12 July, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જ્વેલરની દુકાનમાં પ્રવેશવા માટે બાજુની દુકાનમાં કરેલું ગાબડું. જ્વેલરની દુકાનમાં ચોરી કરતા ૩ ચોર CCTV કૅમેરાના ફુટેજમાં.
ભિવંડીના અંજુરફાટા વિસ્તારમાં કૈલાસ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઓમ શ્રી પદમાવતી જ્વેલર્સ નામની દુકાનમાંથી ચોરો ફિલ્મી ઢબે આશરે ૨૦ લાખ રૂપિયાના દાગીના તડફાવી ગયા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલે ઓમ શ્રી પદમાવતી જ્વેલર્સના માલિક ભગવતીલાલ જૈને શુક્રવારે નારપોલી પોલીસ-સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તસ્કરોએ જ્વેલરની બાજુમાં આવેલી અરિહંત બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયર્સ નામની દુકાનનો પાછળનો લોખંડનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ બન્ને દુકાનો વચ્ચેની કૉમન દીવાલમાં મોટું ગાબડું પાડીને તસ્કરો જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યા હતા અને શોકેસ તેમ જ કાઉન્ટર પાછળ રાખેલા ૨૦ લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરીને નાસી ગયા હતા. આ કેસમાં સ્થાનિક પોલીસે તેમ જ ક્રાઇમ બ્રાન્ચે જૉઇન્ટ તપાસ શરૂ કરી છે.
ઓમ શ્રી પદમાવતી જ્વેલર્સના માલિક ભગવતીલાલ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે દરરોજની જેમ રાતે ૯ વાગ્યે અમે દુકાન વધાવીને ઘરે ગયા હતા. મારી દુકાનમાં સુરક્ષાના ભાગરૂપે અમે ૮ CCTV કૅમેરા લગાવ્યા છે, જેનો ઍક્સેસ મારા પરિવારના સભ્યોના મોબાઇલમાં છે. ગુરુવારે રાત્રે ૩.૩૦ વાગ્યે મારા મોટા પુત્ર હર્ષિતની અચાનક આંખ ખૂલતાં તેણે મોબાઇલમાં CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં ત્યારે દુકાનનો સામાન અસ્તવ્યસ્ત દેખાયો હતો અને અંદર અમુક અજાણ્યા લોકો ફરતા દેખાતાં તેણે તરત મને અને મારા ભાઈને જગાડ્યા હતા. અમે તાત્કાલિક બાજુની દુકાનના માલિક મહેન્દ્ર જૈનને સાથે લઈને દુકાન બચાવવા દોડ્યા હતા, પરંતુ જેવા અમે ત્યાં પહોંચ્યા એટલે તસ્કરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યાર બાદ દુકાનની અંદર તપાસ કરતાં આશરે ૨૦ લાખ રૂપિયાની કિંમતના સોના અને ચાંદીના દાગીના ચોરાયા હોવાનું માલૂમ પડ્યું હતું.’
પોલીસ શું કહે છે?
નારપોલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩ આરોપી દુકાનની અંદર હતા તેમ જ એક આરોપી દુકાનથી ૧૫૦ મીટર દૂર ઊભો રહીને વૉચ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે એટલે જ્યારે ફરિયાદી પોતાની દુકાન ચોરાતી અટકાવવા દોડ્યા ત્યારે આરોપી જે માર્ગે આવ્યા હતા એ માર્ગે પાછા નાસી ગયા હતા. આરોપીઓએ બાજુની દુકાનમાંથી જ્વેલરની દુકાનમાં પ્રવેશ કર્યો છે એટલે તેમણે પહેલેથી પ્લાનિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે.’