ઇસરોનું મિશન નિષ્ફળ ગયું, પણ દોડાવી-દોડાવીને મારે એવી મિસાઇલની ટેસ્ટ સફળ

13 January, 2026 10:53 AM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

ઇસરોનું રૉકેટ લૉન્ચિંગમાં ગરબડને કારણે રસ્તો ભટકી ગયું, ૧૬ સૅટેલાઇટ લઈને જઈ રહેલું મિશન ફેલ થયું

ગઈ કાલે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં ૧૬ ઉપગ્રહો લઈને નીકળેલું રૉકેટ.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)નું ૨૦૨૬નું પહેલું મિશન PSLV-C62 નિષ્ફળ ગયું હતું. આ રૉકેટ ગઈ કાલે સવારે ૧૦.૧૮ વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સ્પેસ સેન્ટરમાંથી ૧૬ સૅટેલાઇટ્સ લઈને ઊડ્યું હતું. ઇસરોના ચીફ ડૉ. વી. નારાયણને કહ્યું હતું કે રૉકેટ લૉન્ચિંગના ત્રીજા ચરણમાં ગરબડ થતાં રૉકેટ રસ્તો ભટકી ગયું હતું.

ગયા વર્ષે મે મહિનામાં ઇસરોનું એક મિશન ટેક્નિકલ ખામીને કારણે ત્રીજા સ્ટેજમાં નિષ્ફળ ગયું હતું. આ મિશનમાં EOS-09 અર્થ ઑબ્ઝર્વેશન સૅટેલાઇટને ૫૨૪ કિલોમીટર દૂર સન-સિન્ક્રોનસ પોલર ઑર્બિટમાં સ્થાપિત કરવાની હતી. ઑર્બિટમાં સૅટેલાઇટ તરતી મૂકવાનું આખું મિશન એક કલાક ૪૮ મિનિટનું હતું, પરંતુ મિશન લૉન્ચ થયાની આઠમી મિનિટે ગરબડ થઈ હતી. 

હવે શું? 
રૉકેટમાં લાગેલી ઑનબૉર્ડ કમ્પ્યુટર અને સેફ્ટી સિસ્ટમ એની દિશા, ગતિ અને ઊંચાઈ પર ધ્યાન રાખે છે. જો રૉકેટ ખોટી દિશામાં જઈ રહ્યું હોય અથવા તો જમીન પર જ્યાં લોકો વસતા હોય ત્યાં ખતરો બને એમ હોય તો રેન્જ સેફ્ટી ઑફિસર એને નષ્ટ પણ કરી શકે છે. જો ગરબડ ખૂબ ઊંચાઈએ થઈ હોય તો રૉકેટને સમુદ્રમાં પાડવામાં આવે છે.

ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO)એ મહારાષ્ટ્રના અહિલ્યાનગરની KK રેન્જમાં મૅન પોર્ટેબલ 

ઍન્ટિ-ટૅન્ક ગાઇડેડ મિસાઇલ (MPATGM)નું સફળ પરીક્ષણ કર્યું હતું. થર્ડ જનરેશનની આ મિસાઇલ ફાયર ઍન્ડ ફર્ગેટ ટેક્નૉલૉજી પર કામ કરે છે જે ટૉપ અટૅક મોડમાં ચાલતા ટાર્ગેટને મારી શકે છે. પૂરી રીતે સ્વદેશી ટેક્નૉલૉજીથી બનેલી આ મિસાઇલ આધુનિક ટૅન્કોને નષ્ટ કરવામાં સક્ષમ છે. આ મિસાઇલમાં એક વાર એને છોડી દીધા પછી સૈનિકોએ એને ગાઇડ કરવાની જરૂર નથી પડતી. મિસાઇલ ખુદ એને અપાયેલો ટાર્ગેટ શોધી કાઢે છે અને મારે છે. જો ટાર્ગેટ મૂવમેન્ટ કરીને ભાગતો હોય તો એનો પીછો કરવાનું કામ પણ મિસાઇલ જાતે જ કરી લે છે. આ મિસાઇલ ખૂબ હલકી છે અને સૈનિક પોતાના ખભા પર ઊંચકીને પણ લઈ જઈ શકે છે.

મિસાઇલની ખાસિયતો શું?

વજન માત્ર ૧૪થી ૧૫ કિલો. રાત હોય કે દિવસ, વરસાદ હોય કે બરફ, દરેક મોસમમાં કામ કરી શકે છે. ઇમેજિંગ ઇન્ફ્રારેડથી સજ્જ હોવાથી રાતના અંધારામાં પણ ટાર્ગેટનો પીછો કરી શકે છે. 

mumbai news mumbai isro indian space research organisation sriharikota