14 January, 2026 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA) પર કસ્ટમ્સ-વિભાગે ડ્રગ્સ સ્મગલિંગના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બૅન્ગકૉકથી મુંબઈ આવેલા જામનગરના ૩૨ વર્ષના કે. એમ. ત્રિવેદીની ૬ કરોડ રૂપિયાના ગાંજા સાથે રવિવારે રાતે ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટમ્સ અધિકારીઓએ નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને જામનગરના રહેવાસી કે. એમ. ત્રિવેદીનું નિવેદન નોંધ્યું હતું. પૂછપરછ દરમ્યાન તેણે કબૂલાત કરી હતી કે નશીલા પદાર્થની હેરાફેરી પૈસાની લાલચમાં કરી હતી. આ કેસમાં માત્ર આ એક વ્યક્તિની સંડોવણી નથી પરંતુ એની પાછળ મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ-રૅકેટ હોવાનો દાવો કસ્ટમ્સ-અધિકારીઓએ કર્યો છે.
સામાનમાંથી મળી આવ્યાં ૧૨ પૅકેટ
કસ્ટમ્સ-વિભાગના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીનું નામ કે. એમ. ત્રિવેદી છે જે મૂળ જામનગરનો રહેવાસી છે. રવિવારે તે બૅન્ગકૉકથી મુંબઈ ઍરપોર્ટ પર ઊતર્યો ત્યારે શંકાના આધારે તેને અટકાવવામાં આવ્યો હતો. તેના સામાનની તપાસ કરતાં અંદરથી ૧૨ પૅકેટ મળી આવ્યાં હતાં. આ પૅકેટોમાં અંદાજે ૫.૯૩ કિલો લીલા રંગનો સૂકો નશીલો પદાર્થ હતો જેની તપાસ કરતાં એ ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે NDPS ઍક્ટના આધારે તેની સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.