12 March, 2025 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય રેલવે (ફાઈલ તસવીર)
ભારતીય રેલવેએ ભારત સરકારના દેખો અપના દેશ અને એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝનને સફળ બનાવવા હવે જૈનોનાં ૮ તીર્થસ્થળોને આવરી લેતી જૈન યાત્રાનું આયોજન કર્યું છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) દ્વારા ૮ રાત ૯ દિવસની આ જૈન યાત્રાની સ્પેશ્યલ AC ટ્રેન ૩૧ માર્ચે બાંદરા ટર્મિનસથી ઊપડશે. આ ટ્રેનમાં ૭૫૦ પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. ૪૫૦૦ કિલોમીટરના આ પ્રવાસમાં સમગ્ર યાત્રા દરમ્યાન ભોજન અને અન્ય સુવિધાઓ જૈન પ્રણાલી મુજબ જ રાખવામાં આવી છે.
આ જૈન યાત્રા દરમ્યાન પાવાપુરી, કુંડલપુર, ગુનિયાજી, લછુઆર, રાજગીર, પારસનાથ, રુજુવાલિકા અને સમેતશિખરને આવરી લેવામાં આવશે. આ ટ્રેન બાંદરા, બોરીવલી, વાપી, વલસાડ, સુરત અને ભેસ્તાન (સુરત)થી પણ પકડી શકાશે. આ જૈન યાત્રા માટે એક પ્રવાસી પાસેથી ૨૪,૯૩૦ રૂપિયા ચાર્જ કરવામાં આવશે. યાત્રામાં જવા માગતા જૈનો વધુ જાણકારી માટે IRCTCની વેબસાઇટ http://www.irctctourism.comની મુલાકાત લઈ શકે છે અથવા ૮૨૮૭૯ ૩૧૮૮૬ નંબર પર ફોન કરીને એ વિશે જાણકારી મેળવી શકે છે.