21 September, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આવા દાનવીરોના સહયોગથી ઇમારતો નવપલ્લવિત બની છે જેનો યશ શશિકાંતભાઈ બદાણીની દીર્ઘદૃષ્ટિને આભારી છે જે સદાને માટે સમાજ માટે પ્રેરણાસ્રોત બની રહેશે.
એક અદ્ભુત વ્યક્તિત્વે સૌની વચ્ચેથી વિદાય લઈ લીધી છે. તેમની સ્મૃતિઓ સ્મરણીય બની રહેશે. અગતરાય જેવા નાના ગામમાં જન્મલા અને રાજકોટની જૈન બોર્ડિંગમાં ભણ્યા બાદ મુંબઈમાં જાતમહેનતથી ધન કમાયા પછી ધર્મપત્ની મંજુલાબહેન અને પુત્ર સંજયના વિયોગ બાદ જે મળ્યું છે એમાં સૌનો ભાગ છે એવી ઉમદા ભાવનાથી કાંદાવાડી સંઘ પ્રેરિત કોનવેસ્ટ મંજુલા શશિકાંત બદાણી હૉસ્પિટલ નામકરણનો લાભ લઈને દાનસરિતાનો પ્રારંભ કર્યો. ઑલ ઇન્ડિયા સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ, જૈન એજ્યુકેશન સોસાયટી-વડાલા, બાંદરા જૈન સંઘ, ઘાટકોપર સ્વાધ્યાય સંઘ, દશાશ્રીમાળી જૈન ભોજનાલય, રોટરી ક્લબ વગેરેમાં ટ્રસ્ટીપદે સેવારત રહ્યા.
રાજકોટમાં શશિકાંત જી. બદાણી - સરસ્વતી શિશુમંદિર પ્રાથમિક શાળા, જૈન બોર્ડિંગ, બહેરા મૂંગા પ્રાઇમરી સ્કૂલમાં માતબર સખાવત કરી. સાવરકુંડલામાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિ:શુલ્ક હૉસ્પિટલમાં દર્દીનારાયણને ઉપયોગી મેડિકલ મશીનો માટે ૫૦ લાખ તેમ જ મલ્ટિ-સુપરસ્પેશ્યલિટી હૉસ્પિટલમાં સુવિધાઓ માટે ૪ કરોડની સખાવત કરેલી. વડનગરમાં બૉય્ઝ હૉસ્ટેલ માટે દોઢ કરોડ અર્પણ કરેલા. આમ વિવિધ ક્ષેત્રોમાં અનેક રીતે ઉપયોગી બનતા રહ્યા. આવા દાનવીરોના સહયોગથી ઇમારતો નવપલ્લવિત બની છે જેનો યશ શશિકાંતભાઈ બદાણીની દીર્ઘદૃષ્ટિને આભારી છે જે સદાને માટે સમાજ માટે પ્રેરણાસ્રોત બની રહેશે.