20 October, 2026 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિતેન્દ્ર આવ્હાડ
અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર થવાની હાઈ-પ્રોફાઇલ ઘટનાના થોડા સમય પછી રવિવારે સાંજે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોનકૉલ્સ આવ્યા હતા.
એક અજાણી વ્યક્તિએ સાંજે લગભગ ૪.૩૦ વાગ્યાથી જિતેન્દ્ર આવ્હાડને વારંવાર ફોન કર્યા હતા. તેણે અપશબ્દોનો પ્રયોગ કરતાં કહ્યું હતું કે ‘હું તમારા ઘરની બહાર ઊભો છું. હું તમને ગોળી મારી દઈશ, તમારું કામ તમામ કરી નાખીશ.’
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફોનકૉલ પુણેથી આવ્યો હતો. જિતેન્દ્ર આવ્હાડના પક્ષના કાર્યકર હેમંત વાણીએ એ નંબર પર પાછો ફોન કર્યો ત્યારે સામેવાળી વ્યક્તિએ તેને પણ ધમકી આપતાં કહ્યું હતું કે પહેલા હું જિત્યા (જિતેન્દ્ર આવ્હાડ)ને ગોળી મારીશ અને પછી તારો વારો પાડીશ.
જિતેન્દ્ર આવ્હાડ અને હેમંત વાણી બન્નેએ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને પુણે તથા થાણેની પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ધમકી પાછળનો ચોક્કસ હેતુ શું છે એ વિશે હાલ તપાસ ચાલી રહી છે.