15 January, 2026 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અબુ સાલેમ
ઇન્ટરનૅશનલ ગૅન્ગસ્ટર અબુ સાલેમે તેના ભાઈનું ૧૪ નવેમ્બરે મૃત્યુ થવાથી એની પાછળ થતી ધાર્મિક વિધિમાં હાજરી આપવા આઝમગઢ જવાનું હોવાથી ૧૪ દિવસના પરોલ માગ્યા હતા. જોકે બૉમ્બે હાઈ કોર્ટમાં રજૂઆત કરતાં સરકારી વકીલ માનકુંવર દેશમુખે કહ્યું હતું કે તેને ફક્ત બે જ દિવસના પરોલ મંજૂર કરવા અને એ પણ પોલીસ-એસ્કોર્ટ સાથે, વળી પોલીસ-એસ્કોર્ટનો ચાર્જ પણ તેણે જ આપવો જોઈએ.
અબુ સાલેમના વકીલ ફરહાના શાહે આ બાબતે રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘બે દિવસના પરોલમાં આઝમગઢ જઈને પાછા આવવું મુશ્કેલ છે. ત્યાં પહોંચતાં જ પચીસથી ૩૦ કલાકનો સમય લાગે છે. અબુ સાલેમ છેલ્લાં ૨૦ વર્ષથી જેલમાં છે અને હવે તેને એસ્કોર્ટ વગર પણ છોડી શકાય.’ એથી માનકુંવર દેશમુખે કહ્યું હતું કે ‘અબુ સાલેમ એ ઇન્ટરનૅશનલ ગૅન્ગસ્ટર છે. તેને પોલીસ-એસ્કોર્ટ વગર છૂટો ન મૂકી શકાય.’
બન્ને તરફની રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે રાજ્ય સરકારને તેને ૧૪ દિવસ પરોલ આપવા બાબતે તેમનું શું કહેવું છે અને એસ્કોર્ટના ચાર્જિસ કેટલા થાય એની વિગતો આગલી સુનાવણીમાં કહેવા જણાવ્યું છે.