29 November, 2024 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજલ હિન્દુસ્થાની
‘કચ્છી જૈન સમાજની ઘણી દીકરીઓ લવ જેહાદનો ભોગ બની છે. આપણી જૈન દીકરીને લગ્ન પછી મટન વેચતી જોઈને કોઈ પણને દુખ તો થાય જ. કેટલીયે છોકરીઓને લગ્ન પછી માંસ પકવવાની ફરજ પાડવામાં આવી છે. કેટલીક છોકરીઓને ખોટી રીતે બ્લૅકમેઇલ કરવામાં આવી છે તો કેટલીકને પોતાનો બહુમૂલ્ય જીવ ગુમાવવો પડ્યો છે. કચ્છી જૈન સમાજ અહિંસા અને પ્રેમમાં માને છે, પણ સમાજની દીકરીઓની આ દુર્દશા બાબતે ચૂપ બેસી શકાય નહીં.’
આ શબ્દો છે શ્રી ક.વી.ઓ. દેરાવાસી જૈન મહાજન-મુંબઈનાં માનદ મહામંત્રી CA પુષ્પા શાહના. તેમણે ૨૦૧૧માં પણ ‘બહના તુમસે હૈ કહના’ શીર્ષક હેઠળ યુગરાજ જૈનના વક્તવ્યનો એક કાર્યક્રમ કરેલો જેમાં માર્ગ ભટકેલી અને માતા-પિતાની વાતને ન સમજતી બે દીકરીઓને પાછી વાળવામાં સફળતા મળી હતી. ફરી એક વાર લવ જેહાદને રોકવાના પ્રયત્ન સ્વરૂપે, દીકરીઓને વિધર્મી બનતી અટકાવવા, નર્કમય જીવનથી બચાવવા શું તકેદારી રાખવી એ બાબતની ચર્ચા કરવા માટે શ્રી ક.વિ.ઓ. દેરાવાસી જૈન મહાજન-મુંબઈની ક.વી.ઓ. દેરાવાસી જૈન વિમેન્સ ફોરમ સમિતિ દ્વારા આવતી કાલે હિન્દુ શેરની તરીકે પ્રખ્યાત સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીનો એક સેમિનાર માટુંગા ખાતે ગોઠવવામાં આવ્યો છે, જેમાં ૧૫થી ૩૫ વર્ષની યુવતીઓને વડીલો સાથે પધારવાનું કહેવામાં આવ્યું છે.
ઘણી દીકરીઓ લવ જેહાદમાં ફસાય ત્યારે તેમની સામે સમાજમાં બનેલા અઢળક કેસને રાખવામાં આવે ત્યારે દીકરીને એમ હોય છે કે તે જેને પ્રેમ કરે છે તે દુનિયાથી અલગ છે અને તેને એ આંધળો વિશ્વાસ હોય છે કે તેનો પ્રેમી તેની સાથે કશું ખોટું નહીં કરે એમ સ્પષ્ટ જણાવતાં ક.વી.ઓ. દેરાવાસી જૈન વિમેન્સ ફોરમ સમિતિનાં મેમ્બર સોનલ પાસડ કહે છે, ‘પ્રેમ આંધળો હોય એ વાત સાચી, પરંતુ એક સમાજ તરીકે આપણો પ્રયત્ન એ હોવો જોઈએ કે આપણે આપણી દીકરીઓની આંખો ખોલી શકીએ. બસ, અમારી કોશિશ એ જ છે કે કાજલ હિન્દુસ્થાનીનું વક્તવ્ય સાંભળ્યા પછી દીકરીઓમાં સભાનતા આવે અને તેઓ સાચો નિર્ણય લેવા સક્ષમ બને.’
આ સેમિનારમાં ફક્ત કચ્છી જૈન નહીં, તમામ હિન્દુ છોકરીઓ ભાગ લઈ શકે છે; પણ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. એના માટે નીચેના નંબરો પર સંપર્ક કરી શકાય
CA પુષ્પા શાહ : 98690 10972, મીતલ સાલિયા : 97696 63433, સોનલ પાસડ : 98192 04323 સેમિનારનું સ્થળ : શ્રી માટુંગા કચ્છી શ્વે. મૂ. જૈન સંઘની શ્રી નારણજી શામજી વાડી, માટુંગા (સેન્ટ્રલ રેલવે), ૩૦ નવેમ્બર ૨૦૨૪, બપોરે ૨.૩૦ વાગ્યે