અબોલ જીવોના, ગરીબોના મસીહાની વિદાય

10 January, 2026 08:57 AM IST  |  Mumbai | Ruchita Shah

જૈન સમાજ જેમની ખોટ ક્યારેય પૂરી નહીં શકે એવા ૭૨ વર્ષના જિતેન્દ્ર શાહે શુક્રવારે છેલ્લા શ્વાસ લીધા. આચરણમાં પારાવાર ત્યાગ સાથે ધર્મ અને જીવદયાને સમર્પિત રહેલા આ વડીલનું જીવન અનેક લોકો માટે પ્રેરણા સમાન હતું

જીવનભર જૈનત્વને સમર્પિત રહેલા જિતેન્દ્ર શાહ ત્યાગ અને જીવદયાના સાચા સેવક હતા

કેટલાક લોકોએ પોતાની મહાનતા કહેવી પડે તો કેટલાક એને જીવી જાણે છે અને તેમની ગેરહાજરીમાં એ વધુ પ્રત્યક્ષ અનુભવાતી હોય છે. તેમની વિદાય પછી સમજાય છે કે આપણે શું ખોઈ બેઠા. એવું જ એક અદ્ભુત વ્યક્તિત્વ એટલે‌ બોરીવલીમાં રહેતા જિતેન્દ્ર શાહ. તબિયતની નાદુરસ્તી વચ્ચે શુક્રવારે અંતિમ શ્વાસ લઈને તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. 

જીવનભર જૈનત્વને સમર્પિત રહેલા જિતેન્દ્ર શાહ ત્યાગ અને જીવદયાના સાચા સેવક હતા. જિતુકાકા તરીકે જાણીતા ૭૨ વર્ષના જિતેન્દ્રભાઈની તબિયત દસેક દિવસથી નાદુરસ્ત હતી. આ સંદર્ભે ચાલીસ વર્ષથી તેમના મિત્ર, વર્ધમાન પરિવાર અને મુંબઈ જૈન સંગઠનના ટ્રસ્ટી હિરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીવનભર જીવદયા, ગરીબોની સહાય અને સાધર્મિકોની પીડાને પોતાની માનીને મદદ કરનારા અમારા વહાલા જિતુકાકાનું જીવન જ સંદેશ સમાન હતું. ચાલીસ વર્ષથી પગમાં ચંપલ નહીં, જીવદયાના ભાગરૂપે જ ઉકાળેલું પાણી પીવાનું, હંમેશાં એકાસણા, બિયાસણા જેવા તપ સાથે જ રહ્યા હોય અને ગમે તેટલું મોડું થાય તો પણ સવાર તથા સાંજનું પ્રતિક્રમણ કરવાનું જેવા કેટલાય નિયમો સાથે તેઓ 

રાત-દિવસ જોયા વિના કામ કરતા. પરમ પૂજ્ય પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મહારાજની શિબિરમાં અમે મળ્યા હતા. પર્યાવરણ, પશુરક્ષા, સંસ્કૃતિ રક્ષા જેવાં કાર્યો માટે તેઓ છેલ્લા શ્વાસ સુધી જીવ્યા છે. તમે માનશો નહીં પણ કચ્છમાં લગભગ પચાસ હજાર પશુઓને ઘાસચારાની વ્યવસ્થા કરી આપવાની, માલધારી કોમ જે નાબૂદી પર હતી એને ફરી એસ્ટૅબ્લિશ કરી, ગોચર ભૂમિને ઉજાગર કરવાનું કામ કર્યું. કચ્છમાં સુકાઈ રહેલા પાણીના સ્રોતને ફરીથી રીચાર્જ કરવા માટે તેમણે ચેકડૅમ બનાવડાવ્યા, તળાવ ઊભાં કર્યાં. કોવિડમાં વ્યંડળોને છ મહિના સુધી અનાજની કિટ પહોંચાડી હતી. જેમના તરફ સમાજના કોઈ વર્ગનું ધ્યાન ન પડ્યું હોય તેમની મદદે જિતુકાકા પહોંચી જતા. જૈન ધર્મના ચુસ્ત આચારનું પાલન કરીને તેમણે જે રીતે પરગજુ કાર્યો કર્યાં એ ખરેખર અમારા માટે પ્રેરણાદાયી છે.’ 

ધર્મમાં ન માનતા અને પછી સંપૂર્ણ ધર્મમય બનેલા જિતુભાઈના કેટલાક કિસ્સાની વાતો કરતાં વિલે પાર્લામાં રહેતા તેમના મિત્ર કમલેશભાઈ કહે છે, ‘હું તો એ જિતુને પણ ઓળખું છું જે ધર્મમાં જરાય નહોતો માનતો. મારા કઝિન અરવિંદભાઈ અને જિતુ મિત્ર હતા અને એમ અમારી મિત્રતા થઈ હતી. અરવિંદ દેરાસર જાય તો તે બહાર ઊભો રહે. પૂજ્ય ચંદ્રશેખર મહારાજની શિબિરમાં અમારી દિશા બદલાઈ ગઈ. હું તો તોય પોતાના વ્યવસાય અને નોકરીને મહત્ત્વ આપતો પરંતુ જિતુ તો સંપૂર્ણ જીવદયા અને શાસનને સમર્પિત હતો. પંચાવન વર્ષની અમારી મૈત્રીમાં મોટા ભાગનો સમય તેમને મેં લોકોની સહાય કરવા, ગરીબોનાં દુઃખ દૂર કરવા માટે દોડતા જ જોયા છે. શુક્રવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ જોવાનો શોખીન યુવાન ધીમે-ધીમે જૈન શાસનનો સંપૂર્ણ સેવક બની ગયો.’

જિતુકાકાએ ઘણા યુવાનોને દિશા દેખાડવાનું કામ કર્યું છે. પોતાને માર્ગદર્શન આપનારા અને પિતા તરીકે જેને જોયા છે એવા જિતુકાકાની વાત કરતાં શત્રુંજય યુવક મંડળના અગ્રણી હર્ષ શાહ કહે છે, ‘અત્યારે પાલિતાણાની આજુબાજુનાં ગામડાંઓમાં જે સજ્જડ કામો થઈ રહ્યાં છે એનો પાયો જિતુકાકાએ નાખ્યો એમ હું કહી શકું. હમણાં જ હું પાલિતાણાની તળેટીમાં ગયો હતો ત્યારે ત્યાં દહીં વેચવાવાળાં બહેનને મેં કહ્યું કે જિતુકાકાની તબિયત સારી નથી તો બહેનની આંખમાં આંસુ આવી ગયાં. કારણ પૂછ્યું તો કહે કે તેઓ ૧૦ વર્ષથી અમારા ઘરે અનાજની કિટ પહોંચાડે છે. આખા કચ્છમાં તેઓ લગભગ ૭૦૦ લોકોના ઘરે અનાજની કિટ પહોંચાડે છે અને કોઈને કાનોકાન ખબર ન પડે એ રીતે. બહુ બધા નિરાધાર પરિવારનો તેઓ આધાર હતા. લગભગ અઢીસો જરૂરિયાતમંદોને નાતજાતના ભેદ વિના નજીવા દરે ડાયાલિસિસની વ્યવસ્થા તેમણે ઊભી કરાવી હતી. દેવનારના કતલખાનાનું મૉડર્નાઇઝેશન થતું અટકાવવા, ભારતમાંથી લાઇવ ઍનિમલ એક્સપોર્ટ અટકાવવા, જૈન તીર્થંકરોની મૂર્તિઓ વેચાવા મૂકવાની હતી એને રોકવામાં, પશુબચાવનાં કેટલાંય લીગલ કાર્યોમાં દોડવામાં જિતુકાકાનો સહભાગ હતો. અરે, પાલિતાણા પાસે આવેલા સોનગઢ સ્ટેશન પર એક બહેન મરચાં વેચે છે. તેમણે અમને કહ્યું, જિતુકાકા તેમને દર મહિને હજાર રૂપિયા આપે છે જેથી તેમની દવા માટે તેમણે કોઈના પર નિર્ભર ન રહેવું પડે. જે પણ દુખી મળ્યું તેને માટે તેમણે કરુણા દેખાડીને કાર્ય કરી લીધું. તેમના માધ્યમે કચ્છમાં લગભગ ૪૦ કરોડ રૂપિયાનું દાન થયું. દર વર્ષે ચારથી પાંચ કરોડનો પશુઓનો ઘાસચારો તેમના થકી જતો. તેમણે ખેડૂતોને આર્થિક સહાય આપીને સશક્ત કર્યા જેથી તેઓ પશુઓને પોતે જ સાચવે અને કતલખાને ન મોકલે. કોઈને કહ્યા વિના બસ, કામ કરતા રહેવું એ અમે જિતુકાકા પાસેથી શીખ્યા છીએ.’

અહીં ઉલ્લેખનીય છે કે જિતુકાકા હયાત હતા ત્યારે તેમને મળ્યા પછી, કાર્યો વિશે જાણ્યા પછી ‘મિડ-ડે’એ તેમના ઇન્ટરવ્યુ માટે તેમનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે પોતાનાં કાર્યોને જાહેરમાં ન લાવવાના ભાવ સાથે એ વાત માંડી વાળી હતી.

સત્કાર્યમાં વાપરવા જ્યારે એક ભિક્ષુકે તેમને આપ્યા હતા ૧૧ હજાર રૂપિયા

જ‌િતુકાકા જાંબલી ગલી દેરાસરની બહાર બેસતા જરૂરિયાતમંદોને નિયમિત મદદ કરતા. હજારો લોકોને ત્યાં ખબર પણ ન પડે એ રીતે અનાજની કિટ પહોંચાડતા. તેમનાં પરગજુ કાર્યોને જોઈને એક ભિક્ષુકનું હૃદય એવું પીગળ્યું કે તેણે ડોનેશન માટે અગિયાર હજારની રકમ જિતુકાકાને આપી હતી જેથી તેઓ એને સારા કામમાં વાપરી શકે. 

jain community gujarati community news gujaratis of mumbai mumbai mumbai news exclusive gujarati mid day ruchita shah