પોલીસ અને બીએમસી માટે કોરોનાના નવા કાયદાનું પાલન કરવું જરૂરી નથી?

01 December, 2021 08:27 AM IST  |  Mumbai | Rohit Parikh

ગ્રાહકો માસ્ક ન પહેરે તો એ માટે વેપારીઓને જવાબદાર ઠેરવનાર સરકાર માસ્ક વગર ફરતા સરકારી અધિકારીઓ સામે શું પગલાં લેશે એવો સવાલ કર્યો લોકોએ

ઘાટકોપર-વેસ્ટની નવરોજી લેનમાં માસ્ક વગર બિન્દાસ રોડ પર ફરી રહેલો મહાનગરપાલિકાનો કર્મચારી.

મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેએ એક અપીલ કરી છે કે કોવિડના નવા વિષાણુને રોકવા માટે જનતાએ સરકારની નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવી જરૂરી છે. લૉકડાઉન ફરીથી લાદવાની જરૂર ન પડે એટલા માટે લોકોએ માસ્ક પહેરવો અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા જેવા નિયમોનું પાલન કરવું જોઈએ. જોકે ઘાટકોપર-વેસ્ટમાં નિર્ભયા પથકના પોલીસ અધિકારીઓ અને મહાનગરપાલિકાના ક્લીન-અપ વૅનના કર્મચારીઓ સુધી ઉદ્ધવ ઠાકરેની અપીલ પહોંચી નથી લાગતી.
નિર્ભયા પથકની પોલીસ ટીમ અને મહાનગરપાલિકાની ક્લીન-અપ વૅનની ટીમને ખુલ્લેઆમ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા જોયા બાદ આમજનતાના મનમાં અનેક સવાલ ઘૂમરાય છે કે શું સરકારે ઑમિક્રૉન વેરિઅન્ટ પછી તૈયાર કરેલા નવા કોવિડના નિયમો ફક્ત આમજનતા માટે જ છે? શું માસ્ક વગર ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે? શું તેઓ કોવિડના ધોકાદાયક નવા વિષાણુને ફેલાવવા માટે જવાબદાર નથી?
આ બાબતની વિસ્તૃત માહિતી આપતાં ઘાટકોપર-વેસ્ટની નવરોજી લેનના એક નાગરિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવી માર્ગદર્શિકામાં સૌથી કડક નિયમ દુકાનદારો માટે છે. એ મુજબ જો કોઈ દુકાનમાં માસ્ક વગર ગ્રાહક દેખાશે તો એ દુકાનદાર પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. સોમવારે અમારા વિસ્તારમાં મોબાઇલની એક દુકાન પર તેનો મોબાઇલ રિપેર કરાવવા નિર્ભયા પથકની એક પોલીસ અધિકારી માસ્ક વગર આવી હતી. તેની સાથેના બીજા અધિકારીએ નાક પર માસ્ક પહેર્યો નહોતો. તો આના માટે જવાબદાર કોણ? એ દુકાનદાર કે પોલીસ?’ 
કચરો લેવા માટે આ જ મહાનગરપાલિકાની ક્લીન-અપ વૅન આવે છે એમ જણાવીને બીજા એક નાગરિકે કહ્યું હતું કે ‘આ ક્લીન-અપ વૅન સાથેના કર્મચારીઓ પણ માસ્ક વગર કચરો લેવા આવ્યા હતા. એક કર્મચારીએ અમને તસવીર લેતાં જોયા એટલે તરત જ તેણે તેના ચહેરા પરથી હટેલા માસ્કને વ્યવસ્થિત પહેરી લીધો હતો, પરંતુ અન્ય કર્મચારીઓ બિન્દાસ માસ્ક વગર ફરી રહ્યા હતા. તો શું કાયદો અને નિયમો ફકત આમજનતા માટે છે કે શું?’
આ બધા વચ્ચે ગઈ કાલે મોટી સંખ્યામાં સુધરાઈના અધિકારીઓ કોઈ પણ યુનિફૉર્મ પહેર્યા વગર જેમણે માસ્ક ન પહેર્યો હોય તેમની પાસેથી દંડ વસૂલ કરતા જોવા મળ્યા હતા. સુધરાઈએ આ કામનો જેને કૉન્ટ્રૅક્ટ આપ્યો છે એ કૉન્ટ્રૅક્ટરના માણસો યુનિફૉર્મમાં ડ્યુટી પર આવતા હોય છે, પણ ગઈ કાલે સિવિલ ડ્રેસમાં લોકો પાસેથી દંડ વસૂલવામાં આવતો હોવાથી લોકોને એવી શંકા ગઈ હતી કે આ કોઈ ખોટી વ્યક્તિ તો સુધરાઈના નામ પર પૈસા નથી ઉઘરાવતીને? 
આ સિવાય સોમવારે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારના એક દિગ્ગ્જ નેતાની દીકરીનાં લગ્નમાં ૫૦૦થી વધારે લોકો કોઈ પણ પ્રકારના કોરોનાના નિયમોનું પાલન કર્યા વગર ભેગા થયા હોવા છતાં તેમની વિરુદ્ધ કોઈ ઍક્શન લેવામાં આવી ન હોવાથી સુધરાઈનાં આવાં બેવડાં ધોરણ સામે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. 

Mumbai mumbai news rohit parikh