✕

આ મમ્મીએ ૧૭ ‌‌લિટર જેટલું દૂધ હ્યુમન મિલ્ક બૅન્કને દાન આપ્યું

05 October, 2026 11:27 AM IST  |  Mumbai | Jigisha Jain

જાનકી એક જીવંત ઉદાહરણ છે જેણે બીજાં જરૂરતમંદ નવજાત બાળકો સુધી પોતાનું દૂધ પહોંચાડ્યું

પૉડકાસ્ટર જાનકી મહેતા

પૉડકાસ્ટર જાનકી મહેતા ઇન્ટરનેટની દુનિયામાં જાણીતું નામ છે. તેણે પોતાની દીકરીના જન્મ પછી તેના માટે સ્ટોર કરલું ૧૭ ‌લિટર જેટલું દૂધ હ્યુમન મિલ્ક બૅન્કમાં દાન આપીને બીજી ઘણી માતાઓને પોતાનું દૂધ દાનમાં આપવા માટેની પ્રેરણા આપી છે. આજની મૉડર્ન દુનિયામાં એક તરફ જ્યાં એવી સ્ત્રીઓ પણ છે જે બાળકને પોતાનું દૂધ આપવા તૈયાર નથી ત્યાં જાનકી એક જીવંત ઉદાહરણ છે જેણે બીજાં જરૂરતમંદ નવજાત બાળકો સુધી પોતાનું દૂધ પહોંચાડ્યું

રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે, કારણ કે વિજ્ઞાનની પ્રગતિ પછી પણ આપણે લૅબોરેટરીમાં લોહી બનાવી નથી શક્યા. લોહીને માનવશરીર જ બનાવી શકે છે. એવી જ રીતે માનું દૂધ માનવશરીર જ બનાવી શકે છે. વિજ્ઞાનની મદદથી સારામાં સારાં ફૉર્મ્યુલા મિલ્ક બની રહ્યાં છે પણ માના દૂધની સરખામણીમાં એ ઊણાં જ રહેવાનાં, કારણ કે આ દૂધ માનવશરીર જ બનાવી શકે છે. આમ, આ દૂધનું દાન પણ મહાદાનથી ઓછું નથી. કોઈ નવજાત બાળક જેને માનું દૂધ કોઈ પણ કારણસર મળી શકતું નથી તે બાળકને કોઈ બીજી માનું દૂધ મળે જે તે બાળક માટે સંજીવની સાબિત થાય ત્યારે ખરી માનવતાનાં દર્શન થાય છે. આજના યુગમાં જ્યાં એક તરફ સગી મા બાળકને દૂધ આપવા તૈયાર નથી હોતી ત્યાં કેટલીક મા એવી છે જે પોતાનું દૂધ દાન કરે છે, જેથી બીજાં નવજાત બાળકોને એ ઉપયોગી થઈ શકે. આવી જ એક મા એટલે જાનકી મહેતા. ૪૦ વર્ષની જાનકી એક સિંગર છે. બે બાળકોની મા છે. તેનો દીકરો સૂફી પાંચ વર્ષનો છે અને દીકરી રૂમી એક વર્ષની છે. જાનકી પોતાના પતિ અને જાણીતા ઍક્ટર નકુલ મહેતા સાથે ધી ઇન્ડિયન પેરન્ટ પૉડ નામનું પૉડકાસ્ટ ચલાવે છે જે ખાસ્સું લોકપ્રિય બની રહ્યો છે. 
ઘણા લોકો આ વાતથી અજાણ હશે કે માનું દૂધ પણ દાન કરી શકાય છે. માનું દૂધ નવજાત બાળકના પોષણનો એકમાત્ર કુદરતી સોર્સ છે. આમ તો વર્લ્ડ હેલ્થ ઑર્ગેના‌‌‌‌ઇઝેશન (WHO) મુજબ માનું દૂધ દરેક બાળકનો જન્મસિદ્ધ હક છે, પણ ઘણાં બાળકોના નસીબમાં આ હક હોતો નથી. ખાસ કરીને સમયથી વહેલાં જન્મી ગયેલાં બાળકો કે બીમાર બાળકો જે જન્મ લેતાંની સાથે જ ‌‌નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (NICU)માં પહોંચી ગયાં છે તેમની ‌રિકવરી માટે તેમને માના દૂધની જરૂર પડે છે, પણ આ સમયે તેમની માને દૂધ ઓછું આવે કે આવે જ નહીં એવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. આ બાળકોને ફૉર્મ્યુલા દૂધ આપવામાં આવે છે, પણ જો માનું દૂધ આપવામાં આવે તો તેમની ‌રિકવરી ઘણી સારી થઈ શકે છે. કેટલાંક બાળકો માટે આ સ્ટેજ પર માનું દૂધ સંજીવનીસમાન સાબિત થાય છે. ખાસ કરીને ૧.૫ કિલોથી ઓછું વજન ધરાવતાં બાળકો માટે એ ઘણું ઉપયોગી બને છે. આવા સંજોગોમાં માનવદૂધ બૅન્ક જેને હ્યુમન મિલ્ક બૅન્ક કહે છે એ ઉપયોગમાં આવે છે. આ બૅન્કમાં જે માને ઇચ્છા હોય તે દૂધનું દાન કરી શકે છે. 

સ્ટોરેજ 
કોઈ પણ સ્ત્રી જ્યારે મા બને ત્યારે કુદરતી રીતે તેના બાળકના પોષણ માટે તેને દૂધ આવે છે. આ દૂધનું દાન કરી શકાય એ તમારા મનમાં કેવી રીતે આવ્યું? આ પ્રશ્નનો જવાબ આપતાં જાનકી કહે છે, ‘ગયા વર્ષે મારી દીકરીનો જન્મ થયો પછી હું બ્રેસ્ટ-પમ્પ વાપરતી હતી, જેથી મને સ્તનપાનમાં મદદ મળે. મિલ્ક-સપ્લાય એક વખત નૉર્મલ થયા પછી મેં નક્કી કર્યું હતું કે હું દૂધ સ્ટોર કરીશ, જેથી હું જો વ્યસ્ત હોઉં, ક્યાંક બહાર ગઈ હોઉં કે બીજા કોઈ પણ કારણસર હું તેને દૂધ ન પીવડાવી શકું તો મારી દીકરીને દૂધની અછત થાય નહીં; તેને પૂરતું દૂધ મળી રહે.’
મા એક વખત નક્કી કરે કે બાળક માટે આટલું કરવું છે તો એ કરીને જ રહે છે. જાનકીએ નક્કી કર્યું હતું કે ફ્રીઝર ભરીને દૂધ હું જમા કરીશ. એના વિશે વાત કરતાં જાનકી કહે છે, ‘દૂધ જમા કરતાં-કરતાં એક તબક્કે મને સમજાયું કે મારી પાસે મારી પુત્રીને જેટલી જરૂર હતી એના કરતાં ઘણું વધારે દૂધ હતું અને ત્યારે મને વિચાર આવ્યો કે આ દૂધ મારા ફ્રીઝરમાં એમ જ પડ્યું રહે એને બદલે હું એને યોગ્ય સમયે NICUમાં રહેલાં એ બાળકોને દાન કરી શકું જેમને ખરેખર એની જરૂર છે.’

વધારાનું દૂધ 
આ દાન કરવું કઈ રીતે એ સમજવા જાનકીએ અલગ-અલગ હૉસ્પિટલોમાં ફોન કર્યા અને પ્રક્રિયા શું છે એ સમજી. આખરે સૂર્યા હૉસ્પિટલની હ્યુમન મિલ્ક બૅન્કમાં તેણે દાન કર્યું, પણ દાન કરતાં પહેલાં એક વસ્તુ સમજી લેવાની છે એના વિશે વાત કરતાં જાનકી કહે છે, ‘દાન ખાતર તમારા પોતાના બાળકને દૂધ પીવડાવવામાં બાંધછોડ કરવાની જરૂર નથી. તમારા બાળકની જરૂરિયાતો હંમેશાં પ્રથમ સ્થાને હોવી જોઈએ. એક વખત તમારી અને બાળકની વચ્ચે સ્તનપાનની સા‌‌ઇકલ બંધબેસી જાય અને તમારું દૂધ વધે એટલે આપોઆપ તમે સ્ટોર કરી શકો છો. આ એક પ્રોસેસ છે, જેને કદાચ સમય અને પ્રયત્નો બન્ને જોઈએ, પણ ભાવ સ્ટ્રૉન્ગ હોય તો એ થઈ શકે છે.’ 

મહેનત 
આખી સફર દરમ્યાન ચોક્કસપણે ઘણી ભાવનાત્મક ક્ષણો હ,તી જેના વિશે જણાવતાં જાનકી કહે છે, ‘એવા દિવસો હતા જ્યારે મને પમ્પ કરવાનું બિલકુલ મન ન થતું હોય, હું થાકી ગઈ હોઉં અથવા પમ્પ ન કરવા માગતી હોઉં; પરંતુ હું મારી જાતને દબાણ કરતી અને વિચારતી કે  સારું, બસ એક વધુ પૅકેટ, દૂધનું બસ એક વધુ નાનું પૅકેટ. પમ્પ કરવા માટે અડધી રાત્રે જાગવાના દિવસો, એ પૅકેટો ભરવાં, બૉટલો સાફ કરવી, દૂધ સ્ટોર કરવું અને આ બધું ફરીથી અને ફરીથી કરવું. એક પ્રકારની ખંત હતી મારી - પણ એ સમયે મારું એકમાત્ર ધ્યેય મારી દીકરી માટે સ્ટૉક બનાવવાનું હતું, પરંતુ આ મહેનત હું એળે પણ ન જવા દઈ શકું. એટલે જે માર્ગ મેં પસંદ કર્યો હતો એ બેસ્ટ હતો એ હું સમજી શકી.’

ભાવના 
આ દૂધ કુલ મળીને ૧૭ લિટર જેટલું હતું જે જાનકીએ દાનમાં આપ્યું હતું. એ ક્ષણને યાદ કરતાં તે કહે છે, ‘જ્યારે મેં દૂધ આપ્યું ત્યારે મારી આંખોમાંથી આંસુ રોકાતાં નહોતાં. હું ખૂબ ખુશ હતી કે દૂધ એ બાળકો પાસે જઈ રહ્યું હતું જેમને એની જરૂર હતી. મને ખરેખર એ વાતનો અહેસાસ થયો કે મારું શરીર મારા પોતાના બાળક સિવાય પણ અન્ય બાળકોનું પોષણ કરવા માટે સક્ષમ હતું. એ અહેસાસ ખૂબ સુંદર હતો. તાજેતરમાં જ્યારે હું સૂર્યા હૉસ્પિટલ ગઈ ત્યારે મને NICU જોવાની તક પણ મળી. ત્યાં આશરે ૪૦થી ૪૫ બાળકો હતાં અને એમાંથી કેટલાંક આપણી હથેળી જેટલાં નાનાં હતાં. જ્યારે ડૉક્ટરે મને સમજાવ્યું કે આમાંનાં કેટલાંક બાળકો માટે દાનમાં મળેલું દૂધ કેટલું મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે ત્યારે મેં જે કર્યું હતું એનું મહત્ત્વ મને ખરેખર સમજાયું. એ કદાચ મારા માટે ઘણું ભાવનાત્મક હતું. એટલા માટે નહીં કે મને લાગ્યું કે મેં કંઈક અસાધારણ કર્યું છે, પરંતુ હું ખરેખર કૃતજ્ઞતા અનુભવતી હતી કે મને એવું કંઈક કરવાની તક મળી જે આ બાળકોને મદદ કરી શકે.’

ગિલ્ટ ન રાખો 
ઘણી સ્ત્રીઓ પોતાના બાળકને જ આજની તારીખે સ્તનપાન કરાવવા નથી માગતી એવી સ્ત્રીઓને તમે શું કહેશો? આ બાબતે પોતાના સ્પષ્ટ વિચારો જણાવતાં જાનકી કહે છે, ‘મને લાગે છે કે માતૃત્વમાં વગર કારણે જ આટલું બધું દબાણ હોય છે, તેથી સ્તનપાન ન કરાવી શકવાનું ગિલ્ટ આ બધી બાબતો પર ઉમેરવું યોગ્ય નથી. હું ક્યારેય ઇચ્છા નહીં રાખું કે કોઈ બીજી મહિલા એ બાબતે અપરાધભાવ અનુભવે કે સ્તનપાન એના માટે કામ ન કરી શક્યું, અથવા તેણે સભાનપણે કોઈ અલગ પસંદગી કરવાનો નિર્ણય લીધો. જોકે જો તમે સ્તનપાન કરાવવા માટે સક્ષમ છો અને સ્તનપાન કરાવવા માગો છો તો હું કહીશ કે તમારી જાતને એક તક આપો.’

જાનકીની જેમ તમે પણ દૂધનું દાન કરવા ઇચ્છતા હો તો...
મુંબઈની મહિલાઓ સૂર્યા હૉસ્પિટલ અથવા હ્યુમન મિલ્ક બૅન્કની સુવિધા ધરાવતી અન્ય હૉસ્પિટલો, જેમ કે KEM હૉસ્પિટલ, સાયન હૉસ્પિટલ, નાયર હૉસ્પિટલ અને JJ હૉસ્પિટલનો સંપર્ક કરી શકે છે. તેઓ તમને આ પ્રક્રિયા પર માર્ગદર્શન આપશે. જો તમે બીજા કોઈ શહેરમાં છો તો ‌‌નીઓનેટલ યુનિટ અથવા હ્યુમન મિલ્ક બૅન્ક ધરાવતી હૉસ્પિટલ શોધો અને બસ  પહેલો ફોન તમે કરો, આગળ બધું માર્ગદર્શન મળી જશે.

mumbai news mumbai gujarati mid day gujarati community news Jigisha Jain exclusive