મલાડમાં રહેતા ગુજરાતી પરિવારના બંગલામાંથી ચોરાયા ૫૦ લાખ રૂપિયાના દાગીના

22 March, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યારે દાગીનાની ચોરી થઈ ત્યારે એ જ બેડરૂમમાં બે સિનિયર સિટિઝન સૂતા હતા

પ્રતીકાત્મક તસવીર

મલાડ-ઈસ્ટના મંછુભાઈ રોડ પર આવેલી પુષ્પા કૉલોનીમાં રહેતા ૪૬ વર્ષનાં દેવાંગી પરીખના પારિજાત બંગલામાંથી મંગળવારે રાતે ૫૦ લાખથી વધુ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા હોવાની ફરિયાદ દિંડોશી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. મંગળવારે રાતે પરીખ-પરિવાર ઘરના બન્ને દરવાજા લૉક કરીને ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમમાં સૂતો હતો એ વખતે વહેલી સવારે ચોરે પાછળનો દરવાજો તોડીને પારિજાત બંગલાના પહેલા માળના બેડરૂમમાં જઈને દાગીના ચોર્યા હોવાનો પોલીસનો પ્રાથમિક અંદાજ છે. આ મામલે પોલીસે ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ઉપરાંત આસપાસના રહેવાસીઓની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે દાગીનાની ચોરી થઈ ત્યારે એ જ બેડરૂમમાં બે સિનિયર સિટિઝન સૂતા હતા. જોકે ચોરને મોકળું મેદાન મળ્યું હોય એવું સાબિત થયું છે, કારણ કે જે કબાટમાં દાગીના રાખવામાં આવ્યા હતા એના લૉકને પરીખ-પરિવાર ચાવી લગાડી રાખે છે, લૉક નથી કરી દેતો. દિંડોશી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પુષ્પા કૉલોનીમાં G+2ના ફૉર્મેટના એક બંગલામાં મંગળવારે રાતે ૫૦ લાખથી વધુ રૂપિયાના દાગીના ચોરાયા હતા. આ બંગલામાં સાત લોકો રહે છે જેમાં પહેલા માળે સિનિયર સિટિઝનના બેડરૂમમાં રાખેલા કબાટમાં પરિવારજનોના દાગીના રાખવામાં આવ્યા હતા. મંગળવારે સાંજે પરીખ-પરિવાર ઘરના બન્ને દરવાજા લૉક કરીને સૂતો હતો. વહેલી સવારે સાડાપાંચ વાગ્યે દેવાંગી પરીખે પાછળનો દરવાજો ખુલ્લો જોયો હતો. તપાસ કરતાં ખબર પડી કે દરવાજો તોડવામાં આવ્યો છે. એ પછી તેમણે જેમાં દાગીના રાખ્યા હતા એ બેડરૂમમાં જઈને જોયું તો એ દરવાજો પણ ખુલ્લો હતો. એ પછી ચોરી થઈ હોવાની ખાતરી થતાં અમને જાણ કરવામાં આવી હતી. તેમના બંગલામાંથી સોનાની ચેઇન, કીમતી નેકલેસ, સિક્કા, શર્ટમાં ટાંકવામાં આવતાં બટન, બંગડી, વીંટી, પેન્ડન્ટ અને મંગળસૂત્ર સહિત કુલ ૫૦ લાખથી વધુ રૂપિયાના દાગીના ચોરાયા છે.’

આ મામલે અમારી ડિટેક્શન સ્ક્વૉડ વધુ તપાસ કરી રહી છે એમ જણાવતાં દિંડોશીના પોલીસ-ઇન્સ્પેક્ટર રાહુલ દળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે અમે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિવિધ ઍન્ગલથી આ કેસ પર તપાસ કરવામાં આવી રહી છે.’ ‘મિડ-ડે’એ આ કેસમાં દેવાંગી પરીખનો સંપર્ક કર્યો હતો, પણ તેમણે વ્યસ્ત હોવાનું કહીને વાત કરવાનું ટાળ્યું હતું.

mumbai news mumbai malad Crime News mumbai crime news gujarati community news gujaratis of mumbai