09 January, 2026 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૮ મહિનાથી ગાયબ જોગેશ્વરીની ૧૭ વર્ષની ટીનેજરની ભાળ મેળવી આપી : પોતાનો ફોન નહોતી લઈ ગઈ, પણ અલગ-અલગ લોકોના મોબાઇલમાંથી પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં લૉગ-ઇન કરતી હતી એટલે પોલીસે એ નંબરો ટ્રેસ કર્યા : બિહાર, તામિલનાડુ અને આસામમાં દોડાદોડી કરી ત્યારે આસામના એક રેલવે-સ્ટેશન પર સફળતા મળી
૮ મહિના પહેલાં જોગેશ્વરી-વેસ્ટમાંથી ગુમ થયેલી ૧૭ વર્ષની ટીનેજરનું પગેરું ઇન્સ્ટાગ્રામની મદદથી મળી આવ્યું હતું. ગુમ થયા પછી પણ આ ટીનેજર છૂપી રીતે જુદા-જુદા મોબાઇલમાંથી તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ઍક્સેસ કરી રહી હતી, જેના આધારે પોલીસે અંતે તેને શોધી કાઢી હતી.
૨૦૨૫ના મે મહિનામાં આ ટીનેજર ગુમ થઈ હતી. પોલીસે તેને શોધવા માટે સઘન પ્રયાસો કર્યા હતા અને બીજાં રાજ્યોમાં પણ પૂછપરછ શરૂ કરી હતી. તેની શોધમાં પોલીસની ટીમે બે વાર બિહારના ધક્કા ખાવા પડ્યા હતા. જોકે આ પ્રયાસોનું કોઈ પરિણામ આવ્યું
નહોતું.
ટીનેજરના સોશ્યલ પ્રોફાઇલમાં તપાસ કર્યા પછી પોલીસ તેની ડિજિટલ પ્રેઝન્સ પર ચાંપતી નજર નાખીને બેઠી હતી. આના પરથી પોલીસને ડિજિટલ પગેરું મળી ગયું હતું કે ટીનેજર પાસે પોતાનો કોઈ મોબાઇલ નથી, પણ તે બીજા લોકોના મોબાઇલ વાપરવા માટે લઈને થોડી વાર માટે એમાંથી ઇન્સ્ટાગ્રામમાં લૉગ-ઇન કરી રહી છે. તેના ઇન્સ્ટાગ્રામ IDને ટ્રેસ કર્યા પછી પોલીસે તેની સાથે જોડાયેલા મોબાઇલ-નંબરો અને ડિવાઇસને ટેક્નિકલ સર્વેલન્સમાં મૂકી દીધાં હતાં.
આસામથી તામિલનાડુ દોડ્યા
શરૂઆતમાં ટીનેજરનું લોકેશન આસામમાં દેખાયું હતું, પણ પછી ઘણાં અઠવાડિયાં માટે ફોન સાઇલન્ટ થઈ ગયો હતો. ડિસેમ્બરમાં ફરી થોડા સમય માટે આસામમાં ઍક્ટિવેશન જોવા મળતાં પોલીસે તાત્કાલિક આસામની ગાડી પકડી હતી. જોકે એ ઍક્ટિવેશન પણ તરત બંધ થઈ ગયું હતું. એ પછી થોડીક વાર માટે ચેન્નઈ નજીક તિરુવેલ્લુરના લોકેશનમાં ઍક્ટિવિટી જોવા મળતાં પોલીસ રાતોરાત તામિલનાડુ દોડી ગઈ હતી અને ત્યાં સઘન શોધખોળ શરૂ કરી હતી.
ફરી આસામમાં જ મળી ટીનેજર
જોકે એ પછીના ટેક્નિકલ ઇનપુટ્સના આધારે પોલીસને ફરી આસામ દોટ મૂકવી પડી હતી. ટીનેજર આસામના લામડિંગ રેલવે-સ્ટેશન પાસે છે એવું કન્ફર્મ થતાં લોકલ પોલીસ સાથે કો-ઑર્ડિનેટ કરીને રેલવે-સ્ટેશન પરથી ટીનેજરને કબજામાં લેવામાં આવી હતી. સ્ટેશન પર તે એકલી જ હતી. મહિલા પોલીસ-કૉન્સ્ટેબલની મદદથી તેને લોકલ પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. ત્યાંથી પછી ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સામે રજૂ કરવામાં આવી હતી. કમિટીએ આ ટીનેજરની સંભાળ અને સુરક્ષા માટે તેને સખી કેન્દ્રમાં મોકલવાની સૂચના આપી હતી.
- અનિષ પાટીલ