14 May, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરિહા શાહ
વિના કારણે જર્મનીમાં બાળસુધાર ગૄહમાં રહેલી જૈન પરિવારની બાળકી અરિહા શાહને પાછી મેળવવા શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના પ્રતિનિધિઓ મંગલ પ્રભાત લોઢાની આગેવાનીમાં આજે બપોરે મુંબઈમાં જર્મન કૉન્સ્યુલેટમાં રજૂઆત કરવા જશે અને વહેલી તકે આ બાળકીને તેનાં માતા-પિતાને સોંપવા માગણી કરશે.
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના પ્રતિનિધિ નીતિન વોરાએ જણાવ્યું હતું કે ‘આ પ્રતિનિધિમંડળમાં અમારી સાથે પ્રકાશ ચોપડા, વિનોદ કોઠારી તથા હસમુખ સંઘવી પણ જોડાશે. આ બાળકીનાં માતા-પિતા સામે થયેલી અત્યાચારની શંકાના કેસમાં ક્લીન ચીટ મળી હોવા છતાં આ જૈન પરિવારને તેમની બાળકીનો કબજો મળતો નથી, તેમને હજી પણ બે-ત્રણ સપ્તાહ બાદ એકાદ વાર બાળકીને મળવા દેવામાં આવે છે. હાલમાં બાળકીનાં પિતા ભાવેશ શાહ અને માતા ધારા શાહ જર્મનીમાં હોવા છતાં જર્મન બાળ સુરક્ષા વિભાગ તેનો કબજો તેનાં માતા-પિતાને આપવામાં વિલંબ કરે છે.’
ફેબ્રુઆરી ૨૦૨૨માં જ્યારે આ બાળકી સાત મહિનાની હતી ત્યારે તેની માતાએ તેના ડાયપર પર લોહીના ડાઘ જોયા અને તેને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. એ સમયે સારવાર તો ઠીક, પણ ડૉક્ટરે જર્મન સરકારના બાળ સંભાળ વિભાગને જાણ કરી અને આ વિભાગે માતા-પિતા પર યૌન ઉત્પીડનની શંકા કરીને બાળકીનો કબજો લઈ લીધો. ત્યાર બાદ થયેલી તપાસમાં તમામ રિપોર્ટ નૉર્મલ આવવા છતાં બાળકીનો કબજો તેનાં માતા-પિતાને મળ્યો નથી. જર્મનીમાં હેલ્થ વિભાગની આડોડાઈના કારણે આ બાળકી હજી પરિવારથી વિખૂટી છે.