24 January, 2026 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફોટોગ્રાફર્સે કરેલી મારઝૂડ બાદ લોહીલુહાણ હાલતમાં ટૂરિસ્ટ
જુહુ ચોપાટી પર એક અનઑથોરાઇઝ્ડ ફોટોગ્રાફરે એક ટૂરિસ્ટ પર હુમલો કર્યો હતો. ફોટોગ્રાફર્સની દાદાગીરીની ઘટનાનો વિડિયો વાઇરલ થતાં ફરી એક વાર પર્યટકોના જીવ અધ્ધર થઈ ગયા છે. સાંતાક્રુઝ પોલીસે હુમલાખોર ફોટોગ્રાફરને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે કહ્યું હતું કે ‘ટૂરિસ્ટ અને બીચ પર ગેરકાયદે કામ કરતા ફોટોગ્રાફર્સના જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. વાઇરલ વિડિયોમાં જોઈ શકાય છે કે ફોટોગ્રાફર્સ એક યુવકનો પીછો કરતા હતા. યુવક થાકી જતાં ફોટોગ્રાફર્સ તેને પકડી પાડે છે અને તેની મારઝૂડ કરે છે. પર્યટકને ગંભીર ઈજા થવા છતાં હુમલાખોરો ગાળો આપતા જાય છે અને તેને માર મારવાનું ચાલુ રાખે છે.’
વિડિયો ધ્યાનમાં આવતાં સાંતાક્રુઝ પોલીસે તપાસ હાથ ધરી છે. સાક્ષીઓ અને બીચ પરના સ્ટૉલમાલિકોનાં નિવેદનો પણ લેવાઈ રહ્યાં છે. જુહુ બીચ પર ગેરકાયદે ફોટોગ્રાફર્સ પર ભૂતકાળમાં ગુંડાગીરી, વધુ કિંમત વસૂલવી અને મુલાકાતીઓને ડરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.