28 October, 2025 09:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં મરાઠી ભાષાને લઈને એક મહિલા સાથે દલીલ કરવાનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો તે હવે યુટ્યુબરે હટાવી દીધો છે. યુટ્યુબર માહી ખાને આ મામલે માફી પણ માગી છે અને કહ્યું છે કે, "જો કોઈને મારા વીડિયોથી દુઃખ થયું હોય, તો કૃપા કરીને મને માફ કરો." ખાને વીડિયોમાં કહ્યું છે કે, "હું વારંવાર મુંબઈ જાઉં છું, તેથી હું યોગ્ય રીતે `જય મહારાષ્ટ્ર` કહી રહી છું." નોંધનીય છે કે આ વિવાદ સામે આવ્યા પછી, રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ આ મુદ્દો ઉઠાવ્યો હતો. MNS નેતા અવિનાથ જાધવે યુટ્યુબરને કડક સજા કરશે એવી ધમકી પણ આપી હતી. હવે, MNSની ધમકી બાદ, યુટ્યુબરે પોતાનું વલણ નરમ પાડ્યું છે. યુટ્યુબરે કહ્યું છે કે તેનો ક્યારેય કોઈ ભાષા કે સંસ્કૃતિનું અપમાન કરવાનો ઇરાદો નહોતો, જેથી તેણે તે વીડિયોને હટાવી દીધો છે. જેથી આ મુદ્દો હવે પૂર્ણ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે.
શું હતો આખો મામલો?
યુટ્યુબર માહી ખાને ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મહિલા મુસાફર પર મરાઠી ન બોલવા બદલ ધમકી તેને આપવાનો આરોપ કર્યો હતો. મૂળ પશ્ચિમ બંગાળની આ મહિલાએ દાવો કર્યો છે કે યુટ્યુબર માહી ખાને ફક્ત સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યૂ મેળવવા માટે ઘટનામાં પોતાને પીડિત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેના કારણે તેણે પોતાની નોકરી ગુમાવી દીધી હતી. માહી ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મહિલા તેને મરાઠી બોલવાની ધમકી આપી રહી છે. મનસે નેતા અવિનાશ જાધવે મહિલા સાથે એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં યુટ્યુબર માહી ખાનને ચેતવણી આપવામાં આવી હતી.
મનસે નેતા અવિનાશ જાધવે સીધી ચેતવણી આપતા કહ્યું હતું કે આ ભિખારી પૈસા કમાવવા માટે મહિલાના કામનો ઉપયોગ કરે છે. "જો હું તેને શોધીને સજા ન આપું તો મારું નામ અવિનાશ જાધવ નહીં," તેમણે કહ્યું. આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે યુટ્યુબર માહી ખાને શૅર કરેલો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં કોલકાતાથી મુંબઈ જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મહિલા સાથે દલીલ થતી જોવા મળી હતી. ખાને કહ્યું હતું કે મહિલાએ તેને કહ્યું હતું કે જો તે મુંબઈ આવી રહ્યો છે, તો તેને મરાઠી આવડવી જ જોઈએ. માહીએ કહ્યું હતું કે જ્યારે “મેં શર્ટ પહેરેલી મહિલાને કહ્યું કે હું મરાઠી નથી આવડતી, ત્યારે તેણે મને `લૅન્ડિંગ પછી મળવા`ની ધમકી આપી હતી.”