15 November, 2025 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિર્ગ્રંથભૂષણવિજયજી મહારાજસાહેબ
આદ્યગચ્છ સ્થાપક મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજસાહેબના પટધર શુદ્ધમાર્ગ પ્રરૂપક ગચ્છાધિપતિ પૂજ્ય પંડિત મહારાજસાહેબના શિષ્યરત્ન ૬૧ વર્ષના નિર્ગ્રંથભૂષણવિજયજી મહારાજસાહેબ (સંસારી નામ નીતિન જેઠાલાલ ફુરિયા) ગઈ કાલે સવારે પોણાછ વાગ્યે ઘાટકોપર-ઈસ્ટના પોલીસ ગ્રાઉન્ડમાં કાળધર્મ પામ્યા હતા. તેમની પાલખીયાત્રા ગઈ કાલે ૧૨.૩૯ વાગ્યે નીકળી હતી અને તેમના અંતિમ સંસ્કાર ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. મૂળ કચ્છ વાંકીના નીતિનભાઈ માસ્ટર ઑફ સાયન્સ (કેમિકલ) ગ્રૅજ્યુએટ હતા. તેમણે ૫૪ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેમનો દીક્ષાપર્યાય સાડાછ વર્ષનો હતો. તેમણે ૨૦૧૯માં ભગવાન મહાવીરસ્વામીના જન્મકલ્યાણકના દિવસે દીક્ષા લીધી હતી. ગઈ કાલે મહાવીરસ્વામીના દીક્ષાકલ્યાણકના દિવસે જ તેઓ કાળધર્મ પામ્યા હતા.