જૈનો માનવતાને બદલે દેરાસરો અને ધામધૂમના પ્રેમી કેમ છે?

08 November, 2025 12:04 PM IST  |  Mumbai | Rohit Parikh

યુવાનોના મગજમાં ઘૂમરાતા આ પ્રશ્નનો આજે ઘાટકોપરમાં યોજાયેલી વાચનાશ્રેણી દ્વારા ગચ્છાધિપતિ શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબ જવાબ આપીને આત્માને વિકાસ તરફ દોરી જવાનો પ્રયાસ કરશે

ગચ્છાધિપતિ શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબ

પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબ (પંડિત મહારાજસાહેબ)ની નિશ્રામાં શરૂ કરવામાં આવેલી યુવાનોની વાચના શ્રેણીમાં ઘાટકોપર-ઈસ્ટના પોલીસ ગ્રાઉન્ડમાં આજે સવારે ૯ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી જૈનો માનવતાને બદલે દેરાસરો અને ધામધૂમના પ્રેમી કેમ છે? એ સવાલ પર યુવાનો સાથે ચર્ચાવિચારણા કરીને તેમને જૈન ધર્મના ઊંડાણમાં ઉતારવામાં આવશે. તેમને જૈન ધર્મની દિશા બતાવીને આત્માનો વિકાસ કરવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવશે.

આ શ્રેણી બાબતમાં માહિતી આપતાં ગચ્છાધિપતિ શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજના ભણેલા યુવાનોના મગજમાં ધર્મ બાબતમાં અનેક સવાલો ઘૂમરાયા કરતા હોય છે. એમાંનો એક સવાલ એ છે કે શું જૈન ધર્મ આજના યુગમાં પ્રૅક્ટિકલ છે? આ સવાલ યુવાવર્ગ જે સાધુસંતો પાસે જાય ત્યાં તેને સંતોષજનક જવાબ ન મળે ત્યાં સુધી પૂછતો રહે છે. આ પ્રશ્નને દબાવવાને બદલે ઓપન-માઇન્ડેડ ડિસ્કશન અને લૉજિકલ કારણો અને ઉદાહરણો આપીને એને સમજાવવાનો અમારો આ સંગીન પ્રયાસ છે. ફક્ત એને સમજાવવાનો નહીં પણ એને સમજવાનો પણ આ વાચનાશ્રેણી દ્વારા અમારો પ્રયાસ ચાલી રહ્યો છે.’

પંડિત મહારાજે વધુમાં કહ્યું હતું કે ‘યુવાનોના સાચા વિકાસ માટે હેલ્ધી ડિબેટ જરૂરી છે. એના માટે ઓપન-માઇન્ડેડનેસ, ન્યુટ્રલ થિન્કિંગ, ફ્રી થિન્કિંગ અને સર્ચ ફૉર ટ્રુથ આ ૪ ગુણો ખૂબ જ મહત્ત્વના છે. આ અગાઉ યુવાનોના અનેક પ્રશ્નો જેમ કે જૈન ધર્મમાં ખાવા-પીવાના નિયમો કેમ? શું એ ડરાવવા માટે છે? આવા પ્રશ્નોના વાચનાશ્રેણીમાં તર્કસંગત અને આધ્યાત્મિક રીતે જવાબો આપવામાં આવ્યા હતા. યુવાનોને સમજાવ્યું હતું કે આ નિયમો કોઈ પ્રતિબંધ નથી, પરંતુ આત્માનું સુરક્ષાકવચ છે જે યુનિવર્સલ જસ્ટિસ પર આધારિત છે. સુખદુઃખની વાચનાશ્રેણીમાં યુવાનોને સમજાવવામાં આવ્યું હતું કે આજના યુગમાં આપણે ભૌતિક સુખને જ સુખ માનીએ છીએ. ખરેખર તો એ ફક્ત દુઃખથી મળેલી ટેમ્પરરી રિલીફ છે અને માઇનસમાંથી ઝીરો સુધીનો માર્ગ છે, પણ સાચું સુખ એટલે કે પ્લસ એ ફક્ત સ્પિરિચ્યુઅલ ગ્રોથથી જ મળે છે.’

અત્યાર સુધીની શ્રેણીમાં ૧૫૦૦થી વધુ યુવાનો જોડાઈ ચૂક્યા છે અને ધર્મની નવી દૃષ્ટિ મેળવી છે એમ જણાવતાં ગચ્છાધિપતિ શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘સેશન પછી યુવાનોના પ્રતિભાવોમાં એક જ ભાવ જોવા મળ્યો છે કે જૈનિઝમ ડઝ મેક્સ સેન્સ. પાપ-પુણ્ય, જસ્ટિસ-ઇનજસ્ટિસરૂપે સમજાવવાથી તેમને જૈન ધર્મ નવી રીતે સમજાયો. તેમની ઘણી ગેરસમજણો દૂર થઈ, સિમ્પલ અને લૉજિકલ સ્પષ્ટતાઓ મળી. વાચનાશ્રેણીથી યુવાનોને સમજાયું કે જૈન ધર્મ તમારા ગ્રોથને અટકાવતો નથી, પરંતુ સેલ્ફ-કન્ટ્રોલ, વિલપાવર દ્વારા ઇનર ગ્રોથ વિકસાવવાનો માર્ગ દર્શાવે છે. આ જ દૃષ્ટિકોણથી આજે ‘જૈનો માનવતાને બદલે દેરાસરો અને ધામધૂમના પ્રેમી કેમ છે?’ એના પર યુવાનો સાથે ડિબેટ સાથે વાચનાશ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે.’

jain community ghatkopar mumbai mumbai news rohit parikh gujarati community news