્ટિક ભોજન લો. એમાં તમારું સ્વાસ્થ્ય વધુ બહેતર બનશે.’
કઈ ટેસ્ટના કેટલા રૂપિયા?
નાગરિકો, હૉસ્પિટલો કે પ્રાઇવેટ ફૂડ બિઝનેસ ઑપરેટર્સ પોતાની પ્રોડક્ટ્સની કેમિકલ, માઇક્રોબાયોલૉજિકલ કે ન્યુટ્રિશનલ ઍનૅલિસિસ માટે અહીં ખૂબ જ વાજબી દરે સૅમ્પલ આપી શકે છે. કઈ ટેસ્ટના કેટલા રૂપિયા લાગે એનાં કેટલાંક ઉદાહરણો પણ જોઈએ. રોજિંદા આહારમાં સૌથી વધુ વપરાતા દૂધ, દહીં અથવા ફ્લેવર્ડ મિલ્કની ગુણવત્તા તપાસવા માટે ૧૦૦થી ૩૦૦ ગ્રામ કે મિલીલીટર સૅમ્પલ આપવું પડે છે. એમાં ફૅટ, સૉલિડ્સ તેમ જ સ્ટાર્ચ, યુરિયા કે પ્રિઝર્વેટિવ્સ જેવી ભેળસેળ પકડવા માટે ૧૪૬૦ રૂપિયા ફી છે. ક્રીમ, મલાઈ, પનીર અને ચીઝમાં મિલ્ક ફૅટ અને સિન્થેટિક કલરની તપાસ માટે ૧૯૬૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તહેવારોમાં સૌથી વધુ જેની શુદ્ધતા પર સવાલ થાય છે એવા ઘી અથવા બટરનું ૨૦૦ ગ્રામ સૅમ્પલ આપીને ૧૯૬૦ રૂપિયામાં એની ઓરિજિનલ પ્યૉરિટી ટેસ્ટ કરાવી શકાય છે. એવી જ રીતે ખાદ્ય તેલમાં કોઈ સસ્તું મિનરલ ઑઇલ કે ભેળસેળ નથી એની તપાસ ૧૯૬૦ રૂપિયામાં થાય છે. બાળકોના પ્રિય એવાં જૂસ, જૅમ, શરબત કે આઇસક્રીમમાં પ્રતિબંધિત આર્ટિફિશ્યલ કલર ચકાસવા માટે ૧૨૫૦ રૂપિયા ફી રાખવામાં આવી છે. રોજ વપરાતાં અનાજ, ઘઉંનો લોટ, મેંદો કે બેસન જેવા નમૂનાઓમાં કચરો, ફૂગ કે ભેજનું પ્રમાણ તપાસવા માટે ૧૨૫૦ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે છે. લૅબોરેટરીમાં આ સિવાય પણ કેટલીક હાઈ-ટેક સુવિધાઓ છે. જેમ કે કોઈ પણ પૅકેજ્ડ ફૂડની એક્સપાયરી કે બેસ્ટ બિફૉર ડેટ વૈજ્ઞાનિક રીતે નક્કી કરવા માટે અદ્યતન મશીન દ્વારા શેલ્ફ-લાઇફ ઍનૅલિસિસ ૬૬૬૦ રૂપિયામાં થાય છે. સ્કૂલોમાં અપાતા મિડ-ડે મીલમાં પ્રોટીન અને કૅલરીનું મૂલ્યાંકન માત્ર ૬૧૦ રૂપિયામાં થાય છે; જ્યારે સામાન્ય વપરાશની વસ્તુઓ જેમ કે સાબુમાં ફૅટનું પ્રમાણ કે બ્લીચિંગ પાઉડરમાં ક્લોરિનની માત્રા તપાસવા માટે ૧૪૬૦ રૂપિયાની ફી છે.
જોકે આ બધામાંથી મુંબઈમાં સૌથી વધુ ડિમાન્ડ પાણીના ટેસ્ટિંગની રહે છે. તમારા ઘર કે સોસાયટીના પીવાના પાણીની કેમિકલની તપાસમાં પાણીનું ધૂંધળાપણું, એની TDS વૅલ્યુ, એનું pH લેવલ, એમાં નાઇટ્રેટ, ફ્લોરાઇડ જેવાં કેમિકલ્સની હાજરી અને હાર્ડનેસ જેવાં મુખ્ય પૅરામીટર્સ ચેક થાય છે. એકથી બે લીટર પાણીના સૅમ્પલ સાથે ૧૯૬૦ રૂપિયા ફી સાથે વૉટર-ટેસ્ટિંગ થતું હોય છે. પાણીમાં ઝાડા-ઊલટી કે કમળાના બૅક્ટેરિયા છે કે નહીં એ જાણવા માટેની પાણીમાં જીવાણુઓની તપાસ ૯૭૦ રૂપિયામાં કરી આપવામાં આવે છે. બાંધકામ માટે વપરાતા પાણીની ગુણવત્તા ચકાસવા માટે ૧૭૩૦ રૂપિયા ફી છે.
છેલ્લે એટલું જ કહેવાનું કે દાયકાઓથી મુંબઈને ટાઇફૉઇડ, કૉલેરા અને ગૅસ્ટ્રો જેવી મોટી મહામારીથી બચાવનારી આ લૅબ મુંબઈની અસલી હેલ્થ-ગાર્ડિયન છે. કોઈ પણ મોંઘી પ્રાઇવેટ લૅબોરેટરીના આડેધડ ચાર્જિસ ચૂકવવાને બદલે અથવા બજારમાં મળતી વસ્તુઓ તેમ જ ઘરમાં આવતા પાણીની શુદ્ધતા પર શંકા રાખીને બેસી રહેવાને બદલે મુંબઈના દરેક જાગૃત નાગરિકે, સભાન ગૃહિણીએ, સોસાયટીના સેક્રેટરીએ અને હોટેલમાલિકે દાદરની આ ૧૨૩ વર્ષ જૂની અને સચોટ પરિણામ આપતી મ્યુનિસિપલ ઍનલિસ્ટ લૅબોરેટરીનો મહત્તમ લાભ લેવો જોઈએ.
કોઈ પ્રાઇવેટ પાર્ટી કે ડિફેન્સ વતી મ્યુનિસિપલ ઍનલિસ્ટને કોર્ટમાં પુરાવા આપવા માટે હાજર રહેવા વિનંતી કરવી હોય તો એ પણ સંભવ છે. જોકે એની ૧૯૬૦ રૂપિયા પ્રતિ હાજરી ફી લેવામાં આવે છે.
ચોમાસામાં બેસ્ટ રહેશે ઉકાળેલું પાણી
ગમે એટલી સાવધાની રાખી હોવા છતાં પણ ચોમાસા દરમ્યાન પાણીના મુખ્ય સોર્સથી લઈને તમારા ઘર સુધી પાણી પહોંચાડતી સિસ્ટમમાં ક્યાંક ઓછુંવધતું થવાની સંભાવના હંમેશાં અકબંધ રહે છે. એટલે જ આ પ્રયોગશાળાના અગ્રણી સૂચવે છે કે ચોમાસામાં બને ત્યાં સુધી બેથી ૩ ઊભરા આવે એટલી વાર સુધી પાણીને ઉકાળીને ઠારેલું પીવું ઍડ્વાઇઝેબલ છે. જોકે શરત માત્ર એટલી કે પાણીના ઉકાળવાથી એનો સ્વાદ બદલાઈ જાય છે અને લોકો પૂરતી માત્રામાં પાણી નથી પીતા. એટલે પૂરતી માત્રામાં પાણી પીવાની તૈયારી હોય અને પાણીને ઉકાળ્યા પછી એને પ્રિઝર્વ કરવાનું પાત્ર પણ ક્લીન હોય તો ઉકાળેલું પાણી જ પીવું આ ઋતુમાં શ્રેષ્ઠ છે.
મુંબઈને સુરક્ષિત આહાર અને પાણી મળે એ માટે અમારા તો પ્રયાસો રહેશે, પરંતુ લોકોએ પોતે પણ સભાન થવાની જરૂર છે. બહાર મળતા ભોજનમાં ક્વૉલિટી સાથે કૉમ્પ્રોમાઇઝ થતું જ હોય છે. અત્યાર સુધીની અમારી ટેસ્ટનો ઓવરઑલ ડેટા એ જ દિશા તરફનો રહ્યો છે ત્યારે સૌથી શ્રેષ્ઠ એ છે કે ટેસ્ટ અને કૉસ્ટ પર ફોકસ કરીને રસ્તાનું સસ્તું અને સ્વાદિષ્ટ ભોજન અવૉઇડ કરો.
- ડૉ. દક્ષા શાહ, એક્ઝિક્યુટિવ હેલ્થ-ઑફિસર, પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ, BMC