આજે દીક્ષાર્થીની માળારોપણ વિધિ, કોળિયાવિધિ અને આવતી કાલે મહાભિનિષ્ક્રમણ યાત્રા

27 April, 2024 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવનો આજે ચોથો દિવસ : રવિવારે મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીને પારણાં કરાવવામાં આવશે

મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજી

દેશ-વિદેશના લાખો ભાવિકો જે મહોત્સવની મહિનાઓથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવા મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવનું આયોજન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે રવિવાર, ૨૮ એપ્રિલના રોજ સવારે ૮.૩૦ વાગ્યે વિલે પાર્લે સ્થિત માલિનીબેન કિશોરભાઈ સંઘવી શાંતિપ્રભા હૉલ, ઋતંભરા કૅમ્પસ, જેવીપીડી સ્કીમ ખાતે કરવામાં
આવ્યું છે.

શ્રી વિલે પાર્લે વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના ઉપક્રમે છેલ્લા ત્રણ દિવસથી ઊજવાઈ રહેલા મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવના અંતિમ ચરણ સ્વરૂપ ચોથા દિવસે ૨૭ એપ્રિલ ૨૦૨૪ના શનિવારે સવારે  ૦૭.૩૦ વાગ્યે દીક્ષાર્થી શ્રી યશ્વીદીદી મહેન્દ્રભાઈ નંદુની મંડપમુહૂર્ત વિધિ બાદ ૦૮.૦૦ વાગ્યે દીક્ષાર્થીની માળારોપણ વિધિ યોજાશે. ત્યાર બાદ ૯.૦૦ વાગ્યે ‘મહાતપસ્વીને લાખો પ્રણામ’ કાર્યક્રમની સાથે અખંડ ૧૦૦૮ આયંબિલ તપ આરાધિકા પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીને ગુરુમુખે કળશ પ્રત્યાખ્યાન અર્પણ કરવામાં આવશે. એની સાથે-સાથે આ અવસરે સંસારને આખરી સલામ સ્વરૂપ દીક્ષાર્થીનો સન્માન સમારોહ યોજાશે. ત્યાર બાદ ‘બિકૉઝ ઑફ યુ’ એક અદ‌્ભુત દૃશ્યાંકનની પ્રસ્તુતિ કરવામાં આવશે. બપોરે ૩.૩૦ વાગ્યે દીક્ષાર્થીની કોળિયાવિધિ યોજાશે.

૨૮ એપ્રિલ, રવિવારના મહોત્સવના અંતિમ દિવસે સવારે ૦૭.૦૦ વાગ્યે શ્રી વાડીલાલ મોહનલાલ શાહ (પૅરેડાઇઝ પરિવાર) હસ્તે શ્રી શિલાબેન સી. વી. શાહના નિવાસસ્થાન માતૃછાયા, રોડ નં ૬, જેવીપીડી સ્કીમ, ૨૧ ફ્રેન્ડ્સ સોસાયટી, બૅન્ક ઑફ મહારાસ્ટ્રની સામે, વિલે પાર્લે-વેસ્ટ ખાતેથી દીક્ષાર્થીની સંસારમાં ફરીને કદી પાછા ન ફરવાની ‘મહાભિનિષ્ક્રમણ યાત્રા’નું આયોજન કરવામાં આવશે.

મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજી એવમ દીક્ષાર્થીનો જય જયકાર ગજાવતી, આ મહાભિનિષ્ક્રમણ શોભાયાત્રા ગાજતી-ગુંજતી ઋતંભરા કૅમ્પસ ખાતે પધારશે, જ્યાં મહાતપસ્વી પૂજ્ય મહાસતીજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં પારણાં કરાવવા સ્વરૂપ મહાતપોત્સવ તેમ જ દીક્ષાર્થીને દીક્ષાનાં દાન આપવા સ્વરૂપ દીક્ષા મહોત્સવ યોજાશે.

jain community gujarati community news mumbai mumbai news vile parle