12 July, 2026 08:01 AM IST | America | Gujarati Mid-day Correspondent
મુમુક્ષુ યશ્વી મહેતા અને મુમુક્ષુ જાનવી શાહ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના ચરણ-શરણમાં દીક્ષા અંગીકાર કરવા તત્પર બનેલી બે મુમુક્ષુ દીકરીઓએ યંગ જૈન્સ ઑફ અમેરિકા કન્વેન્શનના યુવાનો અને અમેરિકાના ભાવિકોની ભાવભીની વિનંતીનો સ્વીકાર કરીને ૨૦૨૬ની ૩૦ જૂનથી ૮ જુલાઈ દરમ્યાન નવ-દિવસીય અમેરિકાયાત્રા દ્વારા અદ્ભુત શાસન પ્રભાવના કરી હતી. આ યાત્રા દરમ્યાન તેમણે વૉશિંગ્ટન DC, ન્યુ જર્સી અને ડૅલસ ખાતે પ્રવચન, સત્સંગ, ટૉક-શો, સંયમ ભાવયાત્રા, પ્રેરણાત્મક પ્રયોગો તથા ઘર-ઘર પાવન પગલાં દ્વારા અનેક ભાવિકો અને સેંકડો યુવાનોને ધર્મથી ભાવિત, પ્રભાવિત અને બોધિત કર્યા હતા.
બાવીસ વર્ષીય મુમુક્ષુ યશ્વી મહેતા અને ૨૧ વર્ષીય મુમુક્ષુ જાનવી શાહે વૉશિંગ્ટન DC સ્થિત જૈન સોસાયટી ઑફ મેટ્રોપૉલિટન વૉશિંગ્ટન (J.S.M.W.) તેમ જ ડૅલસના જૈન સોસાયટી ઑફ નૉર્થ ટેક્સસ (J.S.N.T.)માં યોજાયેલા કાર્યક્રમમાં સંયમ ભાવયાત્રા, જિજ્ઞાસુઓના મનમાં ઊઠતા પ્રશ્નોનું જ્ઞાનવર્ધક સમાધાન આપતા ટૉક-શો, અટૅચમેન્ટથી ડીટૅચ થવાની પ્રેરણા આપતા અનોખા પ્રયોગ દ્વારા ઉપસ્થિત ભાવિકોને સંયમમાર્ગે પ્રેરિત કર્યા હતા.
યંગ જૈન્સ ઑફ અમેરિકા (Y.J.A.)ના કન્વેન્શનના કાર્યક્રમમાં એકસાથે ૧૨૦૦થી વધુ યુવાનો તેમ જ અમેરિકાના વિવિધ સંઘોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મુમુક્ષુઓના શ્રીમુખેથી કાર્યક્રમનું મંગલાચરણ કરાવવામાં આવતાં સૌએ ધન્યતા અનુભવી હતી. ત્યાર બાદ વયાનુસાર આયોજિત ત્રણ વિશેષ સત્રોમાં મુમુક્ષુઓએ ‘ધ અનકૉમન ચોઇસ’ વિષય પર પ્રવચન ફરમાવી પોતાના સંયમજીવનની પ્રેરણાદાયી સફર રજૂ કરી હતી અને PPT પ્રેઝન્ટેશન, ટૉક-શો અને વિવિધ પ્રયોગોના માધ્યમે ઉપસ્થિત યુવાનોને જીવનની નવી દિશાનો બોધ કરાવ્યો હતો.
વિશેષમાં માત્ર જૈન જ નહીં, અજૈન પરિવારો સહિત વૉશિંગ્ટન DC, ન્યુ જર્સી અને ડૅલસમાં અનેકો ઘરોમાં પાવન પગલાં એવમ ઘર-સત્સંગ કરીને અનેક પરિવારોને ધર્મભાવનાથી અહોભાવિત કરવામાં આવ્યા હતા.
વિદેશની ધરતી પર સંયમ, સત્યધર્મ અને ગુરુભક્તિનો દિવ્ય સંદેશ પ્રસરાવી જિનશાસનની સુંદર પ્રભાવના કરવાના આત્મસંતોષ સાથે મુમુક્ષુઓ ભારત પરત ફર્યાં હતાં.
ધીરગુરુદેવની નિશ્રામાં દશવૈકાલિક સૂત્ર ભાગ-૨ની વિમોચનવિધિ આવતા રવિવારે
શ્રી પી. એમ. ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રકાશિત પૂ. શ્રી ધીરગુરુદેવ સંપાદિત સાધક જીવન અધિકાર દશવૈકાલિક સૂત્ર ભાગ-૨ અર્ધમાગધી, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશમાં પ્રગટ થશે.
જૈનભવન-પુણેના ઉપક્રમે ૧૯ જુલાઈએ રવિવારના સવારે ૯.૩૦થી ૧૨ વાગ્યે નંદુભવન ખાતે પૂ. ધીરગુરુદેવના સાંનિધ્યમાં કચ્છ મોટી પક્ષનાં સાધ્વીજી પૂ. ચંદનાજી મ.સ., પૂ. શિવાનીજી મ.સ.ના ચાતુર્માસ-પ્રવેશ સમારોહ મધ્યે દશવૈકાલિક સૂત્ર ભાગ-૨ની વિમોચનવિધિ યોજાઈ છે. પ્રકાશનનો લાભ માલિનીબેન કિશોરભાઈ સંઘવી, બૃનેલ અને વેરોની સંઘવીએ લીધો છે.
દશવૈકાલિક સૂત્ર ભાગ-૧ પ્રશ્નપત્ર સહિત અલ્પમૂલ્યમાં ઘાટકોપર-હિંગવાલા ઉપાશ્રય, વિલે પાર્લે (વેસ્ટ) ઉપાશ્રયથી મળી શકશે. પ્રથમ વાર પાંચ ભાષામાં પ્રગટ થતું જૈનાગમ અનેકને ઉપયોગી બનશે. અગ્રિમ જૈનાગમ શ્રુતનિધિ યોજનામાં સભ્ય બનવાથી દરેક પુસ્તકો ઘેરબેઠાં મળી શકશે. વધુ જાણકારી માટે ૯૯૭૯૨૩૨૩૫૭ નંબર પર સંપર્ક કરવો. ગુજરાતી સમાજના જિતુ મહેતા તથા કચ્છી અગ્રણી ચીમન સાવલાને આગમ અર્પણ કરાયા હતા.