ઝવેરીને લાગ્યો ડબલ શૉક

18 January, 2022 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પિતાના અવસાનમાં શોકમગ્ન જ્વેલર પાંચ દિવસે ઑફિસ ગયા ત્યારે ખબર પડી કે નવો રાખેલો કર્મચારી ૧૭.૫ કિલો સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયો છે

પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ મુંબઈના ભુલેશ્વરમાં સુરતી હોટેલ પાસે ઑફિસ ધરાવતા અને જ્વેલરી ડિઝાઇન બનાવતા એક મારવાડી વેપારીને અઠવાડિયામાં બે શૉક લાગ્યા હતા. ૯ જાન્યુઆરીએ પિતાનું અવસાન થતાં વેપારીએ ૧૭.૫ કિલો દાગીના પોતાની ઑફિસમાં રાખ્યા હતા અને એક ચાવી વિશ્વાસુ કર્મચારીને આપી હતી. પાંચ દિવસ બાદ તેઓ ઑફિસ ગયા ત્યારે કર્મચારી બધા દાગીના સાથે પલાયન થઈ ગયો હોવાનું જણાતાં તેમને પિતાના મૃત્યુ બાદ ચોરીનો પણ આઘાત લાગ્યો હતો. એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ આરોપીને પકડવાનો પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે જણાવ્યું કે ‘સોના-ચાંદી કે હીરા-ઝવેરાતના ધંધામાં મોટા ભાગના વેપારીઓ પોતાના વિશ્વાસુઓને જ કામે રાખે છે. દક્ષિણ મુંબઈમાં ભુલેશ્વરની સુરતી હોટેલ પાસેની બીજી ફોફલવાડીમાં ખુશાલ રસીકલાલ ટામકા જેનિશા જ્વેલ્સ આર્ટ્સ કંપનીના નામે જ્વેલરી ડિઝાઇનનું કામકાજ કરે છે. ઑફિસની બે ચાવીમાંથી એક વેપારી પાસે રાખી હતી અને બીજી ૬ મહિના પહેલાં કામ પર રાખેલા ગણેશ હીરારામ કુમાર નામના કર્મચારીને આપી હતી. ૯ જાન્યુઆરીએ પિતાનું અવસાન થતાં વેપારી ચાર દિવસ ઑફિસ નહોતા ગયા. ૧૪ જાન્યુઆરીએ તેઓ ઑફિસ પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી.
એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં વેપારી ખુશાલ ટામકાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ‘હું ગોરેગામમાં જ્વેલરી ડિઝાઇન કરીને બીજી ફોફલવાડીની ઑફિસથી દેશભરમાં વેપાર કરું છું. બીકેસીમાં જ્વેલરી ડિઝાઇનનું એક્ઝિબિશન આયોજિત કર્યું હોવાથી ગારેગામની ફૅક્ટરીમાંથી ૮.૧૯ કરોડ રૂપિયાના ૧૭.૫ કિલો દાગીના ભુલેશ્વરની ઑફિસમાં લાવવામાં આવ્યા હતા. જોકે કોરોનાને લીધે એક્ઝિબિશન રદ થતાં આ દાગીના ઑફિસમાં જ રહ્યા હતા અને ૧૩ જાન્યુઆરીએ રાતે તેમણે ગણેશને ઑફિસ અને તિજોરીમાં રાખેલા દાગીનાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું, પણ બીજા દિવસે તેઓ ઑફિસ પહોંચ્યા ત્યારે ગણેશ અને દાગીના બન્ને ગાયબ હતા. ગણેશને અનેક વખત ફોન કર્યા છતાં તેનો નંબર સ્વિચ્ડ-ઑફ આવતો હોવાથી તે જ દાગીના સાથે પલાયન થઈ ગયો હાવાની શંકા ગઈ છે. ઑફિસના સીસીટીવી કૅમેરાનું સીડીઆર પણ નહોતું. આસપાસના સીસીટીવી કૅમેરા ચકાસતાં ગણેશ તેના મિત્ર રમેશકુમાર પ્રજાપતિ સાથે બૅગ લઈને ઑફિસની બહાર નીકળતો દેખાયો છે.’
એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર જ્યોતિ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જેનિશા જ્વેલ્સ આર્ટ કંપનીમાં દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપી રાજસ્થાનનો હોવાની માહિતી ફરિયાદીએ આપ્યા બાદ અમે એક ટીમ રાજસ્થાન મોકલી છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે.’

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police