18 March, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિલે પાર્લે-વેસ્ટમાં ગોલ્ડન ટબૅકો પાસેની ફુટપાથ પર સૂઈ રહેલા આધેડ પર આ JCBનું ટાયર ફરી વળ્યું હતું. (તસવીર: સતેજ શિંદે)
વિલે પાર્લે-વેસ્ટમાં એસ. વી. રોડ પર રસ્તાનાં કામ ચાલી રહ્યાં છે ત્યારે ગોલ્ડન ટબૅકો કંપની સામે રવિવારે મધરાત બાદ બેથી અઢી વાગ્યા દરમ્યાન રોડનું કામ કરવા આવેલા JCBના ડ્રાઇવરે રિવર્સ લેતી વખતે એનું ટાયર ફુટપાથ પર સૂઈ રહેલા અંદાજે પચાસથી પંચાવન વર્ષના આધેડ પર ચડાવી દીધું હતું જેને કારણે તેનું ગંભીર ઈજા થવાને લીધે મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ JCBનો ડ્રાઇવર અને ક્લીનર ઘાયલ વ્યક્તિને મદદ કરવાને બદલે ત્યાંથી JCB લઈને ભાગી ગયા હતા. તેઓ JCB અંધેરીમાં એક જગ્યાએ મૂકીને ભાગી ગયા હતા. જોકે જુહુ પોલીસે તપાસ કરીને ડ્રાઇવર અને ક્લીનરને ઝડપી લીધા હતા.
આ કેસ વિશે માહિતી આપતાં જુહુ પોલીસ-સ્ટેશનના ઑફિસરે કહ્યું હતું કે ‘આ ઘટના પછી ત્યાંથી પસાર થઈ રહેલા ૨૪ વર્ષના સુનીલ આરામ નામના માણસે ફુટપાથ પર એક વ્યક્તિને લોહીલુહાણ જોઈને અમને જાણ કરી હતી. થોડી જ વારમાં અમારા કૉન્સ્ટેબલ ત્યાં પહોંચી ગયા હતા અને ઘાયલ વ્યક્તિને પ્રાઇવેટ ઍમ્બ્યુલન્સમાં નાખીને કૂપર હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.’
કઈ રીતે અકસ્માત કરીને નાસી ગયેલા ડ્રાઇવર સુધી પોલીસ પહોંચી એ બાબતે માહિતી આપતાં ઑફિસરે કહ્યું હતું કે ‘જે રીતે ઈજા થઈ હતી એ જોતાં કોઈ હેવી વેહિકલે તેને ફટકો માર્યો હોય એવું લાગી રહ્યું હતું. એથી એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસતાં એમાં JCB દેખાઈ આવ્યું હતું. એથી ત્યાર બાદ એ કડીના આધારે વધુ તપાસ કરીને ડ્રાઇવર શાંતારામ પાલ અને ક્લીનર દત્તા શિંદેને ઝડપી લીધા છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર આધેડની ઓળખ થઈ શકી નથી.’